ડાયાબિટીસ (diabetes) સંબંધિત સંવેદનશીલતા અને જટિલતાને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ રવિવારે તમામ ડાયાબિટીસના દર્દીઓ માટે કોવિડ રસીકરણની હાકલ કરી હતી, જેમાં જરૂર પડે તો રસીના ત્રીજા ડોઝની માંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આઈએમએ (IMA)એ આજે વોકથોન, મેરેથોન, સ્ક્રીનીંગ કેમ્પ અને સોશિયલ મીડિયા ઝુંબેશ સાથે ડાયાબિટીસની જટીલતાઓને વહેલી તકે શોધવા અને ઘટાડવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે. ઝુંબેશમાં યુવા ડોકટરોમાં સંશોધન પેપરને પ્રોત્સાહન આપવાનો મુદ્દો અને હોસ્પિટલોમાં “ઉંડા” વ્યક્તિગત હસ્તક્ષેપનો પણ સમાવેશ થાય છે.
વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ ઝુંબેશ 10 દિવસ સુધી ચાલશે અને તેનું લક્ષ્ય એક અબજ લોકો સુધી પહોંચવાનું છે, એમ સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. ઝુંબેશના ભાગરૂપે IMAએ ભારતીય તબીબી સંગઠનો, રિસર્ચ સોસાયટી ફોર ધ સ્ટડી ઑફ ડાયાબિટીસ ઈન ઈન્ડિયા (RSSDI), એન્ડોક્રાઈન સોસાયટી અને અન્ય ઘણી વિશિષ્ટ સંસ્થાઓ સાથે હાથ મિલાવ્યા છે.
IDF ડાયાબિટીસ એટલાસની 10મી આવૃત્તિના ડેટા અનુસાર ડાયાબિટીસને કારણે 2021માં વિશ્વભરમાં 6.7 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા અને વિશ્વભરમાં 53.7 કરોડ પુખ્તો (20 થી 79 વર્ષની વયના) હાલમાં આ સ્થિતિ સાથે જીવી રહ્યા છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમની સંખ્યા 2030 સુધીમાં વધીને 64.3 કરોડ અને 2045 સુધીમાં 78.4 કરોડ સુધી થવાનું અનુમાન છે. ભારતમાં 7.7 કરોડથી વધુ પુખ્ત વયના લોકો ડાયાબિટીસથી પીડાય છે અને સંશોધકોનો અંદાજ છે કે 2045 સુધીમાં આ સંખ્યા વધીને 13.4 કરોડ થઈ જશે.
વિશ્વ ડાયાબિટીસ દિવસ (World Diabetes Day) વર્ષ 2006માં યુનાઈટેડ નેશન્સ ઠરાવ 61/225 પસાર થયાની સાથે એક સત્તાવાર સંયુક્ત રાષ્ટ્ર દિવસ બન્યો. તે દર વર્ષે 14 નવેમ્બરે સર ફ્રેડરિક બેન્ટિંગના જન્મદિવસે યોજવામાં આવે છે, જેમણે ચાર્લ્સ બેસ્ટ સાથે મળીને 1922માં ઈન્સ્યુલિનની શોધ કરી હતી. વિશ્વ ડાયાબિટીસ દિવસ 2021-23 ની થીમ ‘એક્સેસ ટુ ડાયાબિટીસ કેર’ છે.
ડોક્ટરોની સંસ્થાએ કહ્યુ કે, ઈન્સ્યુલિનની શોધના 100 વર્ષ પછી પણ વિશ્વમાં ડાયાબિટીસથી પીડાતા લાખો લોકોને તેઓની જરૂરિયાત મુજબની કાળજી મળતી નથી. તેમણે કહ્યું કે, ડાયાબીટીસના દર્દીઓને પોતાની સ્થીતીને મેનેજ કરવા અને જટીલતાઓથી બચવા માટે સતત સંભાળ અને સમર્થનની જરૂર હોય છે.
લોકોને ડાયાબિટીસ અને તેની જટીલતાઓ વિશે જાગૃત કરવા સપ્તાહ દરમિયાન વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવશે. 2021ની સમીક્ષા અનુસાર ભારતમાં શહેરો અને મેટ્રોપોલિટન વિસ્તારોમાં રહેતા લોકોને ડાયાબિટીસ થવાની સંભાવના પહેલા કરતા વધુ છે. આ બેડોળપણું, તણાવ, જંક ફૂડ, ધૂમ્રપાન અને દારૂનું સેવન વાળી શહેરી જીવનશૈલીને કારણે છે.
નિવેદનમાં જણાવાયું છે કે આ તમામ પરિબળો વ્યક્તિના ‘બોડી માસ ઈન્ડેક્સ’ (BMI)માં વધારો તરફ દોરી જાય છે, જે ડાયાબિટીસ વિકસાવવા માટેનું મુખ્ય જોખમી પરિબળ છે. એકંદરે, પુરુષો કરતાં સ્ત્રીઓમાં ડાયાબિટીસ થવાનું જોખમ વધારે હોય છે.
એસોસિએશને કહ્યું કે જો યોગ્ય કાળજી લેવામાં આવે તો આવી જટીલતાઓ અટકાવી શકાય છે. દર્દીઓની આહારની આદતો સુધારવા માટે IMAએ ભારત સરકારના ફૂડ સેફ્ટી વિભાગ સાથે પણ હાથ મિલાવ્યા છે અને ‘રાઈટ ઈટ કેમ્પેઈન’ને પ્રોત્સાહન આપ્યું છે. આ અંતર્ગત IMA FSSAIની મદદથી દરેક રાજ્યમાં ટ્રેનર્સને શીખવવા માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરી રહી છે, જેથી તેઓ પોતપોતાના રાજ્યોમાં લોકોને તેમના આહાર વિશે માર્ગદર્શન આપી શકે.