
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે મતદાન થશે. આ તબક્કો નક્કી કરશે કે તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં પોતાનો ગઢ જાળવી રાખે છે કે ભારતીય જનતા પાર્ટી સત્તા કબજે કરવામાં સફળ રહે છે.
23મી એપ્રિલે પશ્ચિમ બંગાળમાં મતદાનના પ્રથમ તબક્કામાં ભાજપ ઉત્તર બંગાળ અને આસપાસના જિલ્લાઓમાં તેની પરંપરાગત લીડ જાળવી શકશે કે નહીં તેની કસોટી થઈ. બીજા તબક્કામાં હવે તૃણમૂલ કોંગ્રેસના ગઢ જેમ કે કોલકાતા, હાવડા, ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, નાદિયા, હુગલી અને પૂર્વ વર્ધમાનમાં ચૂંટણીઓ પર ખાસ ધ્યાન છે.
બીજા તબક્કામાં મતદાન થનારી 142 બેઠકોમાંથી 2021માં તૃણમૂલ કોંગ્રેસે 123, ભાજપે 18 અને ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (ISF) એ એક બેઠક જીતી હતી. જોકે, આ સ્પર્ધા વચ્ચે ભવાનીપુર બેઠક પ્રતિષ્ઠાનું મેદાન બની રહી છે. તેને નંદીગ્રામ જેવી જ જોવામાં આવી રહી છે. જ્યાં સુવેન્દુ અધિકારીએ 2021માં મમતા બેનર્જીને હરાવ્યા હતા. હવે પાંચ વર્ષ પછી રાજકીય લડાઈ તૃણમૂલ કોંગ્રેસના વડાના ગઢ સુધી પહોંચી ગઈ છે.
તૃણમૂલ કોંગ્રેસ માટે ભવાનીપુર બેઠક અને મમતા બેનર્જીનો રાજકીય પ્રભાવ જાળવી રાખવો ખૂબ મહત્વપૂર્ણ છે. ભાજપ માટે આ ગઢ તોડી પાડવાનો અર્થ બંગાળના સૌથી શક્તિશાળી નેતા અજેય હોવાની ધારણા તોડવી છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના આઠ વોર્ડમાં ફેલાયેલી ભવાનીપુર મતવિસ્તારને ઘણીવાર મિની-ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. જે બંગાળી, ગુજરાતી, મારવાડી, જૈન, શીખ, મુસ્લિમ, બિહાર અને ઝારખંડના સ્થળાંતરિત સમુદાયોની વિવિધ વસ્તીનું ઘર છે.
બંગાળ ચૂંટણીના બીજા તબક્કામાં આશરે 32.1 કરોડ મતદારો છે. આમાં આશરે 16 કરોડ 64 લાખ 35 હજાર 627 પુરુષો છે. 1 કરોડ 57 લાખ 37 હજાર 418 મહિલાઓ છે. 792 તૃતીય-લિંગ મતદારોનો સમાવેશ થાય છે. આ તબક્કામાં 41001 મતદાન મથકો પર મતદાન થશે. જેમાં તમામ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ થશે. કેન્દ્રીય દળોની 2321 કંપનીઓ તૈનાત છે.
આ દરમિયાન કોલકાતા પોર્ટમાં વરિષ્ઠ ટીએમસી નેતા ફિરહાદ હાકીમ ભાજપના ઉમેદવાર રાકેશ સિંહનો સામનો કરી રહ્યા છે. મધ્ય કોલકાતામાં શાસક પક્ષ માટે આ લઘુમતી પ્રભુત્વવાળી બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અન્ય મુખ્ય મતવિસ્તારોમાં ભાટપારા, જગતદલ અને બેરકપુર, બોનગાંવ, દમ દમ, સંદેશખાલી, હિંગલગંજ, રાણાઘાટ (ઉત્તર અને દક્ષિણ), રાસબિહારી, જાદવપુર અને બાલીગંજનો સમાવેશ થાય છે.