અયોધ્યામાં આજે PM મોદી કરશે શ્રી રામને રાજતિલક, દીપોત્સવનો બનશે વર્લ્ડ રેકોર્ડ
રામનગરીનો છઠ્ઠો દીપોત્સવ આ વખતે નવા રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે. પહેલીવાર વડાપ્રધાન મોદી આ વિશ્વ વિક્રમના સાક્ષી બનશે. હાલ 18 લાખ દીવા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.

ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં (Ayodhya) દિવાળીની ઉજવણીના ભાગરૂપે આજે (રવિવારે) ભવ્ય દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન કુલ 18 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. સમારોહ દરમિયાન આતશબાજી, લેસર શો અને રામલીલાનું પણ આયોજન કરવામાં આવશે. અયોધ્યામાં આ છઠ્ઠી વખત છે જ્યારે દીપોત્સવની (Deepotsav) ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે આ વિશ્વ વિક્રમરૂપ કાર્યક્રમમાં પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) વ્યક્તિગત રીતે ભાગ લઈ રહ્યાં છે.
અયોધ્યાના ડિવિઝનલ કમિશનર નવદીપ રિનવાએ જણાવ્યું કે રામ કી પૌડીમાં 22,000થી વધુ સ્વયંસેવકો દ્વારા 15 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે, બાકીના દીવાઓ મહત્વપૂર્ણ ચાર રસ્તા, ચોક સહીતના સ્થળોએ પ્રગટાવવામાં આવશે. ડિવિઝનલ કમિશનરે જણાવ્યું હતું કે, દિવા પ્રગટાવવા ઉપરાંત, લેસર શો, 3ડી પ્રોજેક્શન મેપિંગ, ફટાકડા અને અન્ય દેશો અને રાજ્યોની સાંસ્કૃતિક ટીમો પણ રામલીલાનું આયોજન કરાશે.
અનેક દેશોના રાજદૂતો સામેલ થશે
ખરેખર રામનગરી અયોધ્યાના છઠ્ઠો દીપોત્સવ આ વખતે નવા વિશ્વ રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે. પહેલીવાર વડાપ્રધાન મોદી આના સાક્ષી બનશે, તો 18 લાખ દીવા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. ઘણા દેશોના રાજદૂતો સાથે લગભગ 10 હજાર લોકો આના સાક્ષી બનશે. શ્રી રામના રાજ્યાભિષેક દરમિયાન, હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા થશે અને તેમની સ્તુતિ ગુંજશે.
લાલ-ગુલાબી ડ્રેસ પહેરશે રામલલા
રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે ‘આજે રવિવાર હોવાથી રામ લલ્લા લાલ-ગુલાબી રંગના વસ્ત્રો પહેરેલા જોવા મળશે. ભગવાન રામ અને તેમના ભાઈઓ માટે નવા વસ્ત્રો સિલાઈ કરવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે આ કાર્યક્રમે દેશ-વિદેશમાં પણ પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો છે. સત્યેન્દ્ર દાસે કહ્યું કે દર વર્ષે ઉત્સવની ભવ્યતા વધી છે અને વિસ્તરી છે. મને આશા છે કે આ પરંપરા આવનારા વર્ષોમાં પણ ચાલુ રહેશે.
પુષ્પક વિમાનમાંથી ઉતરશે રામ-લક્ષ્મણ-સીતા
અયોધ્યાના રામકથા પાર્કને રાજભવનની જેમ શણગારવામાં આવ્યો છે. આજે સાંજે ભગવાન શ્રી રામ અને માતા સીતા અને ત્રણેય ભાઈઓ પુષ્પક વિમાન હેલિકોપ્ટરમાં અહીં ઉતરશે ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે તેમનું સ્વાગત કરશે. આ પછી શ્રી રામનો રાજ્યાભિષેક થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો રાજ્યાભિષેક કરીને આરતી કરશે.
સરયુ પુલ પર પર્યાવરણને અનુકુળ ફટાકડા ફોડાશે
આ સિવાય સરયૂ બ્રિજ પર લગભગ 20 મિનિટ સુધી આતશબાજી કરવામાં આવશે. પીએમ મોદી, સીએમ યોગી સરયૂના કિનારે બનેલા વિશેષ મંચ પરથી આતશબાજી નિહાળશે. પુલ અને ઘાટને ફૂલોથી શણગારવામાં આવ્યા છે.
વડાપ્રધાન મહા આરતી કરશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન અયોધ્યામાં 3 કલાક 20 મિનિટ રોકાશે. આ દરમિયાન તેઓ રામલલાની પૂજા-અર્ચના કરશે. આ સાથે તેઓ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનું પણ નિરીક્ષણ કરશે. ભગવાન શ્રી રામના સ્વરૂપના રાજ્યાભિષેકનો સમય સાંજે 6.10 નક્કી કરવામાં આવ્યો છે. આ પછી, સરયુ કાંઠે આરતીમાં હાજરી આપશે અને પછી રામ કી પૈડીમાં દીપોત્સવમાં જશે. અયોધ્યામાં આ પહેલો પ્રસંગ છે, જ્યારે વિશ્વના આઠ દેશોની રામલીલાનું મંચન થશે. દેશ-વિદેશના 1800 થી વધુ લોક કલાકારો દીપોત્સવની શોભા વધારશે.
ગીનીસ બુક ઓફ રેકોર્ડની ટીમ હાજર રહેશે
અયોધ્યામાં રામના ચરણોમાં દીવા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ માટે દીપોત્સવ દરમિયાન ગિનિસ બુક ઓફ રેકોર્ડની ટીમ પણ હાજર રહેશે. રેકોર્ડ બનાવવા માટે, આ બધા દિવાઓને 5 મિનિટ સુધી સતત પ્રગટાવેલા રાખવા જરૂરી છે. ઉપરાંત, તમામ દિવા 40 મિનિટની અંદર પ્રગટાવવાના રહેશે.
દિવ્ય દીપોત્સવ માટે અયોધ્યા તૈયાર
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શુક્રવારે એક ટ્વિટમાં કહ્યું હતું કે ‘શ્રી અયોધ્યાજી ભવ્ય અને દિવ્ય દીપોત્સવ માટે તૈયાર છે – તમારું બધાનું સ્વાગત છે. જયશ્રી રામ. આદિત્યનાથે ટ્વીટમાં ‘દીપોત્સવ’ અયોધ્યા 2022નો નવો લોગો પણ શેર કર્યો છે.