GOA : 21 નવેમ્બરે પણજી ખાતે “સદાકાળ ગુજરાત કાર્યક્રમ” યોજાશે, હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘઘાટન થશે
કાર્યક્રમ અંતર્ગત તા.21/11/2021 ના રોજ સવારે 11 કલાકે કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે. ત્યારબાદ સ્થાનિક બિન-નિવાસી ગુજરાતીના યુવા ભાઇ-બહેનો તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે અને બપોર પછીના સેશનમાં જૂથ ચર્ચાનું આયોજન કરાયું છે.
ગુજરાત સરકાર દ્વારા અન્ય રાજ્યોમાં વસતાં બિન નિવાસી ગુજરાતીઓ સાથે જીવંત સંપર્ક જાળવવા, તેઓની નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડવાના આશયથી, જે તે શહેરમાં કે જ્યાં બિન નિવાસી ગુજરાતીઓની સંખ્યા વધારે હોય ત્યાં પોતાના વતનનો અહેસાસ કરાવવાનાં હેતુથી “સદાકાળ ગુજરાત” કાર્યક્રમ યોજવામાં આવે છે. જેના ભાગરૂપે આગામી તા.૨૧/૧૧/૨૦૨૧ ના રોજ ગોવાના પણજી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમ બિન નિવાસી પ્રભાગની યાદીમાં જણાવાયુ છે.
પણજી ખાતે યોજાનાર સદાકાળ ગુજરાત કાર્યક્રમનું ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત અને રાજયના ગૃહ રાજય અને બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ મંત્રી હર્ષસંઘવી ઉદધાટન કરશે. આ પ્રસંગે ગોવાના ભાજપ પ્રમુખ, ગોવાના એન.આર.આઇ. કમિશનના ચેરમેન,પણજીના ધારાસભ્ય અને પણજી નગર નિગમના મેયર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ અંતર્ગત તા.૨૧/૧૧/૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે. ત્યારબાદ સ્થાનિક બિન-નિવાસી ગુજરાતીના યુવા ભાઇ-બહેનો તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે અને બપોર પછીના સેશનમાં જૂથ ચર્ચાનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાત રાજ્યમાંથી આમંત્રિત કચ્છ, અમરેલી અને અમદાવાદ જિલ્લાના અગ્રણી ઉપસ્થિત રહી વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરશે.
આ કાર્યક્રમમાં ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવાના જુદા જુદા ૦૯ (નવ) શહેરોના આમંત્રિત બિન-નિવાસી ગુજરાતીઓ ઉપસ્થિત રહેશે. કોવિડ-૧૯ ને કારણે છેલ્લા બે વર્ષથી સદાકાળ ગુજરાત કાર્યક્રમનું આયોજન થઇ શક્યું ન હતું અને સરકાર દ્વારા કાર્યક્રમ કરવાની વિચારણા ચાલતી હતી, જે પડતર હતી. હવે સમય સંજોગો અનુકૂળ થતાં, આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારની કામગીરી અને સિદ્ધિ અને અદ્યતન વિકાસ અંગેની શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવશે. અને ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા વિસ્તારના બિન-નિવાસી ગુજરાતી કે જેઓ દ્વારા ગોવા રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરી હોય કે સમાજ સેવાલક્ષી કામગીરી કરી હોય તેવા છ મહાનુભાવોનું સન્માન કરાશે.
ગોવા ખાતેનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજયના ગૃહ રાજય મંત્રી તે જ દિવસે સાંજે ૭:૩૦ કલાકે કોરોના કાળમાં અને વર્ષ ૨૦૨૧માં સુરત પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માટે સુરત શહેર પોલીસ તરફથી અલંકરણ સમારોહના આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને સુરત પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી. આર. પાટીલ સમારંભના પ્રમુખ તરીકે ઉપસ્થિત રહેશે.