ગુવાહાટી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, પીએમ મોદીએ કહ્યું- સખત મહેનત માટે દરેક કાર્યકર્તાનો આભાર
અહીંના 60 વોર્ડમાંથી ભાજપ (BJP) અને તેના સહયોગી અસમ ગણ પરિષદે મળીને 58 વોર્ડ જીત્યા છે. આ સિવાય આમ આદમી પાર્ટીએ પણ અહીં ખાતું ખોલાવ્યું છે અને એક સીટ કબજે કરી છે.
આસામના ગુવાહાટી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં (Guwahati Municipal Corporation Election) ભારતીય જનતા પાર્ટીની બમ્પર જીત થઈ છે. અહીંના 60 વોર્ડમાંથી ભાજપ અને તેના સહયોગી અસમ ગણ પરિષદે મળીને 58 વોર્ડ જીત્યા છે. આ સિવાય આમ આદમી પાર્ટીએ પણ અહીં ખાતું ખોલાવ્યું છે અને એક સીટ કબજે કરી છે. આ સાથે અસમ જાતીય પરિષદ (AJP)એ પણ 1 વોર્ડ પર જીત મેળવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પાર્ટીની આ સફળતાની પ્રશંસા કરી છે અને તેનો શ્રેય રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને આપ્યો છે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, ગુવાહાટીનો ખૂબ ખૂબ આભાર. આ સુંદર શહેરની જનતાએ અમને વિકાસના એજન્ડાને આગળ ધપાવવાનો જનાદેશ આપ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની મહેનતને લોકોએ પણ આશીર્વાદ આપ્યા છે. સખત મહેનત માટે ભાજપના દરેક કાર્યકર્તાનો હું આભાર માનું છું.
ભાજપના ત્રણ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા
જણાવી દઈએ કે શુક્રવારે જીએમસીના 57 વોર્ડ માટે મતદાન થયું હતું, જ્યારે ત્રણ વોર્ડમાં બીજેપીના ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. કામરૂપ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, GMC ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)નો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે અને એકંદરે 52.80 ટકા મતદાન થયું છે. આ ચૂંટણીમાં કુલ 197 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા.
ભાજપે 53 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી ત્રણ બિનહરીફ ચૂંટાયા હતા. આ સિવાય કોંગ્રેસે 54, AAP 38, અસમ રાષ્ટ્રિય પરિષદ 25 અને CPI(M)એ ચાર બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ વખતે કુલ 7,96,829 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પાત્ર હતા જેમાં 3,96,891 પુરૂષો, 3,99,911 મહિલાઓનો સમાવેશ થાય છે.
AAPએ આતિશી માર્લેનાને મેદાનમાં ઉતાર્યા
રાજકીય પક્ષોએ મતદારોને આકર્ષવા માટે તમામ ઘરોમાં પાણી અને અન્ય તમામ મૂળભૂત નાગરિક સુવિધાઓ સાથે પૂર મુક્ત અને ગુના મુક્ત શહેરનું વચન આપ્યું હતું. આમ આદમી પાર્ટીએ મતદારોને આકર્ષવા માટે દિલ્હીના ધારાસભ્ય આતિશી માર્લેનાને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે અસમ રાષ્ટ્ર પરિષદના વડા લુરીનજ્યોતિ ગોગોઈએ પાર્ટીના પ્રચારનું નેતૃત્વ કર્યું હતું.
આ પણ વાંચો : પુડુચેરી પહોંચ્યા અમિત શાહ, કહ્યું- જો તમારે ભારતની આત્માને સમજવી હોય તો શ્રી અરબિંદોને વાંચવા અને સાંભળવા પડશે
આ પણ વાંચો : Lakhimpur Kheri Case: લખીમપુર હિંસાના મુખ્ય આરોપી આશિષ મિશ્રાએ આત્મસમર્પણ કર્યું, સુપ્રીમ કોર્ટે જામીન રદ્દ કર્યા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો