India’s Diplomatic Venue : એવુ તો શું છે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં કે, PM મોદી વિદેશી મહેમાનોને ત્યાં જ મળે છે.. !

નવી દિલ્હીમાં આવેલું હૈદરાબાદ હાઉસ ભારતના રાજદ્વારી સંબંધોનું હૃદય છે. વડા પ્રધાનની વિદેશી મહાનુભાવો સાથેની ઉચ્ચસ્તરીય બેઠકોનું આ સૌથી પસંદગીનું સ્થળ છે.

Indias Diplomatic Venue : એવુ તો શું છે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં કે, PM મોદી વિદેશી મહેમાનોને ત્યાં જ મળે છે.. !
| Updated on: Dec 04, 2025 | 7:03 PM

વિદેશી મહાનુભાવો સાથે ભારતનાં વડા પ્રધાનની ઉચ્ચસ્તરીય મિટિંગો માટે સૌથી પસંદગીનું સ્થાન છે. હૈદરાબાદ હાઉસ, નવી દિલ્હી. માત્ર આજના સમયમાં જ નહીં, આ ઈમારતે સ્વતંત્ર ભારતના લગભગ તમામ વડા પ્રધાનોના કેટલાક નિર્ણયો અને ઐતિહાસિક મુલાકાતોની સાક્ષી રહી છે.

પુતિનની ભારત મુલાકાત: હૈદરાબાદ હાઉસ ફરી કેન્દ્રબિંદુ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુંતિન લગભગ 30 કલાકના ભારત પ્રવાસ પર આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ 25 જેટલા દ્વિપક્ષીય કરારો પર સહી કરી શકે છે. શેડ્યૂલ મુજબ 5 ડિસેમ્બરના રોજ સવારે 11:50 વાગ્યે તેઓ હૈદરાબાદ હાઉસમાં PM મોદી સાથે 23મા ભારત–રશિયા સમિટમાં જોડાશે.

પુતિન પહેલો નેતા નથી જેને PM મોદી હૈદરાબાદ હાઉસમાં મળવાના છે. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પથી લઈ જાપાન, ફ્રાન્સ, UK, UAE અને અનેક રાષ્ટ્રોના વડાઓ સાથેની ખાસ મિટિંગો અહીં યોજાઈ છે.

હૈદરાબાદ હાઉસને ખાસ કેમ માનવામાં આવે છે?

આ ઈમારત માત્ર ભવ્યતા માટે નહીં, તેના ઐતિહાસિક મહત્ત્વ અને પ્રતિષ્ઠાને કારણે મહત્વ ધરાવે છે. આજના સમયમાં હૈદરાબાદ હાઉસને ભારતની કૂટનીતિનું પ્રતિક માનવામાં આવે છે, જ્યાં,

  • આંતરરાષ્ટ્રીય કરારો પર સહી થાય છે
  • મહત્ત્વપૂર્ણ વ્યૂહરચનાઓ બને છે
  • સૌથી ઊચ્ચ સ્તરની મુલાકાતો યોજાય છે

પણ આજ જે ઈમારત વૈશ્વિક મહેમાનોનું સ્વાગત કરે છે, તે એક વખત નિજામના ખાનગી નિવાસ માટે તૈયાર કરવામાં આવી હતી.

‘ચેમ્બર ઓફ પ્રિન્સેસ’ અને હૈદરાબાદ હાઉસની સ્ટોરી

આઝાદી પહેલા દેશમાં લગભગ 560 રિયાસતો હતી. તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા 1920માં ચેમ્બર ઓફ પ્રિન્સેસની સ્થાપના થઈ હતી. બેઠક માટે રજવાડાના રાજાઓ દિલ્હી આવતા ત્યારે રહેવા યોગ્ય સ્થળ ન હોવાથી ભારે ખર્ચ થતાં.

આ અસુવિધા પછી હૈદરાબાદના નિઝામ મીર ઉસ્માન અલી ખાને દિલ્હી ખાતે એક સ્થાયી નિવાસસ્થાન બનાવવા નિર્ણય લીધો — અને ત્યાંથી હૈદરાબાદ હાઉસની રચનાની શરૂઆત થઈ.

લૂટિયન્સની ડિઝાઇન, બટરફ્લાય શેફવાળું રાજકિય મકાન

નિર્માણની જવાબદારી આપવામાં આવી વિશ્વપ્રસિદ્ધ આર્કિટેક્ટ એડવિન લૂટિયન્સને, જેમણે રાષ્ટ્રપતિભવન, નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક બનાવ્યું છે. તેમણે હૈદરાબાદ હાઉસને બટરફ્લાય આકારમાં ડિઝાઇન કર્યું, જેમાં યુરોપિયન અને મુગલ સ્ટાઇલનું સુંદર સંયોજન જોવા મળે છે.

50 લાખનું નિર્માણ, દુનિયાભરમાંથી મંગાવાયેલ સામાન

તે સમયના 50 લાખ રૂપિયાની કલ્પના પણ મોટી ગણાતી. તેના નિર્માણ માટે

  • બર્માથી ટીક વુડ
  • ન્યુયોર્કથી ઇલેક્ટ્રિકલ ફિટિંગ્સ
  • યુરોપથી ફર્નિચર અને ક્રિસ્ટલ ઝૂમર
  • ઇરાક–તુર્કી–અફઘાનિસ્તાનથી કાર્પેટ મંગાવવામાં આવ્યા હતા.

ડાઇનિંગ હોલ એટલો વિશાળ બનાવાયો કે એક સાથે 500 મહેમાનો ભોજન કરી શકે અને ખાસ ચાંદીના વાસણો તૈયાર કરાવવામાં આવ્યા.

1928માં નિર્માણ પુરુ થયા બાદ નિઝામ નિરાશ

ઈમારત પૂરું થતાં 1928માં જ્યારે નિઝામ પ્રથમવાર હૈદરાબાદ હાઉસ જોવા આવ્યા, ત્યારે તેઓ આશ્ચર્યજનક રીતે તેંથી ખુશ નહોતા. તેમને લાગ્યું કે ઈમારત યુરોપની સીધી નકલ જેવું લાગી રહી હતી.

આઝાદી બાદ માલિકીમાં મોટો ફેરફાર

ભારતની આઝાદી પછી રિયાસતોનો દેશ સાથે વિલીન થયો અને હૈદરાબાદ હાઉસ ભારત સરકારના નિયંત્રણમાં આવી ગયું.
1954માં વિદેશમંત્રાલયે તેને સત્તાકીય રીતે સંભાળી લીધું અને બાદમાં એક કરાર પછી ઈમારત સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકારની માલિકીમાં આવી ગઈ.

આજે હૈદરાબાદ હાઉસ શેનું પ્રતિક છે?

આજે આ ઈમારત, ભારતની આધુનિક કૂટનીતિ ઐતિહાસિક શાહી સંસ્કૃતિ, લૂટિયન્સના આર્કિટેકચર અને વૈશ્વિક સન્માનનુ સર્વોત્તમ પ્રતિનિધિત્વ કરે છે.

વિદેશી રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાન જ્યારે હૈદરાબાદ હાઉસમાં પ્રવેશે છે, તેઓ માત્ર કોઈ બેઠકમાં નહીં, પરંતુ ભારતના ઈતિહાસ, સંસ્કૃતિ – રાજકીય પરિવર્તન અને આજના વૈશ્વિક પ્રભાવની વારસામાં પ્રવેશ કરે છે.

Published On - 7:03 pm, Thu, 4 December 25