INDIAN RAILWAY : હવે TRAINમાં રાત્રે નહિ કરી શકાય મોબાઈલ-લેપટોપને ચાર્જીંગ, જાણો શું છે કારણ

INDIAN RAILWAY : રેલ્વેએ મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લીધો છે.

  • Tv9 webdesk42
  • Published On - 23:37 PM, 30 Mar 2021
INDIAN RAILWAY : હવે TRAINમાં રાત્રે નહિ કરી શકાય મોબાઈલ-લેપટોપને ચાર્જીંગ, જાણો શું છે કારણ
આ મોટા નિર્ણયથી હજારો મુસાફરો પ્રભાવિત થશે

INDIAN RAILWAY : આધુનિકીકરણમાં ઝડપથી આગળ વધતી ઇન્ડિયન રેલ્વે યાત્રીઓને આકર્ષવા માટે અવનવી સુવિધાઓ ઉભી કરી રહી છે. ઇન્ડિયન રેલ્વેની આ સુવિધાઓ ક્યારેક દુર્ઘટનાનું કારણ પણ બને છે. આ માટે જ ઇન્ડિયન રેલ્વેએ ટ્રેનમાં મોબાઈલ અને લેપટોપ ચાર્જીંગ કરવા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. હવે મુસાફરો રાત્રે મોબાઈલ-લેપટોપ ચાર્જ કરી શકશે નહીં. અ સાથે જ રેલ્વેએ મુસાફરી દરમિયાન ધૂમ્રપાન કરનારા અથવા જ્વલનશીલ પદાર્થો લઈ જતા મુસાફરો સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે.

હવે રાત્રે ચાર્જીંગ નહિ કરી શકાય મોબાઈલ-લેપટોપ
ભારતીય રેલ્વેએ તેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે મુસાફરો રાત્રીના સમયે ટ્રેનમાં પોતાનો મોબાઈલ ફોન કે લેપટોપ ચાર્જ કરી શકશે નહીં. ભારતીય રેલ્વેના આ મોટા નિર્ણયથી હજારો મુસાફરો પ્રભાવિત થશે. એક મીડિયા રીપોર્ટના જણાવ્યા અનુસાર રેલ્વેએ ટ્રેનમાં આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.

શું છે આ નિયમ પાછળનું કારણ
પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે કહ્યું કે રેલ્વેએ મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ ચાર્જિંગ પોઇન્ટ સ્વીચો રાત્રે 11 થી સવારે 5 વાગ્યા સુધી બંધ રહેશે અને મુસાફરો આ સમય દરમિયાન તેનો ઉપયોગ કરી શકશે નહીં. ટ્રેનના તમામ કોચ સાથે જોડતા ચાર્જર પોઇન્ટની તમામ સ્વીચો એક સાથે બંધ થઈ જશે. તેની પાછળનું કારણ એ છે કે મોટાભાગના મુસાફરો રાત્રે મોબાઈલ કે લેપટોપ ચાર્જિંગ રાખીને સુઈ જતા હોય છે. આવી સ્થિતિમાં ઓવર ચાર્જિંગને કારણે મોબાઈલ કે લેપટોપની બેટરીમાં બ્લાસ્ટ થવાનું જોખમ રહેલું છે. આ સાથે જ મોબાઈલ – લેપટોપ ચોરીનો ભય પણ રહે છે.

આગની ઘટનાને કારણે રેલ્વે સતર્ક
આ મહિને 13 માર્ચે દિલ્હી-દહેરાદૂન શતાબ્દી એક્સપ્રેસમાં આગ લાગી હતી. આગ એક કોચથી શરૂ થઈ હતી અને 7 ડબ્બાઓમાં ફેલાઇ હતી. રાહતની વાત એ છે કે આગને કારણે કોઈ પણ મુસાફરોને નુકસાન પહોંચ્યું ન હતું અને તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ આ ઘટનાથી રેલ્વેતંત્ર સતર્ક થઈ ગયું છે, ત્યારબાદ હવે રેલ્વેતંત્ર આગની ઘટનાઓ રોકવા કડક પગલા લઇ રહ્યું છે.

ધૂમ્રપાન સામે પણ રેલ્વેતંત્રનું કડક વલણ
ઇન્ડિયન રેલ્વે દ્વારા ટ્રેનોમાં ધૂમ્રપાન કરવાના નિયમો પણ કડક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હમણાં સુધી ધૂમ્રપાન કરનારાઓને કલમ 167 હેઠળ માત્ર 100 રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ હતી, જેને હવે વધારવાની યોજના છે. આટલું જ નહીં દંડની સાથે રેલ્વે સ્ટેશન પરિસરમાં અથવા ટ્રેનની અંદર ધૂમ્રપાન કરનારાઓ સામે જેલની સજાની પણ જોગવાઈ કરવામાં આવી રહી છે.રેલ્વે તરફથી કહેવામાં આવ્યું છે કે ટ્રેન મુસાફરોની સલામતી તેમની પ્રાથમિકતા છે. આ સંદર્ભમાં રેલ્વેએ પ્રવાસને આરામદાયક અને સલામત બનાવવા માટે આ મોટા પગલા ભર્યા છે.