PM મોદીએ આસામને 14,300 કરોડની આપી ભેટ, AIIMS-ગુવાહાટીનું કર્યું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહુના અવસર પર આસામમાં છે. પીએમ આ ખાસ અવસર પર આસામને ખાસ ભેટ પણ આપી છે. વડાપ્રધાન આજે ઉત્તર-પૂર્વીય રાજ્યને રૂ. 14,300 કરોડનો પ્રોજેક્ટ્સ સમર્પિત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામના વસંત ઉત્સવ ‘રોંગાલી બિહુ’ના પહેલા દિવસે શુક્રવારે એક દિવસની મુલાકાતે ગુવાહાટી પહોંચ્યા હતા. ગુવાહાટી એરપોર્ટ પર રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા અને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું. તેમણે અહીં 14,300 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. પ્રધાનમંત્રીએ 1120 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ ગુવાહાટી AIIMSનું ઉદ્ઘાટન કર્યું, જેનો શિલાન્યાસ મે 2017માં તેમના દ્વારા કરવામાં આવ્યો હતો.
ગુવાહાટીમાં AIIMSનું કર્યુ ઉદ્ઘાટન
આ ઉપરાંત તેમણે 500 બેડ સાથેની 3 મેડિકલ કોલેજ નલબારી મેડિકલ કોલેજ, નાગાંવ મેડિકલ કોલેજ અને કોકરાઝાર મેડિકલ કોલેજ પણ આસામના લોકોને સમર્પિત કરી. તેમણે આ મેડિકલ કોલેજોનું વર્ચ્યુઅલ રીતે ગુવાહાટીથી જ ઉદ્ઘાટન કર્યું હતું. ગુવાહાટી એઈમ્સ કામરૂપ (ગ્રામીણ) જિલ્લાના ચાંગસારીમાં બનાવવામાં આવી છે. પૂર્વોત્તરમાં આ પ્રથમ અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાન છે, જેને પીએમ મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. ગુવાહાટી AIIMS આજથી 150 બેડની ક્ષમતા સાથે કામ કરવાનું શરૂ કરશે.
ગુવાહાટી એઈમ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક પુરણિકે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે દર્દીની સંભાળ સેવા ગયા વર્ષે ઓગસ્ટમાં ટેલિમેડિસિન સાથે શરૂ થઈ હતી અને સ્થાનિક રહેવાસીઓ માટે મર્યાદિત ઓપીડી સપ્ટેમ્બરમાં શરૂ થઈ હતી. AIIMS ગુવાહાટીના મોટાભાગના ક્લિનિકલ વિભાગો કાર્યરત છે અને OPD દરરોજ સરેરાશ 150 દર્દીઓને સંભાળે છે. તેમણે કહ્યું કે ગુવાહાટી AIIMSમાં હાલમાં ઉપલબ્ધ સેવાઓમાં ડે કેર, ફાર્મસી, લેબોરેટરી સુવિધાઓ અને રેડિયોલોજીકલ ટેસ્ટનો સમાવેશ થાય છે. પીએમ નરેન્દ્ર મોદીએ આસામ એડવાન્સ હેલ્થકેર ઈનોવેશન ઈન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ પણ કર્યો.
સુરસાજાઈ સ્ટેડિયમમાં PMનો કાર્યક્રમ
આ પછી, વડા પ્રધાન સાંજે 5 વાગ્યે એક જાહેર કાર્યક્રમ માટે ગુવાહાટીના સુરસાજાઈ સ્ટેડિયમ પહોંચશે, જ્યાં તેઓ 10,000 થી વધુ બિહુ નર્તકોનો નૃત્ય જોશે. આ દરમિયાન PM મોદી 500 TPD મેન્થોલ પ્લાન્ટના શિલાન્યાસ સહિત અન્ય વિવિધ પ્રોજેક્ટ શરૂ કરશે. વડાપ્રધાન પલાશબારી અને સુલકુચીને જોડતી બ્રહ્મપુત્રા નદી પરના પુલનો શિલાન્યાસ કરશે અને પાંચ રેલ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.