India-USA : યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડને યુક્રેનમાં ભારતીય મદદની પ્રશંસા કરી, પીએમ મોદીએ કહ્યું- વાટાઘાટોથી સમસ્યાનો ઉકેલ આવશે
PM Modi : જો બાઈડેને કહ્યું કે, 'ભારત અને અમેરિકા રશિયાના યુદ્ધની અસરોનું સંચાલન કેવી રીતે કરવું અને તેમાં સ્થિરતા કેવી રીતે લાવવી તે અંગે સહયોગ કરવાનું ચાલુ રાખશે.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સોમવારે એટલે કે આજે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન (Joe Biden) સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. આ મીટિંગમાં બાઇડને કહ્યું કે, ‘પીએમ મોદી તમને મળવું હંમેશા આનંદની વાત છે. તમારા 2 મંત્રીઓ અને રાજદૂતો અહીં છે. અમે વૈશ્વિક કટોકટી, કોવિડ 19 (Covid 19) આરોગ્ય ક્ષેત્રે પડકારો પર સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને સંરક્ષણ ક્ષેત્રમાં પણ મજબૂત ભાગીદાર છીએ.’ તેના જવાબમાં પીએમ મોદીએ બાઇડનનો આભાર માન્યો હતો અને કહ્યું કે, ‘આજે અમારા સંરક્ષણ અને વિદેશ પ્રધાન થોડા સમય માટે 2+2 વાટાઘાટોમાં મળશે. તેમની વાતચીતને દિશા આપવા માટે તે પહેલા અમારી બેઠક જરૂરી છે.’
જો બાઈડને કહ્યું, ‘અમે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને સતત મજબૂત અને નજીક બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છીએ.’ જ્યારે પીએમ મોદીએ કહ્યું, ‘જ્યારે હું ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વોશિંગ્ટન આવ્યો હતો, ત્યારે તમે કહ્યુ હતું કે ભારત-યુએસ ભાગીદારી ઘણી વૈશ્વિક સમસ્યાઓના ઉકેલમાં યોગદાન આપી શકે છે અને હું આ બાબતે તમારી સાથે સંપૂર્ણપણે સંમત છું. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા સંબંધોમાં થયેલી પ્રગતિ કે નવી ગતિ સર્જાઈ છે. એક દાયકા પહેલા પણ તેની કલ્પના કરવી કદાચ મુશ્કેલ હતી.’
યુક્રેન-રશિયા યુદ્ધ મુદ્દે થઇ ચર્ચા
યુક્રેન-રશિયા યુદ્ધ પર બોલતા અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે, ‘યુક્રેનના લોકો જે ભયાનક હુમલાનો ભોગ બની રહ્યા છે. હું તેમને ભારતની માનવતાવાદી સહાયતાનું સ્વાગત કરવા માંગુ છું.’ તેના પર, નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘મેં યુક્રેન અને રશિયા બંનેના રાષ્ટ્રપતિઓ સાથે ઘણી વખત ફોન પર વાત કરી. મેં માત્ર શાંતિ માટે અપીલ કરી છે સાથે જ મેં રાષ્ટ્રપતિ પુતિનને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે સીધી વાતચીત કરવાનું પણ સૂચન કર્યું હતું.’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે, ‘અમારી સંસદમાં પણ યુક્રેનના વિષય પર ખૂબ જ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. અમે તેની નિંદા કરી અને નિષ્પક્ષ તપાસની માંગણી કરી. અમે આશા રાખીએ છીએ કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાતચીતથી શાંતિનો માર્ગ મોકળો થશે.’
‘ભારતની વિકાસયાત્રામાં અમેરિકા અભિન્ન અંગ’
પીએમ મોદીએ કહ્યું કે, ‘આ વર્ષે ભારત તેની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે અને અમે અમારા રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની પણ ઉજવણી કરી રહ્યા છીએ. મને ખાતરી છે કે અમેરિકા સાથેની અમારી મિત્રતા આગામી 25 વર્ષમાં ભારતની વિકાસ યાત્રાનો અભિન્ન હિસ્સો બની રહેશે. થોડા અઠવાડિયા પહેલા સુધી 20 હજારથી વધુ ભારતીયો યુક્રેનમાં ફસાયેલા હતા. ઘણા પ્રયત્નો પછી, અમે તેમને સુરક્ષિત રીતે ઘરે પાછા લાવવામાં સફળ થયા.’
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો