Weather Updates: દેશમાં વરસાદને કારણે વાતાવરણમાં ફેરફાર, ઓરેન્જ એલર્ટ કરાયું જાહેર, જાણો ક્યાં સુધી રહેશે આ હવામાન?
મે મહિનાની આ સિઝનમાં દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં લોકો ગુલાબી ઠંડીનો આનંદ માણી રહ્યા છે. ગયા વર્ષની વાત કરીએ તો આ સમયે લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા હતા.

દેશની રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યોમાં હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ભારે વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. મે મહિનાની આ સિઝનમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે, ત્યારે ફરી એકવાર હવામાનમાં પલટો આવતા લોકો ગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.
IMD અનુસાર, દિલ્હી NCR, હરિયાણા-પંજાબમાં તાપમાન સામાન્ય કરતાં 9-10 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. આગામી 2 દિવસ સુધી તાપમાન આવું જ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 વર્ષ પહેલા 2015માં મે મહિનાના દિવસોમાં આટલું તાપમાન હતું.
ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બેથી ત્રણ દિવસ વરસાદ ઓછો પડવાની આગાહી કરવામાં આવી છે. જે પછી 4થી 5 મેના રોજ વધુ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદી માહોલ રહેશે. જામનગર, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે
દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ સક્રિય થતાં કમોસમી વરસાદ વરસશે. આગામી ત્રણ દિવસ બાદ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. છેલ્લા બે મહિનામાં સાત વખત માવઠાનો માર ખેડૂતોએ સહન કરવો પડ્યો છે. ત્યારે વધુ એક વખત ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ ચાલુ રહેશે
જો આવનારા 2 દિવસની વાત કરીએ તો તાપમાન આમ જ રહેશે, ત્યારબાદ તાપમાન 3-5 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. IMD અનુસાર, આગામી ત્રણ દિવસમાં સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ ચાલુ રહેશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં ભારે વરસાદ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે હરિયાણા અને પંજાબમાં ભારે વરસાદની સંભાવના છે.
#WATCH | Due to Western disturbances a three-day orange alert for rainfall has been issued for almost the entirety of North India. Rainfall in Delhi too will continue for the next three days: Dr Naresh Kumar, IMD’s Senior Scientist pic.twitter.com/zZHx9Llsr4
— ANI (@ANI) May 1, 2023
હવામાન વિભાગે જાહેર કર્યું છે ઓરેન્જ એલર્ટ
દિલ્હીમાં આગામી 3 દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે, હવામાન વિભાગે આ અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદના જોરદાર પવનને કારણે વાતાવરણમાં ફરી એકવાર ઠંડક પ્રસરી ગઈ છે. જ્યાં મે માસમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે ત્યાં આ મહિનામાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. IMDએ જણાવ્યું કે આગામી ત્રણ દિવસ પણ હવામાન આવું જ રહેશે.
આગામી 4 દિવસમાં હવામાન આવુ રહેશે
જ્યારે 3 મેના રોજ જોરદાર વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. જ્યારે 4 અને 5 મેના રોજ આકાશ વાદળછાયું રહેશે અને હળવો વરસાદ પડશે, જ્યારે 6 અને 7 મેના રોજ ઘણા રાજ્યોમાં હળવો વરસાદ પડી શકે છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. જ્યારે બિહાર, મધ્યપ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદ થયો છે, જેના પછી આ ઉનાળાની ઋતુમાં એકવાર ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…