તમારા શહેરમાં કેટલું પાણી બચ્યું છે? ભારતનાં 21 મોટાં શહેરો પર જળસંકટનો ખતરો!
તાજેતરનાં વર્ષોમાં ઉનાળાની ઋતુ દરમિયાન બેંગલુરુના રહેવાસીઓએ પાણીના એક ટેન્કર માટે ખાનગી સપ્લાયરોને હજારો રૂપિયા ચૂકવ્યા છે. આ એ શહેર છે, જ્યાં એક સમયે 260થી પણ વધુ તળાવો હતાં. આજે તેમાંથી અડધાથી પણ ઓછાં, એટલે કે અંદાજે 80થી 81 તળાવોમાં જ પાણી બચ્યું છે. શહેરભરમાં હજારો બોરવેલ સંપૂર્ણપણે સૂકાઈ ગયા છે.

મુંબઈ સમુદ્રથી ઘેરાયેલા ટાપુ પર વસેલું શહેર છે. તેમ છતાં, તેને એવા વર્ષોનો સામનો કરવો પડ્યો છે, જ્યારે શહેરના લગભગ સમગ્ર પીવાના પાણીનો સ્રોત ગણાતાં જળાશયોમાં પાણીનો જથ્થો તેમની કુલ ક્ષમતાના માત્ર 9થી 10 ટકા જેટલો રહી ગયો હતો. જો વરસાદ મોડો પડ્યો હોત, તો આ પાણી માંડ એક મહિના સુધી ચાલ્યું હોત. દિલ્હી અને તેની આસપાસનો વિશાળ વિસ્તાર આંશિક રીતે ભૂગર્ભજળ પર આધારિત છે. હવે સત્તાવાર રીતે લગભગ 21 અલગ-અલગ વિસ્તારોમાં ભૂગર્ભજળની સ્થિતિ ગંભીર તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. આ વિસ્તારો આશરે 3.3 કરોડ લોકોને પાણી પૂરું પાડે છે.
હૈદરાબાદમાં ભૂગર્ભજળની સ્થિતિ
સત્તાવાર મૂલ્યાંકન અનુસાર, હૈદરાબાદમાં ભૂગર્ભજળની સ્થિતિ કોઈ પણ મોટા ભારતીય શહેરની સરખામણીમાં સૌથી ખરાબ સ્થિતિઓમાંની એક છે. તેના 26 વહીવટી વિસ્તારોમાં ભૂગર્ભજળનો અતિશય ઉપયોગ થઈ રહ્યો છે અથવા ત્યાં પાણીની સ્થિતિ ગંભીર શ્રેણીમાં છે. નીતિ આયોગના સંયુક્ત જળ વ્યવસ્થાપન સૂચકાંક અને જળશક્તિ મંત્રાલયના ભૂગર્ભજળ સંબંધિત આંકડાઓ પર આધારિત મૂલ્યાંકનો મુજબ, ભારતનાં ઓછામાં ઓછાં 21 મોટાં શહેરોમાં ભૂગર્ભજળનું સ્તર જોખમી રીતે નીચું હોવાનું જણાયું છે.
ભારત પાસે પાણીની અછત કેમ સર્જાઈ રહી છે?
આ સમગ્ર સમસ્યાનો સૌથી અસ્વસ્થ કરનારો પાસો એ છે કે ભારત એક દેશ તરીકે રણપ્રદેશ જેવા દેશની જેમ કુદરતી રીતે પાણીની અછત ધરાવતો દેશ નથી. મોટાભાગનાં વર્ષોમાં અહીં સારો ચોમાસાનો વરસાદ પડે છે. આ સંકટનું મુખ્ય કારણ આકાશમાંથી કેટલો વરસાદ પડે છે તે નથી. પરંતુ વરસાદ પડ્યા પછી એ પાણીનું શું થાય છે અને શહેરોએ પાણીને સંગ્રહિત કરવાની, જમીનમાં ઉતારવાની અને ફરીથી ઉપયોગમાં લેવાની વ્યવસ્થાઓની કેટલી અવગણના કરી છે, તે છે.
બેંગલુરુનાં તળાવો કેવી રીતે ગુમ થયાં?
