Jharkhand : IAS પૂજા સિંઘલ વિરુદ્ધ તપાસ, તેના પતિ અભિષેક ઝાની થઈ શકે છે ધરપકડ
સનદી અધિકારી પૂજા સિંઘલ પાસે અઢળક સંપત્તિના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી ચાલુ છે. હવે આવકવેરા વિભાગનાઅધિકારીઓને પણ આ કેસમાં તપાસ માટે બોલાવાયા છે.

ઝારખંડની IAS ઓફિસર પૂજા સિંઘલની (Pooja Singhal) મુશ્કેલીઓ ખૂબ જ વધી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈડીની કાર્યવાહીમાં હવે ઈન્કમ ટેક્સ (Income tax) વિભાગની પણ એન્ટ્રી થઈ છે. પૂજા સિંઘલને ત્યાંથી પકડાયેલ રોકડ રકમ અંગેની તપાસ અને પુછપરછ માટે આવકવેરા અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે EDએ તેનો રિપોર્ટ CBIને મોકલી દીધો છે. હવે ભારત સરકારની એજન્સીઓ પણ પૂજા સિંઘલ સામે ચાલી રહેલા કેસને લઈને એક્શનમાં આવી ગઈ છે. દરેક સંબધિત એજન્સીને આ કેસમાં એલર્ટ કરી દેવામાં આવી છે.
મીડિયાના અહેવાલ અનુસાર, પૂજા સિંઘલના પતિ અભિષેક ઝા પણ સતત મુશ્કેલીમાં હોવાનું જણાય છે. રવિવારે સવારે 9 વાગ્યાથી EDની પૂછપરછમાં અભિષેક ઝાને બે પ્રકારના સવાલોનો સામનો કરવો પડ્યો હતો. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, EDએ પૂજા સિંઘલના CA સુમન સિંહ અને તેના પતિ અભિષેક ઝાની સતત પૂછપરછ કરી રહી છે. જેમાં મુખ્ય ધ્યાન સીએ પાસેથી મળેલી રોકડ પર છે, આ પૈસા ક્યાંથી આવ્યા અને તેનો સ્ત્રોત શું છે.
અભિષેક ઝાને પૂછવામાં આવી રહ્યું છે કે પલ્સ હોસ્પિટલમાં કરવામાં આવેલ રોકાણ ક્યાંથી આવ્યું. શું આ હોસ્પિટલની સ્થાપનામાં તેમની પત્ની પૂજા સિંઘલની પણ કોઈ ભૂમિકા છે ? અભિષેક ઝાને પૂછવામાં આવી રહ્યું છે કે જ્યારે હોસ્પિટલમાં 123 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે તો પછી લોન માત્ર 23 કરોડની જ કેવી રીતે બતાવવામાં આવી રહી છે ? બાકીના પૈસા ક્યાંથી આવ્યા ? કોણે આપ્યા ? શું આમાં પૂજા સિંઘલની પણ કોઈ ભૂમિકા છે ? આ તમામ સવાલોના જવાબ હજુ સુધી ED મેળવી શકી નથી.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મની લોન્ડરિંગ કેસમાં ED ગમે ત્યારે અભિષેક ઝાની ધરપકડ કરી શકે છે અને જો કોઈ ચોક્કસ જવાબ નહીં મળે તો પલ્સ હોસ્પિટલને સીલ પણ કરી શકાય છે.
EDએ અભિષેક ઝા અને CA સુમન સિંહની પૂછપરછ માટે કુલ 50થી વધુ પ્રશ્નો તૈયાર કર્યા હતા. આ પ્રશ્નોની અંદર ઘણા પેટા પ્રશ્નો ઉભા થતા રહ્યા હતા, પ્રાપ્ત માહિતી અનુસાર, સુમન સિંહ કે અભિષેક ઝા બંનેમાંથી કોઈ પણ ઈડીના કોઈ પણ સવાલનો યોગ્ય રીતે જવાબ આપી શક્યા નથી, તેથી ઈડી હવે અભિષેક ઝાને ન્યાયિક કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી શકે છે.