
અલ નીનોની અસર વચ્ચે, ભારતમાં આ ચોમાસાની ઋતુમાં, ગઈકાલ મંગળવારને 23 જૂન સુધીમાં 42 % વરસાદની ખાધ નોંધાઈ છે. તેના પ્રતિભાવમાં, સરકારે ખરીફ પાકોને સુરક્ષિત રાખવા માટે કટોકટીના પગલાં ઝડપી બનાવ્યા છે. ઓછા વરસાદ અને સિંચાઈની અછતનો સામનો કરી રહેલા 315 જિલ્લાઓને અલગ તારવવામાં આવ્યા છે. રાજ્ય સરકારોને જિલ્લાઓમાં વિશિષ્ટ કાર્ય યોજનાઓ તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે. કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે, ગઈકાલ મંગળવારે 23મી જૂનના રોજ નબળા ચોમાસાને પહોંચી વળવા માટે સરકાર દ્વારા કરાયેલ તૈયારીઓની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય કૃષિ પ્રધાને કૃષિ ઉત્પાદન પરની અસર ઘટાડવા માટે જળ સંરક્ષણ, પાક વૈવિધ્યકરણ અને વૈજ્ઞાનિક વાવણી પદ્ધતિઓ પર ભાર મૂક્યો હતો. અલ નીનો અને બદલાયેલ હવામાન પેટર્ન આ વર્ષના ચોમાસામાં સરેરાશ કરતા ઓછા વરસાદ અને ખરીફ પાકના ઉત્પાદનમાં ઘટાડા થવાની ભીતિ વર્તાઈ રહી છે.
સરકારે 2026 ખરીફ સિઝન માટે આશરે 176 મિલિયન ટનનો ખાદ્ય અનાજ ઉત્પાદન લક્ષ્યાંક નક્કી કર્યો છે. જે પાછલા વર્ષની ખરીફ સિઝનના ઉત્પાદન સાથે મેળ ખાય છે. વરસાદની ખાધ હોવા છતાં, 22 જૂન સુધીમાં 11.99 મિલિયન હેક્ટરમાં વાવણી પૂર્ણ થઈ ગઈ હતી. જે એક વર્ષ પહેલા નોંધાયેલા 11.79 મિલિયન હેક્ટર કરતા થોડી વધારે છે. કેન્દ્રીય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે નોંધ્યું કે, સોયાબીનનું વાવેતર પાછળ રહી રહ્યું છે.
કૃષિ મંત્રાલય અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) એ વરસાદની પેટર્ન, સિંચાઈ સુવિધાઓ અને સ્થાનિક હવામાન પરિસ્થિતિઓ પર વૈજ્ઞાનિક ડેટાનો ઉપયોગ કરીને સંવેદનશીલ, ઓછા વરસાદવાળા જિલ્લાઓને ઓળખવા માટે સહયોગ કર્યો છે. 315 જિલ્લાઓને ત્રણ જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે
વરસાદની ભારે ઘટ ધરાવતા 315 જિલ્લાઓમાંથી, 111ને ‘ઉચ્ચ પ્રાથમિકતા’ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આ એવા જિલ્લાઓ છે કે જ્યાં સિંચાઈની સવલત 25 ટકાથી ઓછી છે. 76 જિલ્લાઓ ‘મધ્યમ પ્રાથમિકતા’ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે, જેમાં સિંચાઈ કવરેજ 25 થી 50 ટકાની વચ્ચે છે.
દરમિયાન, જળાશયો અને અન્ય જળ સંસ્થાઓમાંથી સારી સિંચાઈ સુવિધાઓને કારણે 128 જિલ્લાઓ પ્રમાણમાં ઓછા સંવેદનશીલ માનવામાં આવે છે. આમાંના મોટાભાગના જિલ્લાઓ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, બિહાર, ઝારખંડ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં આવેલા છે. સંભવિત વરસાદની ખાધને પહોંચી વળવા માટે, ICAR એ જિલ્લા-સ્તરીય આકસ્મિક યોજનાઓ ઘડી છે. આ યોજનાઓ વરસાદ આધારિત વિસ્તારોમાં આવકના નુકસાનને ઘટાડવા માટે વૈકલ્પિક પાકોની પસંદગી અને સુધારેલા વાવણી સમયપત્રકની ભલામણ કરે છે.