માફિયા અતીક અહેમદની ઓફિસમાંથી કોના લોહીના ડાઘા મળ્યા ? આજે FSL ના રિપોર્ટમાં થશે ખુલાસો
Atiq Ashraf Murder: ચાકિયામાં અતીક અહેમદની ઓફિસમાંથી મળેલા લોહીના ડાઘ કોઈ વ્યક્તિના છે. આ લોહીનો ફોરેન્સિક રિપોર્ટ પણ આજે આવવાનો છે. આ સાથે પોલીસે આ કોનું લોહી છે તે શોધવાનું શરૂ કર્યું છે.
ચાકિયામાં કુખ્યાત માફિયા ડોન અતીક અહેમદની ઓફિસમાંથી મળી આવેલા લોહીના ડાઘની પુષ્ટિ થઈ છે. આ લોહીમાં માનવ હિમોગ્લોબીનની પુષ્ટિ થઈ છે. સાથે જ આજે બપોર સુધીમાં આ લોહીનો ફોરેન્સિક રિપોર્ટ પણ આવી જશે. જેમાં આ લોહીના ડીએનએ સહિત અન્ય વૈજ્ઞાનિક તપાસની માહિતી બહાર આવશે. પ્રયાગરાજ પોલીસે રવિવારે જ આ બ્લડ સેમ્પલ FSLમાં મોકલ્યા હતા. બીજી તરફ લોહીમાં માનવ હિમોગ્લોબીનની પુષ્ટિ થતાં પોલીસ નજીકની હોસ્પિટલોમાં તપાસ કરી રહી છે.
જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ લોહી ઘાયલ વ્યક્તિનું છે કે મૃત વ્યક્તિનું. તમને જણાવી દઈએ કે લગભગ એક મહિના પહેલા પ્રયાગરાજ પોલીસે આ ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તે સમયે આ ઓફિસમાં ક્યાંય પણ લોહીના ડાઘ જોવા મળ્યા ન હતા. પરંતુ રવિવારે પોલીસને મીડિયા દ્વારા માહિતી મળી કે, ચાકિયામાં અતીક અહેમદની ઓફિસમાં લોહીના ડાઘા છે. આ માહિતી પર ફોરેન્સિક નિષ્ણાતો સાથે પહોંચેલી પોલીસે ફરી એકવાર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
જેમાં પોલીસને ઓફિસની સીડીઓ પર લોહીના ડાઘ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અંદરથી લોહીના ડાઘાવાળી છરી પણ મળી આવી હતી. આવી સ્થિતિમાં પોલીસે આ તમામ સેમ્પલ સીલ કરીને એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર કુલ દસ અલગ-અલગ જગ્યાએ લોહીના ડાઘા મળી આવ્યા છે. એવી આશંકા છે કે કાં તો આ જગ્યાએ કોઈને ટોર્ચર કરવામાં આવ્યો છે અથવા તો કોઈની હત્યા કરવામાં આવી છે. આ આશંકાને જોતા પોલીસે આસપાસની તમામ હોસ્પિટલો અને ક્લિનિક્સમાં તપાસ હાથ ધરી છે.
શહેરની ઘણી હોસ્પિટલો પાસેથી પણ આ સંદર્ભે માહિતી મંગાવવામાં આવી છે. બીજી તરફ, અહીં મળી આવેલા લોહીના ડાઘના ફોરેન્સિક ટેસ્ટની ઔપચારિકતા પૂર્ણ થઈ ગઈ છે. બપોર સુધીમાં પોલીસને તેનો રિપોર્ટ મળી જાય તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે લગભગ એક મહિના પહેલા આ ઓફિસ પર દરોડા પાડીને પોલીસે 75 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. ત્યાંથી દસ હથિયારો પણ મળી આવ્યા હતા. આમાંથી ઘણા હથિયારોનો ઉપયોગ ઉમેશ પાલ હત્યા કેસમાં પણ થયો હતો. પોલીસે આ તમામ મુદ્દામાલ પુરાવા તરીકે કબજે કર્યો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંથી મળી આવેલી રોકડ શાઇસ્તાએ પ્રયાગરાજ મેયરની ચૂંટણીમાં ઉપયોગ કરવા માટે રાખ્યા હતા. અગાઉ, અતિક સામે ગેંગસ્ટરની કાર્યવાહીના ભાગરૂપે, પોલીસે આ ઓફિસને તોડી પાડી હતી. જેના કારણે સમગ્ર સંકુલ ખંડેર બની ગયું હતું. આમ છતાં અહીંથી મોટી માત્રામાં રોકડ, હથિયારો અને લોહીના ડાઘા મળી આવતા અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…