JIO IPO: ખુલતા પહેલાં જ ₹2.5 લાખ કરોડની બોલી, વિશ્વભરના દિગ્ગજો લાઇનમાં; જાણો સંપૂર્ણ વિગતો
રિલાયન્સ જિયોના મેગા IPO ને લઈને વૈશ્વિક અને સ્થાનિક રોકાણકારોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. IPO ખુલતા પહેલાં જ અંદાજે ₹2.5 લાખ કરોડના રોકાણની ઉત્સુકતા સામે આવી છે, જેમાં BlackRock, સિંગાપોર-કતારના સરકારી ફંડ્સ સહિત LIC અને SBI MF જેવા દિગ્ગજો સામેલ છે.

રિલાયન્સ જિયોના બહુપ્રતિક્ષિત IPO ને લઈને મોટા સંસ્થાકીય રોકાણકારોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. IPO સબસ્ક્રિપ્શન માટે સત્તાવાર રીતે ખુલે તે પૂર્વે જ મોટા રોકાણકારોએ અંદાજે ₹2.5 લાખ કરોડનું રોકાણ કરવામાં દિલચસ્પી દાખવી છે. જેમાં સિંગાપોર, નોર્વે, અબુધાબી અને કતારના સાર્વભૌમ (સરકારી) ફંડ્સ ઉપરાંત ભારત અને વિશ્વભરના અગ્રણી ફંડ મેનેજરો સામેલ છે.
વિશ્વના દિગ્ગજ રોકાણકારોની નજર
જિયોના IPO માં સિંગાપોર, નોર્વે, અબુધાબી અને કતારના સરકારી રોકાણ ફંડ હિસ્સેદારી લેવા માટે ભારે ઉત્સુક છે. આ ઉપરાંત વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ જેવી કે બ્લેકરોક (BlackRock), ફિડેલિટી (Fidelity) અને કેપિટલ ગ્રૂપ (Capital Group) પણ આ મેગા IPO માં જંગી રોકાણ કરવાની તૈયારી દર્શાવી ચૂકી છે.
સ્થાનિક બજારમાંથી LIC, SBI MF અને HDFC MF પણ રેસમાં
ભારતીય રોકાણકારોની વાત કરીએ તો, દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની LIC, SBI મ્યુચ્યુઅલ ફંડ અને HDFC મ્યુચ્યુઅલ ફંડ જેવાં માતબર નામો આ યાદીમાં મોખરે છે. સાથે જ દેશના ટોચના 10 મ્યુચ્યુઅલ ફંડ્સ અને ટોચની 5 વીમા કંપનીઓએ પણ જિયોના IPO માં રસ દાખવ્યો છે. મોટા સંસ્થાકીય રોકાણકારોની આટલી વ્યાપક ભાગીદારીને આ પબ્લિક ઇશ્યૂની સફળતા માટે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.
માત્ર ટેલિકોમ નહીં, ડિજિટલ બિઝનેસ પર મોટો દાવ
જિયોનો વ્યવસાય હવે માત્ર મોબાઇલ નેટવર્ક સેવાઓ સુધી સીમિત રહ્યો નથી. કંપની ઇન્ટરનેટ બ્રોડબેન્ડ, ક્લાઉડ ટેકનોલોજી, ડિજિટલ મનોરંજન અને એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સ ક્ષેત્રે ઝડપથી વિસ્તરી રહી છે. જેથી રોકાણકારો માટે જિયોના IPO માં નાણાં રોકવા એટલે કંપનીના સમગ્ર ડિજિટલ ઇકોસિસ્ટમમાં સીધી ભાગીદારી મેળવવાની તક સાબિત થશે.
₹1,065 થી ₹1,119 નો પ્રાઇસ બેન્ડ
કંપની દ્વારા શેર દીઠ પ્રાઇસ બેન્ડ ₹1,065 થી ₹1,119 નક્કી કરવામાં આવી છે. આ નક્કી કરેલી પ્રાઇસ પર નાના રિટેલ રોકાણકારો તેમજ મોટા સંસ્થાકીય રોકાણકારો શેર ખરીદી શકશે, એટલે કે નિર્ધારિત ઇશ્યૂ પ્રાઇસ તમામ રોકાણકારો માટે સમાન રહેશે.
21 ઓક્ટોબરે ખુલશે પબ્લિક ઇશ્યૂ
જિયો પ્લેટફોર્મ્સનો આ IPO આગામી 21 ઓક્ટોબરના રોજ રોકાણકારો માટે ખુલશે અને 23 ઓક્ટોબરના રોજ બંધ થશે. જેથી રોકાણકારો પાસે બિડિંગ કરવા માટે ફક્ત 3 દિવસનો સમય રહેશે.