જરા વિચારો કે બેંગલુરુનાં તળાવો સાથે ખરેખર શું થયું. આ તળાવો માત્ર દુષ્કાળને કારણે ગુમ થયાં નથી. એપાર્ટમેન્ટ્સ, ટેક પાર્ક્સ અને રસ્તાઓ બનાવવા માટે ઘણી જગ્યાએ તળાવો પૂરી દેવામાં આવ્યાં હતાં. શહેરની વસ્તી અને રિયલ એસ્ટેટનો વિસ્તાર એટલી ઝડપથી વધ્યો કે જમીનની નીચે રહેલા પાણીના સ્રોતોનું પૂરતું આયોજન જ થઈ શક્યું નહીં. તળાવ માત્ર સપાટી પર પાણીનો સંગ્રહ કરતું નથી. તે આસપાસના સમગ્ર વિસ્તારના ભૂગર્ભજળને ફરીથી ભરવામાં પણ મદદ કરે છે.
આશરે 180 તળાવો ગુમાવવાથી માત્ર સપાટી પરનું પાણી જ ઓછું થયું નથી, પરંતુ જમીનની નીચે પાણી ફરીથી ભરવાની કુદરતી વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. આ વ્યવસ્થા પર શહેરની અનેક પેઢીઓથી નિર્ભરતા રહી હતી. જોકે, ઘણા રહેવાસીઓને આ જોડાણની સાચી સમજ ત્યારે પડી, જ્યારે તેમના પોતાના બોરવેલ સૂકાઈ ગયા.
ભૂગર્ભજળ અદૃશ્ય રીતે ખતમ થઈ જાય છે
જળાશયથી વિપરીત, ભૂગર્ભજળનું સંકટ ત્યારે જ નજરે પડે છે, જ્યારે પરિસ્થિતિ ઘણી ગંભીર બની ગઈ હોય. એક પરિવાર વર્ષો સુધી બોરવેલમાંથી પાણી ખેંચતો રહી શકે છે. શરૂઆતમાં કંઈ ખોટું થઈ રહ્યું હોવાનો કોઈ સંકેત પણ મળતો નથી. પરંતુ એક દિવસ એવો આવે છે, જ્યારે પંપમાંથી પાણી આવવાને બદલે માત્ર હવા આવવા લાગે છે. ત્યાં સુધીમાં તે વિસ્તારની જમીનની નીચે રહેલો જળભંડાર દાયકાઓથી થઈ રહેલા અતિશય પાણીના ઉપસાને કારણે ખાલી થઈ ગયો હોઈ શકે છે. જો તે ફરી ભરાય પણ, તો તેમાં દાયકાઓ લાગી શકે છે.
પાણીની અછત હવે પરિવારોના બજેટને પણ અસર કરે છે
બેંગલુરુના એક એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારની કલ્પના કરો. ઘરની એક મહિલા હવે પાણીના ખર્ચનું આયોજન પણ વીજળીના બિલની જેમ કરે છે. તે પાણીનાં ટેન્કર ક્યારે આવશે તેની તપાસ કરે છે, પાણીના ખર્ચની વહેંચણી અંગે બિલ્ડિંગના સંચાલકો સાથે વાત કરે છે અને પાણીની અછતવાળા અઠવાડિયામાં નહાવા માટે પણ પાણીનો વપરાશ ઘટાડે છે. એક પેઢી પહેલાં શહેરી ભારતના સામાન્ય જીવનમાં આવી સ્થિતિ જોવા મળતી નહોતી. પરંતુ હવે માત્ર એક દાયકાની અંદર જ કેટલાક વિસ્તારોમાં આ દૈનિક જીવનનો હિસ્સો બની ગઈ છે.
પાણીની અછત આરોગ્ય માટે પણ જોખમી
પાણીની અછરની અસરો માત્ર અસુવિધા પૂરતી મર્યાદિત નથી. તેની અસર લોકોના આરોગ્ય પર પણ પડે છે. અંદાજ મુજબ, ભારતમાં દર વર્ષે આશરે બે લાખ લોકો દૂષિત પાણી સાથે સંકળાયેલા રોગોને કારણે મૃત્યુ પામે છે. તેમાં ટાઇફોઇડ, કમળો અને પાણીથી ફેલાતા અન્ય અનેક ચેપનો સમાવેશ થાય છે. જ્યારે સ્વચ્છ પાણીની અછત સર્જાય છે, ત્યારે લોકો ઓછા વિશ્વસનીય સ્રોતોમાંથી પાણી મેળવવા મજબૂર બને છે. આવી સ્થિતિમાં પાણીજન્ય રોગો ફેલાવાનું જોખમ વધી શકે છે.
