રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, 2 મહિનામાં જ શરૂ થશે વંદે ભારત સ્લીપર
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરી છે. અશ્વિની વૈષ્ણવે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, સરકાર ટ્રેનોમાં વેઈટિંગની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને આગામી 60 દિવસમાં 'વંદે ભારત સ્લીપર' શરૂ કરવામાં આવશે.
તહેવારોની સિઝન હોય કે ઉનાળાની રજાઓ કે પછી લગ્નની સિઝનમાં ભારતીયોને સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તે છે ટ્રેનોમાં મુસાફરી કરવા માટે કન્ફર્મ ટિકિટનો. ભારતીય રેલવે આ માટે સતત પ્રયાસો કરી રહી છે, જેમાં વિશેષ ટ્રેનો પણ ચલાવવામાં આવે છે. ત્યારે શનિવારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરી છે કે માત્ર 2 મહિનામાં જ ‘વંદે ભારત સ્લીપર’ ટ્રેન દેશમાં દોડવા લાગશે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, સરકાર ટ્રેનોમાં વેઈટિંગની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને આગામી 60 દિવસમાં ‘વંદે ભારત સ્લીપર’ શરૂ કરવામાં આવશે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ‘વંદે ભારત સ્લીપર’ હવે તૈયાર છે. હાલમાં 2 ટ્રેન સેટ તૈયાર કરવામાં આવ્યા છે. આ બંને ટ્રેનો પર આગામી 6 મહિના સુધી ટેસ્ટિંગ કરવામાં આવશે. ત્યારપછી આ ટ્રેનોને સામાન્ય સેવા માટે શરૂ કરી શકાશે. હાલમાં વંદે ભારત સ્લીપર માટે 4 કોચનો મૂળભૂત ટ્રેન સેટ તૈયાર કરવામાં આવ્યો છે.
એટલું જ નહીં, સરકાર આગામી પાંચ વર્ષમાં લગભગ 400 વંદે ભારત ટ્રેનને ટ્રેક પર લાવવાની યોજના ધરાવે છે. વંદે ભારત ટ્રેનમાં કોઈ અલગ એન્જિન નથી બલ્કે તે ટ્રેનના સેટનો એક ભાગ છે. આ ટ્રેનને ઝડપી ગતિએ ચલાવવામાં મદદ કરે છે. તો તેની ડિઝાઇન એરોડાયનેમિક બનાવવામાં આવી છે.
રેલવે વેઈટિંગની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ટ્રેનોમાં ભીડ ઘટાડવા માટે રેલવેના પ્રયાસો વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે આ વખતે ભીડને ઓછી કરવા માટે ઉનાળાની સીઝનમાં ટ્રેનોની 19,837 ટ્રીપ વધારવામાં આવી છે. આ વખતે ઉનાળાની સિઝનમાં લગભગ ચાર કરોડ વધારાના લોકોએ પ્રવાસ કર્યો છે. સરકારનું ફોકસ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર છે. છેલ્લા દસ વર્ષમાં હજારો કિલોમીટર નવી લાઈનો નાખવામાં આવી છે. દેશમાં દરરોજ લગભગ 14.5 કિલોમીટર રેલવે ટ્રેક બનાવવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યું કે રેલવે ટ્રેક 1,29,000 કિલોમીટરનો ટ્રેક છે. તમિલનાડુમાં રેલવેનો સૌથી વધુ વિકાસ થઈ રહ્યો છે. તમિલનાડુને રૂ. 6,321 કરોડના રેલવે પ્રોજેક્ટ મળ્યા છે. બુલેટ ટ્રેન અંગે તેમણે કહ્યું કે તેનો 310 કિલોમીટરનો ટ્રેક બનાવવામાં આવ્યો છે.