કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના, આંબેડકરને લઈને રાજ્યસભામાં કરાયેલ નિવેદન અને સંસદ ભવનના પરિસરમાં થયેલ ધક્કા મુક્કી કેસમાં કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. આ ઘટનાને લઈને દેશનો રાજકીય મૂડ બદલાઈ ગયો છે.
હવે કોંગ્રેસ આ બંને બાબતોને લઈને શુક્રવારે દેશભરના તમામ જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંસદમાં ધક્કા મુક્કીના મામલામાં બીજેપી સાંસદે રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે.
વાસ્તવમાં, સંસદની અંદર બીજેપીના બે સાંસદોને ઈજા પહોંચાડવાના સંબંધમાં રાહુલ ગાંધી વિરુદ્ધ BNSની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. રાહુલ ગાંધી સામે પોલીસને કરેલી ફરિયાદમાં અનુરાગ ઠાકુર અને બાંસુરી સ્વરાજ સહિત NDAના ત્રણ સાંસદોએ સંસદમાં હંગામો દરમિયાન શારીરિક હુમલો અને ઉશ્કેરણીમાં સામેલ હોવાનો આરોપ મૂક્યો છે.
દિલ્હી પોલીસે, ગઈકાલ ગુરુવારે સંસદ સંકુલમાં થયેલી મારામારીના સંબંધમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી છે. અગાઉના દિવસે, ભાજપે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં સંસદ સંકુલમાં ઝપાઝપી દરમિયાન શારીરિક હુમલો અને ઉશ્કેરણીનો આરોપ મૂક્યો હતો. આ સાથે ભાજપે રાહુલ ગાંધી પર હત્યાના પ્રયાસ અને અન્ય આરોપો હેઠળ આરોપ લગાવવાની માંગ કરી હતી.
ભાજપના નેતાઓ અનુરાગ ઠાકુર, બાંસુરી સ્વરાજ અને હેમાંગ જોશી સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને ફરિયાદ કરી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 117 (સ્વૈચ્છિક રીતે ગંભીર ઈજા પહોંચાડવી), 115 (સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી), 125 (બીજાના જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકવી) રાહુલ ગાંધી વિરુદ્ધ સંસદ માર્ગ પોલીસમાં નોંધવામાં આવી છે. કલમ 131 (ગુનાહિત બળ), 351 (ગુનાહિત ધમકી) અને 3(5) (સામાન્ય હેતુ) હેઠળ FIR નોંધવામાં આવી હતી.
અધિકારીએ કહ્યું કે, પોલીસ આ કેસના સંબંધમાં રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવી શકે છે. પોલીસ લોકસભા સચિવાલયને ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ પ્રદાન કરવા વિનંતી કરશે. અન્ય એક અધિકારીએ કહ્યું કે, કલમ 117 સિવાય રાહુલ ગાંધી વિરુદ્ધ લગાવવામાં આવેલી તમામ કલમો જામીનપાત્ર છે. કલમ 117 હેઠળની સજા ઈજાની ગંભીરતા પર આધાર રાખે છે, જે સાત વર્ષથી આજીવન કેદ સુધીની હોઈ શકે છે.