લંડનમાં રાહુલ ગાંધીના નિવેદનને કારણે દિલ્હીમાં હોબાળો મચી ગયો છે અને સંસદનું સત્ર સતત ખોરવાઈ રહ્યું છે. બીજેપી રાહુલ ગાંધી પાસેથી માફી માંગે તેવી માંગ કરી રહી છે, જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે રાહુલે એવું કંઈ નથી કહ્યું જેના માટે તેમણે માફી માંગવી જોઈએ. હવે સૂત્રો પાસેથી મળતી જાણ મુજબ વિદેશ મંત્રાલયની કન્સલ્ટેટિવ કમિટીમાં રાહુલ ગાંધીએ લંડનની મુલાકાત દરમિયાન આપેલા નિવેદનો અંગે સ્પષ્ટતા આપી છે. રાહુલે કહ્યું કે અન્ય કોઈ દેશને હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી.
પોતાની સ્પષ્ટતામાં રાહુલે કહ્યું કે તેમણે દેશમાં લોકતંત્રની સ્થિતિ પર જ સવાલ ઉઠાવ્યા છે. ભારતના G20ના અધ્યક્ષપદ માટે બોલાવવામાં આવેલી વિદેશ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં કહ્યું હતું કે આ અમારો આંતરિક મામલો છે અને અમે તેનો ઉકેલ લાવીશું. શરૂઆતના સત્રમાં રાહુલ ગાંધીએ કોઈ ટિપ્પણી કરી ન હતી, પરંતુ અંતે તેમણે ઘણા વિષયો પર બોલવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે અન્ય સાંસદોએ પણ સંદર્ભ બહારની વાત કરી હતી. આ અંગે ભાજપના સાંસદોએ તેમને અટકાવ્યા હતા અને અન્ય વિપક્ષી સાંસદો અને ભાજપના સાંસદો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી.
કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીએ ભારતની સંસદ અને લોકશાહી પર કરેલી ટિપ્પણીને લઈને તેઓ સતત ભાજપના નિશાના પર છે. બીજેપી ઈચ્છે છે કે રાહુલ ગાંધી વિદેશમાં આપેલા પોતાના નિવેદનો માટે માફી માંગે. ત્યારે અગાઉ કાયદા મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધી પર આકરી ટીપ્પણી કરી હતી અને જે બાદ બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી વિરુદ્ધ સ્પેશિયલ કમિટી બનાવવાની માંગ કરી છે. ત્યારે હવે કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા પર ખતરો મંડરાઈ રહ્યો છે. જે બાદ રાહુલ ગાંધીને તેમના નિવેદન પર સ્પષ્ટતા કરવી પડી છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા ખતરામાં ! કયા નિયમો છે કે જેના હેઠળ થઈ શકે છે કડક કાર્યવાહી?
સમિતિના અધ્યક્ષ વિદેશ મંત્રી એસ જયશંકરે રાહુલ ગાંધીને અટકાવ્યા અને કહ્યું કે તેમણે આ વિષય પર જ બોલવું જોઈએ. અગાઉ, ભાજપના સાંસદોએ કહ્યું હતું કે ઘણા લોકો ભારતના G20 પ્રમુખપદ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઇમરજન્સી ભારતના લોકતંત્ર પર સૌથી મોટો ધબ્બો હતો. જે અંગે રાહુલે અંતમાં કહ્યું કે કેટલાક સાંસદોએ સંદર્ભની બહાર વાત કરી છે, તેથી તેઓ પણ આ અંગે જવાબ આપશે. જયશંકરે તેમને અટકાવ્યા અને કહ્યું કે બેઠકના વિષય પર પણ ટિપ્પણી થવી જોઈએ, રાજકીય બાબતો પર નહીં.