West Bengal Bypolls: પેટાચૂંટણી માટે મમતાએ નોંધાવી ઉમેદવારી, ભાજપની પ્રિયંકા ટીબરેવાલ સામે ટક્કર
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાંથી પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. મુખ્યમંત્રી નોમિનેશન ફાઈલ કરવા માટે અલીપુર સર્વે બિલ્ડિંગ પહોંચ્યા હતા. મમતા બેનર્જી વર્ષ 2011 અને 2016માં ભવાનીપુર બેઠક પરથી જીત્યા છે.
પશ્ચિમ બંગાળ (West Bengal)ના સીએમ મમતા બેનર્જી (CM Mamta Banerjee)એ ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાંથી પેટાચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી નામાંકન પત્ર ભરવા માટે અલીપુર સર્વે બિલ્ડીંગ પહોંચ્યા હતા. મમતા બેનર્જીએ 2011 અને 2016માં ભવાનીપુર બેઠક પરથી જીત મેળવી હતી. પરંતુ 2021માં તેઓ નંદીગ્રામ બેઠક પરથી શુભેન્દુ અધિકારી સામે હારી ગયા હતા.
શોભનદેબ ચટ્ટોપાધ્યાયે મમતા બેનર્જી માટે ભવાનીપુર બેઠક ખાલી કરી હતી, કારણકે તે નંદીગ્રામમાં ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારી સામે હારી ગયા હતા. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમોએ પેટાચૂંટણી માટે પોતાનું અભિયાન શરૂ કર્યું હતું અને ભાજપ પર વિધાનસભાની પેટાચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ તેના પક્ષના નેતાઓને નિશાન બનાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
Kolkata | West Bengal CM Mamata Banerjee at Survey Building to file nomination for by-polls to Bhabhanipur seat pic.twitter.com/jHODrxweAo
— ANI (@ANI) September 10, 2021
ટીએમસી (TMC) પાસે 213 બેઠકો
ગયા અઠવાડિયે ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળની ત્રણ વિધાનસભા બેઠકો – ભવાનીપુર, જંગીપુર અને સંસેરગંજમાં 30 સપ્ટેમ્બરે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. TMCએ 294 સભ્યોની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં 213 બેઠકો જીતીને મોટી જીત નોંધાવી. ભાજપની ચૂંટણીમાં હાર થઈ પણ 77 બેઠકો સાથે બીજા ક્રમનો સૌથી મોટો પક્ષ બનીને ઉભરી આવ્યો, જોકે ચૂંટણી બાદ ભાજપમાં સતત ભાગદોડ થઈ રહી છે.
પ્રિયંકા ટિબરેવાલનો સામનો મમતા બેનર્જી સાથે
પશ્ચિમ બંગાળ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની પ્રિયંકા ટિબરેવાલ ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે ચૂંટણી લડશે. પાર્ટીએ મિલન ઘોષને સમસેરગંજ બેઠક પરથી અને સુજીત દાસને જંગીપુર બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. પ્રિયંકા ટિબરેવાલ ચૂંટણી બાદ હિંસાના મામલે કોર્ટમાં મમતા સરકારને સતત ઘેરી રહ્યા છે. તે ભાજપના નેતા બાબુલ સુપ્રિયોની કાનૂની સલાહકાર રહી ચુક્યા છે. તે સુપ્રિયોની સલાહ બાદ જ ઓગસ્ટ 2014માં ભાજપમાં જોડાયા હતા.
2015માં તેમણે ભાજપના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 58 (એન્ટલી)માંથી કોલકાતા મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી લડી હતી, પરંતુ તૃણમૂલ કોંગ્રેસના સ્વપન સમદાર સામે હારી ગયા હતા. ભાજપમાં તેમના છ વર્ષના કાર્યકાળ દરમિયાન, તેમણે ઘણા મહત્વના કાર્યો સંભાળ્યા અને ઓગસ્ટ 2020માં તેમને પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બરે મતદાન થશે, જ્યારે 3 ઓક્ટોબરે મત ગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં કોંગ્રેસે મમતા બેનર્જીની સામે કોઈ ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો : Maharashtra : ગણેશ ઉત્સવમાં કોરોના સંક્રમણને ટાળવા મુંબઈમાં કલમ 144 લાગુ, 10 થી 19 સપ્ટેમ્બર સુધી રહેશે યથાવત