શેફાલી રાઝદાન દુગ્ગલ: બાઈડન સરકારમાં વધુ એક ભારતીયની એન્ટ્રી, જાણો કોણ છે આ ભારતીય મૂળની મહિલા
વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યું કે તેમની નિમણૂકનો પ્રસ્તાવ સેનેટની પુષ્ટિ માટે મોકલવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેલિફોર્નિયાના દુગ્ગલ નેધરલેન્ડ્સમાં રાજદૂત હશે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની (Joe Biden) સરકારમાં વધુ એક ભારતીયનો પ્રવેશ થયો છે. આ ભારતીયનું નામ શેફાલી રાઝદાન દુગ્ગલ (Shefali Razdan Duggal) છે. ભારતીય મૂળની શેફાલી એક રાજકીય કાર્યકર છે. આ સિવાય તે મહિલા અધિકારોના હિમાયતી અને માનવાધિકાર પ્રચારક છે. શેફાલી ભલે કેલિફોર્નિયામાં રહે છે પરંતુ ભારતમાં તે કાશ્મીરની છે. જણાવી દઈએ કે 50 વર્ષની શેફાલીનો ઉછેર સિનસિનાટી, શિકાગો અને બોસ્ટનમાં થયો છે. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યું કે તેમની નિમણૂકનો પ્રસ્તાવ સેનેટની પુષ્ટિ માટે મોકલવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેલિફોર્નિયાના દુગ્ગલ નેધરલેન્ડ્સમાં રાજદૂત હશે. ગયા અઠવાડિયે યુએસ પ્રમુખ જો બાઈડને નેધરલેન્ડ્સમાં દુગ્ગલને તેમના દૂત તરીકે નિયુક્ત કર્યા હતા.
વ્હાઇટ હાઉસે કહ્યું કે દુગ્ગલ બાઈડન માટે રાષ્ટ્રીય મહિલા સહ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તે ડેમોક્રેટિક નેશનલ કમિટીના ડેપ્યુટી નેશનલ ફાયનાન્સિયલ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ભારતીય મૂળની શેફાલી 2008માં બરાક ઓબામાના પ્રમુખપદની ઝુંબેશમાં સક્રિય હતી અને હિલેરી ક્લિન્ટનના પ્રમુખપદના અભિયાન માટેની ઉત્તરી કેલિફોર્નિયા સ્ટીયરિંગ કમિટીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
શેફાલી બે બાળકોની માતા છે
શેફાલી રાઝદાન દુગ્ગલ બે બાળકોની માતા છે. તેઓ રાજકીય કાર્યકર તરીકે લાંબો અનુભવ ધરાવે છે. તે મહિલાઓ અને માનવ અધિકારોના હિમાયતી રહી છે. તે અમેરિકાની હોલોકોસ્ટ મેમોરિયલ મ્યુઝિયમ કાઉન્સિલમાં રહી ચૂકી છે. હાલમાં તે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલના સલાહકાર તરીકે સેવા આપી રહી છે.
અનેક પુરસ્કારોથી સન્માનિત
ભારતીય મૂળની શેફાલી યુએસ હોલોકોસ્ટ મેમોરિયલ મ્યુઝિયમ દ્વારા વેસ્ટર્ન રિજનલ લીડરશીપ એવોર્ડ, કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલી દ્વારા કોમ્યુનિટી હીરો અને નેશનલ ડાયવર્સિટી કાઉન્સિલ દ્વારા કેલિફોર્નિયાની સૌથી શક્તિશાળી મહિલાઓમાંની એક તરીકે સન્માનિત સહિત અનેક નાગરિક પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે.
રાઝદાને મીડિયા ઇકોલોજીનો અભ્યાસ કર્યો
દુગ્ગલ સાન ફ્રાન્સિસ્કો કમિટિ ઓન હ્યુમન રાઈટ્સ વોચના સભ્ય છે, વેક ફોરેસ્ટ યુનિવર્સિટી લીડરશીપ એન્ડ કેરેક્ટર કાઉન્સિલના સભ્ય છે અને એમિલીઝ લિસ્ટ માટેના નેશનલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં છે. જણાવી દઈએ કે શેફાલી રાઝદાન દુગ્ગલે મિયામી યુનિવર્સિટી (Oxford, OH)માંથી માસ કોમ્યુનિકેશનમાં BS અને ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી મીડિયા ઈકોલોજીમાં MA કર્યું છે.
આ પણ વાંચો : અમેરિકાને ભારતે રોકડુ પરખાવ્યુ, કહ્યું- રશિયા પાસેથી ઈંધણ ખરીદવાના મુદ્દે રાજનીતિ ના કરો