રાજ્યસભાના તમામ સસ્પેન્ડેડ સાંસદ આવતીકાલે સંસદ પરિસરમાં ધરણા કરશે, વેંકૈયા નાયડુએ માફી માગ્યા વિના સસ્પેન્શન રદ કરવાનો કર્યો ઈનકાર
રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન પણ વેંકૈયા નાયડુએ સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની માગને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
રાજ્યસભાના (Rajya Sabha) 12 સસ્પેન્ડેડ સાંસદો બુધવારે સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે ધરણા કરશે. આ તમામ સાંસદો રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુને તેમનું સસ્પેન્શન પાછું ખેંચવા માટે પત્ર લખવાના છે. તૃણમૂલ કોંગ્રેસના (TMC) સાંસદ ડેરેક ઓ’બ્રાયને જણાવ્યું હતું કે બંને સસ્પેન્ડેડ ટીએમસી સાંસદો (ડોલા સેન અને શાંતા છેત્રી) બુધવારથી સમગ્ર શિયાળુ સત્ર (Parliament Winter Session) દરમિયાન સવારે 10 થી 6 વાગ્યા સુધી ગાંધી પ્રતિમાની સામે ધરણા પર બેસશે. તેમણે કહ્યું કે અમે અન્ય સાંસદોને પણ સમર્થન આપવા માટે આમંત્રિત કરીએ છીએ.
સંસદના બંને ગૃહોમાં સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે ભારે હોબાળો થયો હતો અને કોંગ્રેસ (Congress) સહિત અન્ય વિપક્ષી દળોએ પણ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. કોંગ્રેસ સહિત 16 રાજકીય પક્ષોના નેતાઓ આ મુદ્દે રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુને મળ્યા હતા અને આ સભ્યોના સસ્પેન્શનને રદ કરવા વિનંતી કરી હતી. જોકે, નાયડુએ કહ્યું કે સસ્પેન્ડેડ સાંસદો માફી માંગ્યા વિના તે શક્ય નથી.
રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન પણ વેંકૈયા નાયડુએ સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની માગને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ મામલાને લઈને કહ્યું કે માફી માંગવાનો સવાલ જ ઊભો થતો નથી. તેમણે કહ્યું કે સાંસદોનું સસ્પેન્શન નિયમોની વિરુદ્ધ છે અને તેને પાછું ખેંચવું જોઈએ. તેમણે કહ્યું કે સાંસદોને જવાબ આપવા દેવા જોઈએ.
સરકાર વિપક્ષને ડરાવવા માંગે છે: અધીર રંજન તૃણમૂલ કોંગ્રેસ ઉપરાંત જે સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના (CPM) ઈલામારામ કરીમ, કોંગ્રેસના ફૂલો દેવી નેતામ, છાયા વર્મા, રિપુન બોરા, રાજમણિ પટેલ, સૈયદ નાસિર હુસૈન, અખિલેશ પ્રતાપ સિંહ, શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ તેમજ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના (CPI) વિનય વિશ્વમ સામેલ છે.
લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ગૃહમાંથી વોકઆઉટ કર્યા પછી પત્રકારોને કહ્યું કે સરકાર સસ્પેન્શન દ્વારા વિપક્ષને ડરાવવા માંગે છે. તેમણે કહ્યું, આ સરકારે જે માર્ગ અપનાવ્યો છે તેનો અમે વિરોધ કર્યો છે. ગૃહના સભ્ય તરીકે, અમને અમારા વિચારો વ્યક્ત કરવાની તક મળે તે મહત્વપૂર્ણ છે. અમે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના (Sonia Gandhi) નેતૃત્વમાં રાજ્યસભામાં જે બન્યું તેનો વિરોધ કરીને ગૃહમાંથી વોકઆઉટ કર્યું. આ મામલો રાજ્યસભાનો છે, પરંતુ અન્ય ગૃહના સભ્યો સાથે જે બન્યું તેના વિરોધમાં અમે આ પગલું ભર્યું છે.
આ પણ વાંચો : Strategic Oil Reserve શું છે ? જેની મદદથી સરકાર પેટ્રોલ અને ડીઝલને સસ્તું કરવાનો કરી રહી છે પ્રયાસ