PFI પર NIAની ફરી કાર્યવાહી, ગુજરાત સહીત 8 રાજ્યોમાં દરોડા, અનેકની ધરપકડ
એનઆઈએએ દાવો કર્યો છે કે ઉગ્રવાદી ઈસ્લામિક સંગઠન પીએફઆઈએ યુવાનોને લશ્કર-એ-તૈયબા અને ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (આઈએસઆઈએસ) જેવા આતંકવાદી જૂથોમાં જોડાવા માટે ઉશ્કેર્યા હતા. આજે પાડવામાં આવેલ દરોડા ગુજરાત સહીતના રાજ્યોમાં છે. સૂત્રોના જણાવ્યાનુસાર, અમદાવાદ, સુરત, નવસારી અને વલસાડમાંથી કેટલાક લોકોની અટકાયત કરાઈ છે.
ઉગ્રવાદી ઈસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર ફરી એકવાર કાર્યવાહી શરૂ થઈ છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય તપાસ એજન્સીઓએ PFI પર દરોડાનો બીજો રાઉન્ડ શરૂ કર્યો છે. તપાસ એજન્સીઓ 8 રાજ્યોમાં PFIના 25 થી વધુ સ્થળો પર દરોડા પાડી રહી છે. દરોડા દરમિયાન ઘણા પીએફઆઈ સભ્યોની પણ અટકાયત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ કર્ણાટકમાં 12 થી વધુ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓને મળેલા પુરાવાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે આઠ રાજ્યોમાં PFI અને સંગઠનના ઘણા સભ્યો વિરુદ્ધ આ કાર્યવાહી ચાલી રહી છે તેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, દિલ્હી, કેરળ, ગુજરાત, કર્ણાટક, આસામનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યાનુસાર, અમદાવાદ, સુરત, નવસારી અને વલસાડમાંથી કેટલાક લોકોની અટકાયત કરાઈ છે.
અગાઉ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 22 સપ્ટેમ્બરે 15 રાજ્યોમાં PFIના 93 સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું અને તેના 106 નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરી હતી. આ 15 રાજ્યોમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, આસામ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, પશ્ચિમ બંગાળ, બિહાર અને મણિપુરનો સમાવેશ થાય છે. રવિવારે કેરળ પોલીસે કેરળમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના પરિસરમાં દરોડા પાડ્યા અને મોબાઈલ ફોન અને લેપટોપ સહિત વિવિધ ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા. મુંબઈની એક અદાલતે ગયા અઠવાડિયે મહારાષ્ટ્રમાં PFI વિરુદ્ધ દરોડા દરમિયાન ધરપકડ કરાયેલ 5 લોકોની ATS કસ્ટડી 3 ઓક્ટોબર સુધી લંબાવી હતી. એનઆઈએની આગેવાની હેઠળ દેશભરમાં અનેક એજન્સીઓ દ્વારા દરોડા પાડીને મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) દ્વારા ગયા ગુરુવારે રાજ્યમાંથી ધરપકડ કરાયેલા 20 લોકોમાં પાંચ આરોપીઓ સામેલ છે.
ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાનું કાવતરું
આ દરોડાના સંદર્ભમાં, NIAએ દાવો કર્યો છે કે PFI અને તેના નેતાઓની ઓફિસો પર દેશવ્યાપી દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજોમાં ખૂબ જ સંવેદનશીલ સામગ્રી મળી આવી છે. કોચી (કેરળ)ની વિશેષ એનઆઈએ કોર્ટમાં રજૂ કરાયેલ રિમાન્ડ રિપોર્ટમાં તપાસ એજન્સીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે આ ઉગ્રવાદી ઈસ્લામિક સંગઠન લશ્કર-એ-તૈયબા અને ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સીરિયા (ISIS) જેવા આતંકવાદી જૂથોમાં જોડાઈ ગયું છે. NIAએ કોચીમાં નોંધાયેલા કેસના સંબંધમાં 10 આરોપીઓની કસ્ટડીની માંગણી કરીને 22 સપ્ટેમ્બરે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પીએફઆઈએ હિંસક જેહાદના ભાગરૂપે આતંકવાદી કૃત્યો કર્યા હતા અને ભારતમાં ઈસ્લામિક શાસન સ્થાપિત કરવાનું કાવતરું ઘડ્યું હતું.
પીએફઆઈના નિશાના પર ઘણા મોટા નેતાઓ
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે PFI “લોકોના એક વર્ગ સમક્ષ સરકારી નીતિઓનું ખોટું અર્થઘટન રજૂ કરીને ભારત પ્રત્યે નફરત ફેલાવવાનું અને સરકાર અને તેના અંગો સામે નફરતની ભાવના પેદા કરવાનું કામ કરે છે”. એજન્સીએ જણાવ્યું હતું કે, “તપાસમાં જાણવા મળ્યું છે કે એફઆઈઆરમાં નામ આપવામાં આવેલા આરોપીઓ સંગઠિત અપરાધ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સામેલ હતા.” તેઓ સમાજના અન્ય ધાર્મિક વર્ગો અને સામાન્ય લોકોમાં ગભરાટ ફેલાવતા હતા. આ ‘હિટ લિસ્ટ’ દર્શાવે છે કે PFI તેના નેતાઓ દ્વારા સમુદાયોમાં તણાવ પેદા કરવાનું કામ કરી રહ્યું હતું. આ સંગઠનનો હેતુ શાંતિ અને સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો અને વૈકલ્પિક ન્યાય વ્યવસ્થા ચલાવવાનો હતો.