પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ ફરી કહ્યું- વડાપ્રધાન મોદીને કોઈ ખતરો ન હતો, બીજેપી ફેલાવી રહી છે અફવા
ચન્નીએ કહ્યું કે વડાપ્રધાનની હુસૈનીવાલાની મુલાકાત લેવાની કોઈ યોજના ન હતી. છેલ્લી ઘડીએ તેમનું શિડ્યુલ બદલાયું હતું. તેમણે કહ્યું કે જો વડાપ્રધાન ફરીથી પંજાબ આવશે તો અમે તેમનું સ્વાગત કરીશું.
પંજાબમાં (Punjab) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi) સુરક્ષામાં ક્ષતિના મામલામાં અનેક રાજકીય પક્ષોના નિશાના પર આવેલા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ (Charanjit Singh Channi) ફરી એકવાર કહ્યું છે કે, વડાપ્રધાન મોદીની સુરક્ષામાં કોઈ ભૂલ થઈ નથી. એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, ભાજપ અને કેન્દ્ર સરકાર આ મામલે અફવાઓ ફેલાવી રહી છે. પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવને કોઈ ખતરો ન હતો.
વડાપ્રધાન ફરીથી પંજાબ આવશે તો અમે તેમનું સ્વાગત કરીશું: ચરણજીત સિંહ ચન્ની
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે મેં પીએમ સાથે વાત કરવા માટે સમય માંગ્યો છે. તે મારા માટે સન્માનનીય છે અને હું તેમના લાંબુ આયુષ્યની કામના કરૂ છું. તેમાં પંજાબ પોલીસનો (Punjab Police) કોઈ દોષ નહોતો. ભાજપના મંત્રીઓ અને કેન્દ્ર સરકાર આ અંગે હોબાળો મચાવી રહી છે.
ચન્નીએ ફરી એકવાર ભાજપ (BJP) પર પ્રહાર કરતા કહ્યું કે, ફિરોઝપુરની રેલીમાં 70 હજાર ખુરશીઓ લગાવવામાં આવી હતી પરંતુ 700 લોકો પણ આવ્યા ન હતા. ચન્નીએ કહ્યું કે વડાપ્રધાનની હુસૈનીવાલાની મુલાકાત લેવાની કોઈ યોજના ન હતી. છેલ્લી ઘડીએ તેમનું શિડ્યુલ બદલાયું હતું. તેમણે કહ્યું કે જો વડાપ્રધાન ફરીથી પંજાબ આવશે તો અમે તેમનું સ્વાગત કરીશું.
મુખ્યમંત્રીએ કહ્યું કે જે સમયે વડાપ્રધાન મોદીના કાફલાને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે સમયે મને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ફોન આવ્યો હતો. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે તેમને જેપી નડ્ડાનો કોઈ ફોન આવ્યો નથી. તેમણે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે મને સમગ્ર મામલાની જાણકારી આપી અને કહ્યું કે વડાપ્રધાન પાછા જઈ રહ્યા છે.
પીએમ મોદીની સુરક્ષામાં ક્ષતિ સહાનુભૂતિ મેળવવાનો સ્ટંટ: રાકેશ ટિકૈત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) લોકોની સહાનુભૂતિ મેળવવાનો સસ્તો રસ્તો ગણાવ્યો છે. રાકેશ ટિકૈતે કહ્યું કે જે રીતે સમાચાર આવી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બચી ગયા છે, તે માત્ર એક સ્ટંટ છે. તેણે કહ્યું કે જો એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ બચી ગયા છે તો તેઓ ત્યાં કેમ ગયા ? તે કેવળ સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ છે.
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં ક્ષતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, આવતીકાલે તેની સુનાવણી થવાની સંભાવના છે. દરમિયાન પંજાબએ આ મામલાની તપાસ કરવા માટે એક ટીમની રચના કરી છે, જેણે ત્રણ દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપવો પડશે.
આ પણ વાંચો : Rajasthan: સીએમ અશોક ગેહલોત કોરોના પોઝિટિવ, ટ્વીટ કરીને કહ્યું- સંપર્કમાં આવેલા લોકો જરૂરથી કોવિડ ટેસ્ટ કરાવો
આ પણ વાંચો : AIIMS ના નિષ્ણાતની લોકોને ચેતવણી, કોરોનાના નવા વેરિએન્ટને હળવાશથી ન લો, સાવધાની રાખવી જરૂરી