TV9, POLSTRAT અને PEPOLE’S INSIGHTના સર્વેમાં ભાજપને દક્ષિણના રાજ્યોમાં ફાયદો થતો જોવા મળી રહ્યો છે. તમિલનાડુ એ દક્ષિણનું રાજ્ય છે જ્યાં લોકસભાની સૌથી વધુ 39 બેઠકો છે. તેથી આ રાજ્યમાં ભાજપે ચૂંટણી પૂર્વે ઘણા લાંબા સમયથી તૈયારીઓ કરી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને લોકપ્રિય નેતા કે. અન્નામલાઈથી લઈને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી, બધાએ તમિલનાડુમાં પાયાના સ્તરે બહુ મહેનત કરી.
તમિલનાડુમાં કે. અન્નામલાઈની જાદુઈ અસર જમીન પર જોવા મળી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે જ્યાં પણ રેલીઓ યોજી, ત્યાં ભારે ભીડ એકઠી થઈ. કે અન્નામલાઈ રેલીમાં ઉમટેલી વિશાળ ભીડને વડાપ્રધાન મોદીએ પોતે પણ જોઈ હતી. બંને નેતાઓએ એકબીજા સાથે સ્ટેજ પણ શેર કર્યું હતુ.
TV9 પર દેખાડવામાં આવેલા એક્ઝિટ પોલ મુજબ, તમિલનાડુમાં જે ચાર બેઠક પર NDA જીતવાની આગાહી કરવામાં આવી છે તેમાંથી એક કોઈમ્બતુર અન્નામલાઈની બેઠક છે. ચૂંટણી રેલીઓથી લઈને મીડિયા ઈન્ટરવ્યુ સુધી, અન્નામલાઈએ દાવો કર્યો હતો કે આ વખતે માત્ર કોઈમ્બતુરમાં જ નહીં પરંતુ તમિલનાડુની ઘણી બેઠકો પર કમળ ખીલશે.
2019ની લોકસભા ચૂંટણીની સરખામણીએ કોઈમ્બતુરમાં 2024ની લોકસભા ચૂંટણીમાં લગભગ 8 ટકા વધુ મતદાન નોંધાયું હતું. કોઈમ્બતુરમાં 2019માં 64.81 ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે 72.09 ટકા મતદાન થયું હતું. અન્નામલાઈએ દાવો કર્યો કે મતદાનની ટકાવારીમાં વધારો એ ભાજપની જીતની નિશાની છે.
તમિલનાડુના એક્ઝિટ પોલ મુજબ, કોઈમ્બતુર સિવાય, બીજેપીની જીતની આગાહી કરાયેલી એકમાત્ર અન્ય સીટ તિરુનેલવેલી છે. ભાજપે તિરુનેલવેલીમાંથી નૈનાર નાગેન્દ્રનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. અન્નામલાઈની જેમ નાગેન્દ્રન પણ તેમના વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય નેતા છે. આ બે બેઠકો સિવાય ભાજપના સહયોગી પક્ષોને બે બેઠકો મળી શકે છે.
સમગ્ર તમિલનાડુની વાત કરીએ તો એક્ઝિટ પોલ અનુસાર NDAને 22.43 ટકા વોટ મળી રહ્યા છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 42.03 ટકા વોટ મળી રહ્યા છે. સર્વે દર્શાવે છે કે ઈન્ડિયા એલાયન્સ અહીં 39માંથી 35 સીટો જીતી શકે છે. જેમાં ડીએમકેને 21 અને કોંગ્રેસને 8 બેઠકો મળી શકે છે. અનુમાન મુજબ AIADMનું ખાતું નહીં ખુલે જ્યારે ડાબેરી પક્ષને 4 બેઠકો મળી શકે છે.