મણિપુરથી પરત ફર્યા ‘I.N.D.I.A’ના નેતા, કહ્યું- સાંજ થાય એટ્લે ફાયરિંગ શરૂ થઈ જાય, રાષ્ટ્રપતિ શાસનની માગ
મણિપુરની મુલાકાતે આવેલા વિપક્ષી સાંસદોએ કહ્યું કે રાજ્યમાં બે સમુદાયો વચ્ચે હજુ પણ તણાવ છે. સાંજે ગોળીબાર શરૂ થાય છે. જો હિંસા પર અંકુશ નહીં આવે તો સ્થિતિ હાથમાંથી નીકળી જશે.
Manipur Violence: વિપક્ષી ગઠબંધન ‘I.N.D.I.A‘ના 21 સાંસદોની મણિપુરની બે દિવસીય મુલાકાત આજે પૂરી થઈ ગઈ છે. પ્રવાસના છેલ્લા દિવસે રવિવારે ઇમ્ફાલમાં મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેને મળ્યા બાદ તમામ સાંસદો દિલ્હી પરત ફર્યા છે. દિલ્હી પહોંચેલા વિપક્ષી સાંસદોએ કહ્યું છે કે મણિપુરમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને બે (કુકી અને મૈતેઈ) સમુદાયો વચ્ચે હજુ પણ તણાવ છે. સાંસદોએ દાવો કર્યો કે રાજ્યના ઘણા વિસ્તારોમાં સાંજ પડતાની સાથે જ ગોળીબારના અવાજ સંભળાવા લાગે છે.
તમામ વિપક્ષી સાંસદોએ એક અવાજે મણિપુરના મુખ્યમંત્રી બિરેનસિંહના રાજીનામાની માંગ કરી છે. નેતાઓએ કહ્યું કે બિરેનસિંહે તેમનું પદ છોડવું જોઈએ કારણ કે આ સમયે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની જરૂર છે. સ્થિતિ એટલી ખરાબ છે કે રાજ્યના ગવર્નર પણ લાચાર છે અને કંઈ કરી શકતા નથી. નેતાઓએ કહ્યું કે મણિપુરમાં સ્થિતિ અત્યંત નાજુક હોવા છતાં કેન્દ્ર સરકાર આળસુ બેસી રહી છે.
મણિપુર પ્રવાસમાં વિપક્ષી સાંસદોની ટીમનો હિસ્સો રહેલા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ રાજ્યની સ્થિતિને ખૂબ જ દયનીય ગણાવી છે. તેમણે કહ્યું કે આખું મણિપુર સળગી રહ્યું છે અને દેશના પીએમ વાંસળી બજાવી રહ્યા છે. મોટી મોટી વાતો થઈ રહી છે, પરંતુ મણિપુર પર મૌન છે. સરકાર આંખ આડા કાન કરીને બેઠી છે, જો તાત્કાલિક કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ હાથમાંથી નીકળી જશે. મણિપુરની હાલત જોઈને આંસુ આવી જાય છે.
મનોજ ઝાએ કહ્યું – કોઈપણ પરિસ્થિતિમાં શાંતિ પુનઃસ્થાપિત થવી જોઈએ
આ તરફ, આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું, અમે ઇચ્છીએ છીએ કે મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત થાય. અમારી એક જ માંગ છે કે રાજ્યમાં બંને સમુદાયો સુમેળથી રહે. ત્યાંની સ્થિતિ વધુ ખતરનાક છે. સંસદમાં પહેલા જ ચર્ચા થઈ ચૂકી છે કે તમામ સમર્થન આપવામાં આવે. તેમણે કહ્યું છે કે પાર્ટીના પ્રતિનિધિમંડળે પણ મણિપુરની મુલાકાત લેવી જોઈએ.
આ પણ વાંચો : Seema Haider Pregnant : શું સીમા હૈદર પ્રેગ્નેટ છે ! સચિનનો પરિવાર 5મા બાળકને સ્વીકારશે ?
3 મેના રોજ શરૂ થયેલી હિંસા ત્રણ મહિનામાં અટકી નથી
તમને જણાવી દઈએ કે 3 મેના રોજ મણિપુરમાં કુકી સમુદાય દ્વારા આદિવાસી એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન જ કુકી અને મૈતેઈ સમુદાયો સામસામે આવી ગયા અને ટૂંક સમયમાં અથડામણ હિંસામાં ફેરવાઈ ગઈ. રાજ્યના જુદા જુદા ભાગોમાં હજારો ઘરો અને દુકાનોને આગ ચાંપવામાં આવી હતી. હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં 150થી વધુ લોકોના મોત થયા છે. હજારો લોકો રાહત શિબિરોમાં રહેવા મજબૂર છે. જો કે રાજ્યમાં શાંતિ જાળવવા માટે સરકાર દ્વારા સેના પણ તૈનાત કરવામાં આવી છે.