PM નરેન્દ્ર મોદી આવતીકાલે મુંબઈ જશે, લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત થશે
લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર દર વર્ષે માત્ર એક જ વ્યક્તિને આપવામાં આવશે જેણે રાષ્ટ્ર, તેના લોકો અને સમાજ માટે અનુકરણીય યોગદાન આપ્યું હોય. આ વખતે આ સન્માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi) આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) મુંબઈમાં માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારોહમાં હાજરી આપશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ અવસર પર પીએમ મોદીને પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી નવાજવામાં આવશે. અગાઉ, મંગેશકર પરિવારે ગત તા. 11 એપ્રિલે એવોર્ડની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Narendra Modi) લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આવતીકાલે એટલે કે તા.24 એપ્રિલના રોજ લતા મંગેશકરના પિતા માસ્ટર દીનાનાથ મંગેશકરની 80મી પુણ્યતિથિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
મંગેશકર પરિવાર અને માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરિટેબલ ટ્રસ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓએ ફેબ્રુઆરીમાં 92 વર્ષની વયે અવસાન પામેલા લતા મંગેશકરના સન્માન અને સ્મૃતિમાં આ વર્ષથી આ પુરસ્કારની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે.
પીએમ મોદીએ લતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરીમાં મુંબઈમાં સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી, જેમને તેઓ તેમની મોટી બહેન માનતા હતા. લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર દર વર્ષે માત્ર એક જ વ્યક્તિને આપવામાં આવશે જેણે રાષ્ટ્ર, તેના લોકો અને સમાજ માટે અનુકરણીય યોગદાન આપ્યું હોય.
આશા પરીખ અને જેકી શ્રોફને વિશેષ સન્માન મળશે
માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમને એ જાહેરાત કરતાં આનંદ અને ગર્વ થાય છે કે પ્રથમ પુરસ્કાર વિજેતા અન્ય કોઈ નહીં પરંતુ ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.” ટ્રસ્ટના નિવેદન અનુસાર, આ માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડનો ઉદ્દેશ્ય સંગીત, નાટક, કલા, દવા અને સામાજિક કાર્યના ક્ષેત્રના દિગ્ગજ લોકોને સન્માનિત કરવાનો છે.
તાજેતરમાં, મંગેશકર પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પીઢ અભિનેત્રીઓ આશા પરીખ અને જેકી શ્રોફને તેમની ‘સિનેમા ક્ષેત્રે સમર્પિત સેવાઓ’ માટે માસ્ટર દીનાનાથ એવોર્ડ (વિશેષ સન્માન) એનાયત કરવામાં આવશે. આ સાથે રાહુલ દેશપાંડેને ભારતીય સંગીત માટે માસ્ટર દીનાનાથ એવોર્ડ મળશે, જ્યારે શ્રેષ્ઠ નાટકનો પુરસ્કાર ‘સંજય છાયા’ નાટકને આપવામાં આવશે.
ફેબ્રુઆરીની શરૂઆતમાં, મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં પ્રસ્તાવિત ઇન્ટરનેશનલ મ્યુઝિક કોલેજનું નામ દિવંગત સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરના નામ પર રાખવાનો નિર્ણય કર્યો હતો. મહારાષ્ટ્રના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ઉદય સામંતે જણાવ્યું હતું કે સૂચિત સંસ્થાને ભારત રત્ન લતા દીનાનાથ મંગેશકર ઇન્ટરનેશનલ મ્યુઝિક કોલેજ તરીકે ઓળખવામાં આવશે.
ભારતીય સ્વર કોકિલાના નામે પ્રખ્યાત, લતા મંગેશકર (ઉંમર 92), જેણે લગભગ 8 દાયકાઓ સુધી પોતાના સુમધુર અવાજથી લાખો લોકોને મંત્રમુગ્ધ કર્યા, તેનું ફેબ્રુઆરીમાં મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું.