હવે ચીનની દરેક હરકતો પર ભારત રાખશે ચાંપતી નજર, સરકારે બોર્ડર ઈન્ટેલિજન્સ પોસ્ટને આપી મંજૂરી
સરહદ પર ચીન દરરોજ કોઈને કોઈ નાપાક હરકતો કરતું રહે છે, જેનો ભારતીય સૈનિકોએ ઘણી વખત જડબાતોડ જવાબ આપ્યો છે. વાસ્તવમાં લદ્દાખમાં જૂન 2020થી ભારતીય સેના અને PLA વચ્ચે સંઘર્ષ ચાલુ છે.

લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધીની ભારત-ચીન સરહદ પર ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) બોર્ડર પોસ્ટ્સ પર દેખરેખ અને માહિતી એકઠી કરવા માટે ગુપ્તચર અધિકારીઓની વધારાની ટીમ તૈનાત કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ, ઉચ્ચસ્તરીય સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેને બોર્ડર ઈન્ટેલિજન્સ પોસ્ટ (બીઆઈપી) તરીકે ઓળખવામાં આવશે.
સરહદ પર ચીનની વધતી ગતિવિધિઓ અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના અતિક્રમણને ધ્યાનમાં રાખીને આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સરહદ પર ચીન દરરોજ કોઈને કોઈ નાપાક હરકતો કરતું રહે છે, જેનો ભારતીય સૈનિકોએ ઘણી વખત જડબાતોડ જવાબ આપ્યો છે. વાસ્તવમાં લદ્દાખમાં જૂન 2020થી ભારતીય સેના અને PLA વચ્ચે સંઘર્ષ યથાવત છે.
આ બાબતની જાણકારી ધરાવતા એક સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે દરેક BIP પર ચાર-પાંચ ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓ તૈનાત કરવામાં આવશે અને ITBPના કર્મચારીઓ તેમની સુરક્ષા કરશે. જે કર્મચારીઓને BIP પર તૈનાત કરવામાં આવશે તેઓ સરહદ પારની ગતિવિધિઓ પર નજર રાખશે અને ઉચ્ચ અધિકારીઓ અને સરકાર સાથે અપડેટ્સ શેર કરશે. જોકે, સ્ત્રોતે પ્રોજેક્ટની સંવેદનશીલતાને ટાંકીને કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટ માટે મંજૂર કરાયેલી રકમ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.
અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લાના ચુના સેક્ટરમાં ચીનની સરહદની નજીક આવેલું મગો પહેલું ગામ છે. 2020માં જ ગામમાં ઓલ-ટેરેન વાહનો માટે યોગ્ય રોડ બનાવવામાં આવ્યો હતો. ITBPની સમગ્ર ભારત-ચીન સરહદ પર લગભગ 180 બોર્ડર પોસ્ટ્સ છે. તાજેતરમાં વધુ 45 પોસ્ટ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. જૂન 2020માં લદ્દાખની ગલવાન ખીણમાં PLA સાથેની અથડામણમાં સેનાના જવાનો શહીદ થયા હતા. ગયા વર્ષે 9 ડિસેમ્બરે પીએલએના સૈનિકોએ અરુણાચલ પ્રદેશના યાંગસ્ટેમાં ઘૂસણખોરી કરી હતી, જેના કારણે સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી અને બંને પક્ષના સૈનિકોને ઈજા થઈ હતી.