
“રાજદ-કોંગ્રેસને ભલે હું માફ કરી દઉ પરંતુ બિહારની જનતા માફ નહીં કરે….” આ વાત PM મોદીએ વિદેશથી પરત આવતા જ કહી છે. થોડા દિવસ પહેલા બિહારના દરભંગામાં વોટર અધિકાર યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતાને અપશબ્દો કહેવાથી સર્જાયેલા વિવાદ પર પહેલીવાર પ્રતિક્રિયા આપતા PM મોદીએ વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યુ. PM મોદીએ કહ્યુ કે મારી માતાને રાજકારણ સાથે કોઈ લેવાદેવા ન હતી, તો તેમનો શું વાંક હતો. તેમના માટે અપશબ્દો કેમ કહેવામાં આવ્યા? જોકે, આ પહેલીવાર નથી જ્યારે વડાપ્રધાન માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. નરેન્દ્ર મોદીએ આજે જે પ્રકારે
ભાવનાત્મક રીતે બિહારની મહિલાઓ સામે અપીલ કરી, તેનાથી એક વાત સ્પષ્ટ છે કે બિહારમાં તેને મોટો ચૂંટણી મુદ્દો બનાવવામાં આવશે. રાજકીય નિષ્ણાતો એવું પણ માને છે કે જ્યારે પણ PM મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ત્યારે તે વિપક્ષ પર જ ભારે પડ્યા છે. ‘મૌત કા સૌદાગર’, ‘ચોકીદાર ચોર હૈ’ જેવા ઘણા ઉદાહરણો તેમા સામેલ છે.
કોંગ્રેસ લાંબા સમયથી ગુજરાતમાં સત્તાની બહાર છે. સત્તાથી આટલા અંતર વચ્ચે, સોનિયા ગાંધી દ્વારા આપવામાં આવેલા એક નિવેદનની ઘણીવાર ચર્ચા થાય છે. ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા રમખાણો માટે, તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ 2007માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરી હતી. 2007માં એક ચૂંટણી રેલીને સંબોધતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ગુજરાતની સરકાર ચલાવનારાઓ જૂઠા, બેઈમાન અને મોતના સોદાગર છે. મોદીએ આ નિવેદનને કોંગ્રેસ સામે હથિયાર તરીકે યુઝ કર્યુ. ગુજરાતની એ ચૂંટણીમાં, ભાજપ ફરી એકવાર જીતે છે અને નરેન્દ્ર મોદી ફરીથી મુખ્યમંત્રી બને છે. જોકે, આ નિવેદન આજે પણ કોંગ્રેસને પીડા આપે છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બની ગયા પછી પણ કોંગ્રેસને આ નિવેદનથી છૂટકારો નથી મળ્યો.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં, નરેન્દ્ર મોદી ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર હતા. તેઓ ગુજરાતથી દિલ્હી આવ્યા હતા. આ ચૂંટણી દરમિયાન, કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે કંઈક એવું કહ્યું કે જેની ચર્ચા સમગ્ર ચૂંટણીમાં થાય છે. મણિશંકર ઐયરે નરેન્દ્ર મોદીને ચાયવાલા કહ્યા હતા. નરેન્દ્ર મોદીએ આ નિવેદનને સહજતાથી સ્વીકાર્યું અને દરેક ચૂંટણી મંચ પર પોતાને ચાયવાલા તરીકે સંબોધ્યા. આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો અને ભાજપ પહેલીવાર ઐતિહાસિક જીત મેળવવામાં સફળ રહ્યો. જોકે, આ અંતિમ ઘડી ન હતી. મણિશંકરના આવા નિવેદનો પાછળથી પણ સામે આવ્યા હતા જેના કારણે તેમને સેલ્ફ ગોલ માસ્ટર પણ કહેવામાં આવ્યા હતા.વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે પીએમ મોદીને નીચ પણ કહ્યા હતા.
રાજકારણમાં હંમેશા નારા મહત્વપૂર્ણ રહ્યા છે અને ભવિષ્યમાં પણ રહેશે. ચૂંટણી નારાઓ ચૂંટણી જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને જો તે ઉલટું પડે છે, તો કામ બગડી જાય છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ આવું જ બન્યું હતું, જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ‘ચોકીદાર ચોર હૈ’નો નારા લગાવ્યો હતો. નરેન્દ્ર મોદીના 2014-2019ના પાંચ વર્ષના વડાપ્રધાન તરીકે ના કાર્યકાળ દરમિયાન, તેમના પર કે તેમના કોઈપણ મંત્રી પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો ન હતો. જોકે, 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ રાફેલનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ‘ચોકીદાર ચોર હૈ’નો નારા લગાવ્યો હતો. પીએમ મોદીએ પણ આ નારાનો ઉપયોગ તેમના પક્ષમાં કર્યો હતો. તે સમયે, તેમણે પોતાના ટ્વિટર હેન્ડલનું નામ બદલીને ‘ચોકીદાર નરેન્દ્ર મોદી’ કરી દીધું હતું. થોડા જ સમયમાં ‘મૈં ભી ચોકીદાર’ ટ્રેન્ડ થવા લાગ્યું. ચૂંટણી પરિણામો આવ્યા ત્યારે નરેન્દ્ર મોદીએ ફરી એકવાર બધાને આશ્ચર્યચકિત કરી દીધા. અને રાહુલ ગાંધીનું પીએમ મોદી વિરુદ્ધનો નારો જનતાને નકારાત્મક નારો લાગ્યો. પરિણામોએ સાબિત કરી દીધુ કે જનતાને રાહુલ ગાંધીનો ચોકીદાર ચોર હૈ નો નારો પસંદ આવ્યો ન હતો ના તો જનતા તેનુ સમર્થન કરતી હતી. જો કે બિહારની ચૂંટણીમાં ‘વોટ ચોર ગાદી છોડ’ નો નારો કેટલો કારગર સાબિત થશે તે પણ જોવુ રહ્યુ.
નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હતું કે મારી માતાને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી, તો તેમનો શું વાંક હતો કે તેમના માટે આવા અપશબ્દોનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો? બિહારમાં સ્વ-સહાય સમૂહો સાથે સંકળાયેલી મહિલાઓ માટે એક નવી સહકારી પહેલના ડિજિટલ ઉદ્ઘાટન પ્રસંગે દિલ્હીમાં એક સભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ આ ટિપ્પણી કરી હતી.તેમણે કોંગ્રેસના સાથી પક્ષ આરજેડી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે લાલુ પ્રસાદની પાર્ટી મહિલાઓ સાથે બદલો લેવા માંગે છે કારણ કે બિહારમાં તેમની સરકાર તેમના કારણે જ બહાર થઈ હતી. મોદીએ કહ્યું, માતાઓને અપશબ્દ કહેનારાઓની વિચારસરણી એવી જ હોય છે કે મહિલાઓ નબળી છે. મારી માતાને અપશબ્દ કહેવા એ બિહારની તમામ બહેન દીકરીઓનું અપમાન છે. બિહાર ચૂંટણીમાં થોડા દિવસો બાકી છે અને બહુ જલદી જ ચૂંટણીની તારીખોનું એલાન થવાનું છે. ત્યારે વિપક્ષને આ મુદ્દો કેટલો ભારે પડે છે તે તો ચૂંટણી પરિણામો બાદ જ ખબર પડશે. જો કે એક વાત તો નક્કી છે કે માતાના અપમાનને ચૂંટણીનો મુદ્દો જરૂર બનાવવામાં આવશે.