શું ભારતીય શહેરો ફરી પાણીથી સમૃદ્ધ બની શકે છે?
આનો અર્થ એવો નથી કે ભારતીય શહેરો હંમેશાં માટે પાણીની અછતનો સામનો કરવા જ અભિશપ્ત છે. આજે જળસંકટનો સામનો કરી રહેલાં કેટલાંક શહેરોએ એ પણ દર્શાવ્યું છે કે યોગ્ય પગલાં લેવાય તો પરિસ્થિતિ સુધારી શકાય છે.
- તળાવોનું પુનર્જીવન: તળાવોને પુનઃજીવિત કરવાના પ્રોજેક્ટ્સ દ્વારા બેંગલુરુમાં પાણીના કેટલાક જૂના સ્રોતોને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે.
- વરસાદી પાણીનો સંગ્રહ: અનેક રાજ્યોમાં નવી ઇમારતો માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા કાયદેસર રીતે ફરજિયાત છે. જોકે, આ વ્યવસ્થા યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવે અને તેની જાળવણી કરવામાં આવે ત્યારે જ અસરકારક સાબિત થાય છે.
- પાણીના નવા સ્રોતો: 2019માં ગંભીર જળસંકટનો સામનો કરી ચૂકેલા ચેન્નાઈએ ત્યારબાદ નવા જળાશયો, દરિયાના પાણીને પીવાલાયક બનાવવાની પ્રક્રિયા અને ભૂગર્ભજળના કડક નિયમો જેવા વિવિધ પગલાં દ્વારા પાણીની સ્થિતિમાં અમુક અંશે સુધારો કર્યો છે. જોકે, ત્યાં પાણીનું સંકટ સંપૂર્ણપણે દૂર થયું નથી.
આ તમામ ઉપાયોમાં એક બાબત સમાન છે. તે એવા નિર્ણયો પર આધારિત છે, જે સંકટ દેખાય તેનાં વર્ષો પહેલાં લેવા જરૂરી હોય છે. ક્યાં બાંધકામ કરવું, બોરવેલ દ્વારા કાયદેસર રીતે કેટલું ભૂગર્ભજળ ખેંચી શકાય અને કોઈ તળાવનું સંરક્ષણ કરવું કે સમયસર તેને પૂરી દેવું, આવા નિર્ણયો શહેરોના ભવિષ્યમાં પાણીની ઉપલબ્ધતા નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
તમારા શહેરમાં પાણીનું સ્તર વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે?
સામાન્ય નાગરિક માટે સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ નથી કે શું આવતીકાલે જ તેના શહેરમાં પાણી ખૂટી જશે. મોટાભાગનાં શહેરોમાં આવું એકસાથે થવાની શક્યતા ઓછી છે. વધુ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે છેલ્લા એક દાયકામાં તમારા શહેરમાં ભૂગર્ભજળનું સ્તર વધ્યું છે કે ઘટ્યું છે? અને શું સ્થાનિક સરકારમાં કોઈને આ સ્થિતિ માટે જવાબદાર ઠેરવવામાં આવે છે? પાણીનું સ્તર સુધરે કે ઘટે, બંને સ્થિતિમાં જવાબદારી નક્કી થવી જોઈએ. પાણીનું સંકટ માત્ર કુદરતી સમસ્યા નથી. તે આયોજન, સંચાલન અને જવાબદારી સાથે પણ જોડાયેલું છે. આજે યોગ્ય નિર્ણયો લેવામાં આવે, તો આવતીકાલે પાણીની અછતને વધુ ગંભીર બનતી અટકાવી શકાય છે.
સ્રોત: નીતિ આયોગનો સંયુક્ત જળ વ્યવસ્થાપન સૂચકાંક; જળશક્તિ મંત્રાલયનું ગતિશીલ ભૂગર્ભજળ સંસાધન મૂલ્યાંકન અને સંબંધિત ભૂગર્ભજળ વર્ગીકરણના આંકડા; તેમજ બેંગલુરુ, મુંબઈ, દિલ્હી-એનસીઆર અને હૈદરાબાદમાં શહેરી જળસંકટ અંગે સત્તાવાર ભૂગર્ભજળ અને જળાશયના આંકડાઓ પર આધારિત અહેવાલો.