પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા દીદીએ, આજે રવિવારે કોલકત્તાના બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે ‘જન ગર્જન સભા’માં ખીચોખીચ ઉમટેલી ભીડને સંબોધી હતી. મમતા બેનર્જીએ, લોકસભા ચૂંટણીનો વિધિવત્ત પ્રચાર કરતા કહ્યું કે જ્યા સુધી પશ્ચિમ બંગાળમાં તેમની સરકાર છે ત્યા સુધી પશ્ચિમ બંગાળમાં NRC લાગુ નહીં થવા દઈએ. આ જન ગર્જન સભા’માં મમતા બેનર્જીએ કેન્દ્રની મોદી સરકાર ઉપર પશ્ચિમ બંગાળના હક્કના નીકળતા રૂપિયા અટકાવીને રાજ્યના વિકાસને અવરોધવાનો આરોપ મુક્યો હતો.
તૃણમૂલ સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું હતું કે, કોલકત્તાના બ્રિગેડ ગ્રાઉન્ડની આ ‘જન ગર્જન સભા’ દ્વારા વિરોધીઓનુ વિસર્જન છે. મમતા બેનર્જીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં લોકસભાની એક સીટ પરથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણી લડાવવા માટે સપાના અખિલેશ યાદવ સાથે વાતચીત ચાલી રહી છે. કોલકાતા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાય પર નિશાન સાધતા તેણીએ કહ્યું, ‘હું ન્યાયતંત્રનું સન્માન કરું છું, પરંતુ કેટલાક ન્યાયાધીશો ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે.’
પાર્ટીના નેતા ફિરહાદ હકીમે કહ્યું, ‘અમે લાંબા સમય પછી બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર રેલીનું આયોજન કરી રહ્યા છીએ. આ એક ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે. અમારી પાર્ટીના સુપ્રીમો મમતા બેનર્જી એક સંદેશ આપશે જેને અમે પશ્ચિમ બંગાળના ખૂણે-ખૂણે લઈ જઈશું અને રાજ્યની તમામ 42 લોકસભા બેઠકો પર ભાજપની હાર સુનિશ્ચિત કરીશું.
અંગ્રેજોના સમયગાળા દરમિયાનના પરેડ ગ્રાઉન્ડ તરીકે સ્થપાયેલ ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે તૃણમૂલ કોંગ્રેસની વિશાળ રેલીનું પણ મહત્વ છે.કારણ કે જાન્યુઆરી 2019માં આ ગ્રાઉન્ડમાં સભા થયા બાદ, આ ગ્રાઉન્ડ પર આટલા મોટા પાયા પર પાર્ટીની આજે યોજાયેલી પ્રથમ રેલી છે. 2019 માં યોજાયેલી બેઠકમાં, 19 વિપક્ષી પાર્ટીઓના નેતાઓ એકતાનો સંદેશ આપવા માટે એક સાથે આવ્યા હતા. પાયાના સ્તરે મજબૂત સંગઠન હોવા છતાં, 2019ની લોકસભા ચૂંટણીમાં, તૃણમૂલ કોંગ્રેસની બેઠકોની સંખ્યા 34 થી ઘટીને 22 થઈ ગઈ હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટી એ પશ્ચિમ બંગાળમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 2019ની લોકસભાની ચૂંટણીમા 18 બેઠકો જીતી હતી.
Published On - 4:55 pm, Sun, 10 March 24