Jammu Kashmir: કાશ્મીરની સ્થિતિને લઈ ગુલામ નબી આઝાદે સરકારને સલાહ આપી, કહ્યુ- કાશ્મીરી પંડિતોને જમ્મુ શિફ્ટ કરો
Jammu Kashmir: ગુલામ નબી આઝાદે સરકારને સલાહ આપતા કહ્યું કે, સરકારે કાશ્મીરી પંડિતોના કર્મચારીઓને જમ્મુ શિફ્ટ કરવા જોઈએ અને જ્યારે સ્થિતિ સુધરશે ત્યારે જ તેમને પાછા બોલાવવા જોઈએ.
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર કાશ્મીરી પંડિતો માટે સ્થિતિ વણસી રહી છે. દરમિયાન, ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના વડા અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે જ્યાં સુધી કાશ્મીરની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી સરકારના કાશ્મીરી પંડિત કર્મચારીઓને અસ્થાયી રૂપે જમ્મુમાં ખસેડવા જોઈએ. કાશ્મીરી પંડિતોની સુરક્ષા પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, નોકરી કરતાં જીવન વધુ મહત્વનું છે અને સરકારે કાશ્મીરી પંડિતોને જમ્મુ શિફ્ટ કરવા જોઈએ. ન્યૂઝ એજન્સી અનુસાર આઝાદે કહ્યું, સરકારે કાશ્મીરી પંડિતોના કર્મચારીઓને જમ્મુ શિફ્ટ કરવા જોઈએ અને જ્યારે સ્થિતિ સુધરશે ત્યારે જ તેમને પાછા બોલાવવા જોઈએ. જોકે, ગવર્નર મનોજ સિન્હાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે જે કાશ્મીરી પંડિત કર્મચારીઓ કામ પર નહીં આવે તેમને પગાર આપવામાં આવશે નહીં. સરકારના આ નિર્ણયનો પ્રવાસી કાશ્મીરી પંડિતો વિરોધ કરી રહ્યા છે.
ગયા વર્ષે ઓક્ટોબરથી કાશ્મીરમાં ઘણા ટાર્ગેટ કિલિંગ કરવામાં આવ્યા
એક કાશ્મીરી પંડિતે કહ્યું કે તેને આતંકવાદીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે અને તેથી તે કામ પર પાછા જઈ શકે તેમ નથી. રોહિત નામના એક કર્મચારીએ કહ્યું, અમે અસુરક્ષિત માહોલ સામે વિરોધ કરી રહ્યા છીએ, જે દિવસથી ખીણમાં ટાર્ગેટ કિલિંગ થઈ હતી ત્યારથી અમે વિરોધ કરી રહ્યા છીએ. તેમણે સરકારને તેમને સલામત સ્થળે ખસેડવાની પણ અપીલ કરી હતી. ગયા વર્ષે ઓક્ટોબરથી કાશ્મીરમાં ઘણા ટાર્ગેટ કિલિંગ કરવામાં આવ્યા છે.
હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ કાશ્મીમાં ટાર્ગેટ કિલિંગને અંજામ આપી રહ્યા છે
ન્યૂઝ એજન્સીના રિપોર્ટમાં કેન્દ્રીય તપાસ એજન્સીની ચાર્જશીટને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ કાશ્મીર ઘાટીમાં ટાર્ગેટ કિલિંગને અંજામ આપી રહ્યા છે, જે અન્ય આતંકવાદી સંગઠનો સાથે ઘાટીમાં શાંતિ ડહોળવાના ષડયંત્રનો ભાગ છે. જમ્મુ અને કાશ્મીરના કુલગામના અદુરા ગામના સરપંચના ટાર્ગેટ કિલિંગ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ સપ્ટેમ્બર મહિનામાં 6 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો.
આતંકવાદ વિરોધી એજન્સીએ જમ્મુની સ્પેશિયલ એનઆઈએ કોર્ટમાં તેની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે સરપંચ શબ્બીર અહેમદ મીરની હિઝબુલ આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં 11 માર્ચે કુલગામ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી અને NIAએ 8 એપ્રિલે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.
(એજન્સી ઇનપુટ)