નરેન્દ્ર મોદી યુદ્ધ અટકાવી શકે પણ પેપર લીક નથી અટકાવી શકતાઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ પેપર લીક મુદ્દે પીએમ નરેન્દ્ર મોદી પર વાકપ્રહાર કરતા કહ્યું કે, નરેન્દ્ર મોદી પેપર લીકને રોકવામાં સક્ષમ નથી. મધ્યપ્રદેશથી શરૂ થયેલું વ્યાપમ કૌભાંડ હવે સમગ્ર દેશમાં ફેલાઈ ગયું છે.

નરેન્દ્ર મોદી યુદ્ધ અટકાવી શકે પણ પેપર લીક નથી અટકાવી શકતાઃ રાહુલ ગાંધી
| Edited By: | Updated on: Jun 20, 2024 | 4:31 PM

કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ NEET પેપર લીક પર પ્રહાર કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેપર લીકને રોકવામાં સક્ષમ નથી. તેમણે કહ્યું કે તેઓ આ મુદ્દો સંસદમાં ઉઠાવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે NEETના પેપર લીક થયા છે અને UGCના પેપર પણ રદ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું હતું. ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે યુદ્ધ પણ બંધ થઈ ગયું હતું. પરંતુ ભારતમાં પેપર લીક થવાને નરેન્દ્ર મોદી રોકી રહ્યા નથી કે રોકી શકતા નથી. ભારતીય વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે. આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે. તેમના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે શિક્ષણ ક્ષેત્રને માત્ર એક સંગઠને કબજે કર્યું છે. દરેક હોદ્દા પર આ સંસ્થાનો કબજો છે. હવે આ બદલવું પડશે. ચૂંટણી ઢંઢેરામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કડક કાર્યવાહી કરવામાં આવશે. યુનિવર્સિટીના નિયમોનું મૂલ્યાંકન કરવું પડશે. વિપક્ષ દ્વારા સરકાર પર દબાણ બનાવીને આ બે કામ કરાવવાનો પ્રયાસ કરશે.

રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓ માટે બહુ ઓછા રસ્તા છે. અગાઉ રોજગારીની તકો ખતમ થઈ ગઈ હતી. હવે પરીક્ષાઓમાં ગોટાળો થઈ રહ્યો છે. યુવાનો માટે કોઈ રસ્તો બચ્યો નથી. તમામ રસ્તાઓ, આ સરકારે બંધ કરી દીધા છે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, જે પેપર લીક થયું છે તે બાબતની તપાસ થવી જોઈએ. જવાબદાર જે કોઈ હોય તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે કડક કાયદા હોવા જોઈએ. જો તમે મેરિટના આધારે નોકરી નહીં આપો, અયોગ્ય લોકોને વાઈસ ચાન્સેલર બનાવશો તો આવી સ્થિતિ વારંવાર સર્જાતી રહેશે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, પેપર લીક થવાનું મુખ્ય કારણ એ છે કે, વર્તમાન સરકારે એવા લોકોને પદ પર નિયુક્ત કર્યાં છે, કે જેઓ યોગ્ય લાયકાત ધરાવતા નથી. અગાઉ પેપર લીકનું મૂળ કેન્દ્ર મધ્યપ્રદેશ હતું. ભાજપના લોકો કહે છે કે તેની પ્રયોગશાળાઓ ગુજરાત અને મધ્યપ્રદેશ છે. જ્યાં સુધી ભારતની સંસ્થાઓ તેમના હાથમાંથી છીનવાઈ નહીં જાય ત્યાં સુધી આવુ બધુ ચાલતુ રહેશે. પરંતુ હવે બધુ બંધ થશે.

આ પહેલા નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયાના સમર્થકોએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું. એનએસયુઆઈએ કહ્યું કે, દેશમાં સતત પેપર લીક થઈ રહ્યા છે. અગાઉ જ્યાં NEET પેપર લીકના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર હતું ત્યાં હવે UGC-NETની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલા આ અન્યાયના વિરોધમાં દેખાવો યોજવામાં આવ્યા હતા.