Knowledge : ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. અહીં ઘણા બધા ધર્મોમાં માનનારા લોકો રહે છે. તેમાંથી હિન્દુ ધર્મના લોકોની વસ્તી વધારે છે. ભારતના ખૂણે ખૂણે હિન્દુ ધર્મના ધાર્મિક સ્થળો અને મંદિરો જોવા મળે છે. તેમાં જ ભગવાન શિવના 12 જ્યોતિરલિંગોમાંથી એક છે ઉજ્જૈનનું મહાકાલ મંદિર. ઉજ્જૈનના આ મહાકાલ મંદિરની કાયાપટલ થવા જઈ રહી છે. કાશી વિશ્વનાથ કોરિડોરની જેમ મહાકાલ કોરિડોર પણ બનીને તૈયાર છે. વડાપ્રધાન મોદી 11 ઓકટોબરના રોજ ઉજ્જૈનના મહાકાલ કોરિડોરનું ઉદ્દઘાટન કરશે. આ મહાકાલ મંદિરમો ઈતિહાસ વર્ષો જૂનો છે. અન્ય મંદિરોની જેમ આ મહાકાલ મંદિરને (Mahakal temple of Ujjain) પણ ઇસ્લામિક આક્રમણકારીના હુમલાઓનો સામનો કરવો પડયો હતો.
ભારતમાં વર્ષો પહેલા કાશી, મથુરા, અયોધ્યા જેવા હજારો હિન્દુ મંદિરો પર ઈસ્લામિક આક્રમણકારીઓએ હુમલો કર્યો હતો. ઘણા મંદિરનો જીર્ણોધાર થયો પણ ઘણા મંદિર ધ્વસ્ત સ્થિતિમાં જ રહ્યા. ઉજ્જૈનના મહાકાલ મંદિરની સ્થિતિ વર્ષો પહેલા આવી જ હતી. લગભગ 887 વર્ષ પછી ઉજ્જૈનનું મહાકાલ મંદિર પોતાનો સનાતન વૈભવ ફરી મેળવશે. ચાલો જાણીએ આ મંદિરના ઈતિહાસ વિશે.
વર્ષ 1211થી 1236 વચ્ચે ઈલ્તુતમિશ નામના ઈસ્લામિક આક્રમણકારીએ ભારતમાં હજારો મંદિરો ધ્વસ્ત કર્યા હતા અને ત્યાં મસ્જિદો બનાવી હતી. વર્ષ 1235માં તે દિલ્હીની ગાદી પર સુલ્તાન બનીને શાસન કરતો હતો. મહાકાલ મંદિરનું નિર્માણ 300 વર્ષમાં પૂરુ થયુ હતુ. સુલ્તાન ઈલ્તુતમિશ એ ઉજ્જૈન જઈ મહાકાલ મંદિર પર પણ હુમલો કર્યો હતો. તે મહાકાલ મંદિરમાં સ્થાપિત શિવલિંગ અને અન્ય તાંબાની મૂર્તિ પણ દિલ્હી લઈ ગયો હતો. તેણે તે તમામ વસ્તુ કુતુબ પરિસરમાં સ્થિત કુવતઉલ ઈસ્લામ મસ્જિદની સીડી પર મુક્યા. જેથી ત્યાથી પસાર થતા લોકો તેને લાત મારીને તેનુ અપમાન કરે. આ વાતનો ઉલ્લેખ ઈતિહાસકાર મિન્હાસ ઉલ સિરાજના પુસ્તક તબકાત એ નાસિરીમાં છે.
મહાકાલ મંદિર લગભગ 499 વર્ષ સુધી ધ્વસ્ત હાલતમાં રહ્યુ. વર્ષ 1734માં મરાઠા રાજા રાણેજી સિન્ધના સમયમાં આ મંદિરનું પુનનિર્માણ શરુ થયુ. શિવલિંગ જેવી તમામ વસ્તુઓ પાછી લાવામાં આવી. લગભગ વર્ષ 1863માં આ મંદિરનું પુનનિર્માણ પૂરુ થયુ. પછી સમયે સમયે જરુરિયાત અનુસાર મંદિરનું સમારકામ થયુ. આ મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.
કરોડો ભક્તો દર વર્ષે આ મહાકાલ મંદિરના દર્શન માટે આવે છે. મહાકાલ કોરિડોરના નિર્માણ સમયે હજારો વર્ષ જૂના પત્થર, વિષ્ણુ મૂર્તિ અને ભગવાન શિવનું શિવલિંગ પણ મળ્યુ હતુ. મહાકવિ કાલિદાસ અને તુલસીદાસ જેવા મહાનપુરુષોની રચનોમાં પણ ઉજ્જૈનના મહાકાલ મંદિરના હજારો વર્ષના ઈતિહાસનું વર્ણન છે. કાલે ઉજ્જૈનના મહાકાલ મંદિરને નવું આકર્ષણ પ્રાપ્ત થશે.
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી