International Yoga Day : ‘યોગ એ સનાતન ધર્મનો સાર છે’, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર બાબા રામદેવનું નિવેદન
કુરુક્ષેત્રમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભવ્ય રીતે ઉજવાયો. બાબા રામદેવના માર્ગદર્શન હેઠળ બ્રહ્મસરોવર ખાતે એક લાખથી વધુ લોકોએ યોગ કર્યો. "એક પૃથ્વી, એક આરોગ્ય" થીમ સાથે, આ કાર્યક્રમ પતંજલિ અને હરિયાણા સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.

કુરુક્ષેત્રમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભવ્ય રીતે ઉજવાયો, જેમાં બાબા રામદેવના માર્ગદર્શન હેઠળ ઐતિહાસિક બ્રહ્મસરોવર ખાતે વિશાળ યોગ સત્ર યોજાયું. આ કાર્યક્રમ પતંજલિ યોગપીઠ, હરિયાણા યોગ આયોગ અને AYUSH વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની ઉપસ્થિતિમાં એક લાખથી વધુ યોગ સાધકોએ એકસાથે યોગ કરી નવા ઇતિહાસની રચના કરી.
બાબા રામદેવે જણાવ્યું કે પતંજલિ યોગ સમિતિ દ્વારા દેશમાં દરેક 650 જિલ્લામાં નિઃશુલ્ક યોગ તાલીમ સત્રો યોજાયા છે અને તે પણ કોમન યોગ પ્રોટોકોલ મુજબ. આ વર્ષની યોગ દિવસની થીમ હતી: “One Earth, One Health” – “એક પૃથ્વી, એક આરોગ્ય”.
બાબા રામદેવે તેમના સંબોધનમાં કહ્યું કે આજે યોગ વૈશ્વિક અભિયાન બની ગયું છે. વિશ્વભરના 2 અબજથી વધુ લોકો યોગને જીવનશૈલીમાં અપનાવી ચૂક્યા છે. “યોગ એ આજના યુગની આવશ્યકતા છે. યોગ એ આપણા સનાતન ધર્મનો સાર છે – જે પરંપરા અને કુદરતથી સંકળાયેલો છે,” એમ તેમણે જણાવ્યું.
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને “યોગી યોધ્ધા” કહી શ્રદ્ધાંજલિ આપી અને જણાવ્યું કે પીએમ મોદીની પહેલથી યોગ આજે વૈશ્વિક સ્તરે પ્રચલિત થયું છે. તેમણે ગ્રામ પંચાયતોના વડાઓને પણ યોગના પ્રચાર માટે આગ્રહ કર્યો.
બાબા રામદેવે જણાવ્યુ કે દેશમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ગૃહમંત્રી અને રક્ષામંત્રી સહિતના રાષ્ટ્રીય નેતાઓ યોગને પોતાના દૈનિક જીવનમાં અપનાવે છે. તેમણે ઉમેર્યું કે જો સમગ્ર દેશ યોગને જીવનશૈલી બનાવે, તો દેશના આરોગ્ય ખર્ચમાં, જે હાલમાં દર વર્ષે રૂ. 10 લાખ કરોડ છે, તેમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે – અને એક દિવસ તો એ રકમ શૂન્ય પણ બની શકે છે.
યોગને ભારતની આર્થિક સ્વતંત્રતા સાથે જોડતાં બાબા રામદેવે સ્વદેશી અપનાવવાનો સંદેશો આપ્યો. તેમણે કહ્યું કે વિદેશી કંપનીઓએ 1765થી 1900 વચ્ચે ભારતમાંથી 100 ટ્રિલિયન ડોલરથી વધુ લૂંટ્યું છે. પતંજલિ પોતાના તમામ નફાનો 100% દેશસેવામાં લગાવે છે – ‘Prosperity for Charity’ મિશન હેઠળ.
શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવવાના ઉદ્દેશથી પતંજલિ Gurukulam અને Acharyakulam જેવી સંસ્થાઓ શરૂ થઈ છે. આ સંસ્થાઓ ભારતીય શિક્ષણ બોર્ડ (BSB) સાથે મળીને પાશ્ચાત્ય શિક્ષણ પદ્ધતિથી મુક્તિ અપાવવાનો પ્રયત્ન કરે છે અને દેશને નૈતિક મૂલ્યો ધરાવતાં નેતાઓ આપે છે.
આચાર્ય બાલકૃષ્ણે જણાવ્યું કે માત્ર 30 થી 60 મિનિટનું દૈનિક યોગ અભ્યાસ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે, બિમારીઓને પલટાવી શકે છે અને તંદુરસ્ત જીવનશૈલી તરફ લઈ જઈ શકે છે. પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા યોગ પર વિશ્વના અગ્રગણ્ય રિસર્ચ જર્નલ્સમાં સોંથી વધુ રિસર્ચ પેપર પ્રકાશિત થયા છે.
હરિયાણામાં જિલ્લામાં અને તાલુકા સ્તરે મળીને 11 લાખથી વધુ લોકોએ યોગ દિવસમાં ભાગ લીધો, જ્યારે માત્ર કુરુક્ષેત્રના બ્રહ્મસરોવર ખાતે 1 લાખથી વધુ લોકોએ એકસાથે યોગ કર્યો. કાર્યક્રમમાં હરિયાણાના રાજ્યપાલ બંધારુ દત્તાત્રેય, મંત્રી આરતી રાવ, સાંસદ નવીન જિંદલ, AYUSH ડિરેક્ટર જનરલ સંજીવ વર્મા અને પતંજલિ તથા યોગ આયોગના પ્રતિનિધિઓ હાજર રહ્યા.
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ રાજ્યને વ્યસનમુક્ત અને તણાવમુક્ત બનાવવા માટે યોગના વિસ્તાર માટે સરકારની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી.
નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.
