Karnataka : બેલાગવી જિલ્લામાં ખ્રિસ્તી પરિવાર પર અસામાજીક તત્વોનો હુમલો,પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી
આરોપીઓ સામે કલમ 143 (હંગામો), 448 (અત્યાચાર), 323 (ઇરાદાપૂર્વક ઇજા), 506 (ગુનાહિત ધમકી), અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
Karnataka : કર્ણાટકના બેલાગવી જિલ્લામાં (Belagavi District)એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધર્મ પરિવર્તનને લઈને ખ્રિસ્તી પ્રાર્થના સમૂહના સભ્યો પર કેટલાક અસામાજીક તત્વોએ હુમલો કર્યોનુ સામે આવ્યુ છે. હાલ પોલીસે (Karnataka Police) આ મામલે સાત લોકો સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલામાં ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા, જેમની મુદલાગી શહેરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, આ ઘટના 29 ડિસેમ્બરના રોજ બેગવાલી જિલ્લાના તુક્કાનાટ્ટી ગામમાં બની હતી.
હિન્દુત્વ જૂથ પર ગંભીર આરોપ
આ મામલે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, જે ઘરમાં પ્રાર્થના સભા થઈ રહી હતી તેના માલિકે આ લેભાગુ તત્વો પર કેસ દાખલ કર્યો છે. તેમણે કહ્યું કે તમામ આરોપીઓ વિવિધ જમણેરી હિન્દુત્વ જૂથોના (Hindutva Community) સભ્યો હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. ગ્રામીણો પર ખ્રિસ્તી ધર્મ અપનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ બપોરે 1 વાગ્યે પ્રાર્થના સભામાં ઘૂસીને મારપીટ શરૂ કરી હતી,જેને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
બળજબરી ઘરમાં ઘૂસીને ધર્મ પરિવર્તન કરવાનો દાવો
અહેવાલો અનુસાર હિંદુત્વ જૂથના સભ્યો બળજબરીથી પાદરીના ઘરમાં ઘૂસી ગયા અને તેમની પ્રાર્થના બંધ કરવા દબાણ કરવામાં આવ્યુ હતુ, બાદમાં આ જૂથે પરિવાર પર હુમલો કર્યો . પૂજારીની પત્ની કવિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવીને જણાવ્યુ છે કે, હિંદુત્વ જૂથના સભ્યોએ હુમલા દરમિયાન એક મહિલા પર સળગતી દિવાસળી ફેંકી હતી, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે પરિવારે જૂથને શાંત કરવાનો પ્રયાસ કર્યો તો તેણે અન્ય સભ્યો પર પણ હુમલો કર્યો.ત્યારે આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ ધર્મ પરિવર્તન દેશમાં કલંક સમાન છે.
આરોપીઓ સામે ફરિયાદ દાખલ
આરોપીઓ સામે કલમ 143 (હંગામો), 448 (અત્યાચાર), 323 (ઇરાદાપૂર્વક ઇજા), 392, 506 (ગુનાહિત ધમકી), અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજ્યમાં ખ્રિસ્તીઓ પર સતત હુમલાઓ વચ્ચે આ ઘટના સામે આવતા હાલ ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો : અયોધ્યા માટે 20 હજાર કરોડના પ્રોજેક્ટને મંજૂરી, જાણો કેવી રીતે બદલાશે રામ જન્મભૂમિની તસવીર