ક્યારેક કોરા કાગળમાં પણ ‘માનવતા’ શબ્દ છૂપાયેલો હોય છે- પોસ્ટ વિભાગે લાગણીસભર એડ બનાવી આપ્યો હ્રદયસ્પર્શી સંદેશ- જુઓ Video
આપણા માટે જે માત્ર એક કાગળનો ટુકડો હોય એ કોઈ માટે કદાચ જીવન જીવવાનું એકમાત્ર કારણ પણ હોઈ શકે. ઓરિસ્સા પોસ્ટ વિભાગે એક હ્રદયસ્પર્શી એડ બનાવી આ સંદેશ આપ્યો છે. આજે મોબાઈલ અને ટેકનોલોજીના સમયમાં જ્યારે કોઈને પત્ર લખવાનુ સાવ નહિવત થઈ ગયુ છે ત્યારે એક પેઢી હજુ પણ એવી છે જે હજુ કોઈના પત્રની રાહે હોય છે. જેના માટે એ પત્ર જ જીવન જીવવા માટેનુ કારણ હોય છે. ત્યારે પોસ્ટ વિભાગે આ એડ દ્વારા એ પણ સંદેશ આપ્યો છે કે તેમની પાસે આવનારી દરેક ચિઠ્ઠીના મહત્વને તેઓ સમજે છે અને એ ચિઠ્ઠી જેની અમાનત હશે તેના સુધી પહોંચાડવાની પોસ્ટવિભાગ પુરી નિષ્ઠાથી તેની ફરજ બજાવશે.
ભારતીય પોસ્ટ વિભાગે એક બહુ હ્રદયસ્પર્શી અને લાગણીસભર જાહેરાત બનાવી એક પત્રનું કોઈ વ્યક્તિના જીવનમાં શું મહત્વ હોય છે તે સમજાવ્યુ છે. અહીં આ વીડિયોમાં એક મહિલા રોજ પોસ્ટ ઓફિસમાં જઈને તેના પૌત્ર રઘુના પત્ર આવ્યો કે નહીં એ જાણવા પહોંચી જાય છે. રોજ મહિલાને જોઈને અકળાયેલા પોસ્ટમાસ્તરે એકદિવસ આ મહિલાને રીતસર કડક શબ્દોમાં ધમકાવી નાખ્યા.
પોસ્ટ માસ્ટરે જે મહિલાને પાગલ મહિલા કહીને ધમકાવી એ હકીકતમાં એક મહાન મહિલા નીકળ્યા
પોસ્ટ માસ્ટરે મહિલાને જણાવ્યુ કે આજ મોબાઈલના જમાનામાં કોણ તમને પત્ર લખવાનુ છે શું રોજ સવાર પડેને આવી જાઓ છો. આ સાંભળી મહિલા વધુ એકવાર પોસ્ટમેનને વિનંતિ કરે છે કે એકવાર ચેક તો કરો કદાચ કોઈ પત્ર આવ્યો હોય. ત્યારે પોસ્ટમેન વધુ અકળાય છે અને તેને ત્યાંથી જવાનુ કહી દે છે. થોડીવારમાં પોસ્ટઓફિસના પટ્ટાવાળાભાઈને એ પૂછે છે કે આ મહિલા શું પાગલ છે કે રોજ અહીં આવી જાય છે. ત્યારે એ પટ્ટાવાળા જણાવે છે એ મહિલા પાગલ નથી પરંતુ મહાન છે. તેના પતિ અને તેમના દીકરાએ દેશની રક્ષા કાજે શહાદત વહોરી લીધી છે અને એ જ આઘાતમાં તેના દીકરાની પુત્રવધુ પણ મૃત્યુ પામી છે. જે બાદ તેનો એકનો એક પૌત્ર રઘુવેન્દ્ર બહાદુર સિંહ તેનો એકમાત્ર સહારો હતો. પરંતુ તે પણ તેના પિતા અને દાદાની જેમ સેનામાં ભરતી થઈ દેશની સેવા કરવા માગતો હતો. અને એક દિવસ દાદીના લાખો ના પાડવા છતા પૌત્ર સેનામાં ભર્તી થઈ ગયો. જતી વખતે પૌત્ર રઘુએ તેને વચન આપ્યુ હતુ કે તે દર મહિને તેની દાદીને એક ચિઠ્ઠી જરૂર લખશે, બસ એ જ ચિઠ્ઠીની રાહમાં આ મહિલા રોજ પોસ્ટ ઓફિસના ધક્કા ખાઈ રહી છે. આંખોમાં એ આશા સાથે આવે છે કે આજે તો તેના પૌત્ર રઘુની ચિઠ્ઠી પોસ્ટમેન તેને આપશે જ અને જાય છે આંખોમાં આંસુ લઈને.
આટલુ સાંભળીને પોસ્ટમેન અવાચક થઈ ગયા અને ત્યાં પટાવાળાએ જણાવ્યુ કે….
પટ્ટાવાળા ભાઈ વધુમાં જણાવે છે કે એક ચિઠ્ઠી તમારા માટે માત્ર કાગળનો ટુકડો હશે પરંતુ એ મહિલા માટે એ જીવન જીવવા માટેનો સહારો છે. અને પછી એમણે જે કહ્યુ કે એ સાંભળીને મહિલાને ધમકાવનાર પોસ્ટમેન અવાક બની ગયા. પોસ્ટમેને કહ્યુ કે સર એ તો કોઈને નથી ખબર કે આ મહિલાનો પૌત્ર રઘુ હાલ જીવિત છે કે પછી એ પણ …!! આટલુ સાંભળીને પોસ્ટમેન કાપો તો લોહી ન નીકળે તેવા થઈ ગયા.
કોરો કાગળ હાથમાં લઈ મહિલાને પોસ્ટમેને કહ્યુ કે ….
આખરે પોસ્ટમેનને તેમની ભૂલ સમજાઈ અને તેઓ એ મહિલાને શોધતા નીકળી પડ્યા. રસ્તામાં એમને એ મહિલા મળી ગયા ત્યારે એમણે એક કોરા કાગળમાંથી એક ભાવુક પત્ર વાંચી સંભળાવ્યો. એ કાગળમાં એકપણ શબ્દ અંકિત થયેલો ન હતો પોસ્ટમેને જે કહ્યુ એ એમના હ્રદયના ઉંડાણમાંથી આવેલા શબ્દો હતો અને એ શબ્દો હતા માનવતાના.. દેશ માટે સર્વોચ્ચ બલિદાન દેનારા પતિ, પુત્રને ગુમાવનાર ફૌજીની માતાને મદદરૂપ થવાની લાગણીને એ સમયે કદાચ કોઈ અક્ષરોની જરૂર ન હતી. શબ્દો એમ જ સરી પડ્યા. ભારતીય પોસ્ટ વિભાગે આ જાહેરાત દ્નારા સંદેશ આપ્યો છે કે તેમના માટે દરેક કાગળ, ચિઠ્ઠી કિમતી છે. ભલે આજે ટેકનોલોજીના જમાનામાં કોઈ પત્રો ન લખતુ હોય પરંતુ જે પત્રો પોસ્ટ વિભાગ પાસે આવે છે એમાં પણ શું ખબર કોઈના માટે જીવન જીવવા માટેનું લક્ષ્ય છુપાયેલુ હોય…