
9મી એપ્રિલથી 29 એપ્રિલ 2026 સુધી 4 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં મતદાન થયું હતું. આ ચૂંટણીનું વિવિધ તબક્કામાં મતદાન યોજાયું હતું. મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર પરિણામ પર છે. પાંચેય રાજ્યોના ચૂંટણી પરિણામો 4 મે 2026ના રોજ જાહેર કરવામાં આવશે.
હિમંતા બિસ્વા સરમાના નામમાં સરમા (Sarma) તેમની અટક તરીકે આવે છે. શર્મા અને સરમા બંને એક જ મૂળ શબ્દમાંથી આવેલા છે. આ શબ્દ સંસ્કૃતના ‘शर्म (શર્મ)’ પરથી આવેલો છે. જેનો અર્થ આનંદ, સુખ, શાંતિ અને સુરક્ષા થાય છે. બંને શબ્દોના અર્થમાં કોઈ તફાવત નથી. ફક્ત તેમના લખાણ અને ઉચ્ચારમાં તફાવત છે. શર્મા ઉત્તર ભારતમાં વધુ ઉપયોગમાં આવે છે અને તેમાં ‘શ’ નો સ્પષ્ટ ઉચ્ચાર થાય છે. જ્યારે સરમા આસામ અને પૂર્વ ભારતના વિસ્તારોમાં વધુ પ્રચલિત છે અને તેમાં ‘સ’ નો ઉચ્ચાર થાય છે. એટલે સરળ રીતે કહીએ તો શર્મા અને સરમા એક જ છે.
મમતા બેનર્જીના નામમાં આવેલું બેનર્જી (Banerjee) મૂળ સંસ્કૃત બંદ્યોપાધ્યાય (Bandyopadhyay) પરથી આવેલું છે. જેનો અર્થ પૂજનીય ગુરુ અથવા માનનીય શિક્ષક હોય છે. સમય સાથે આ લાંબું નામ અંગ્રેજી પ્રભાવ હેઠળ બેનર્જી બની ગયું. ખાસ કરીને બંગાળ વિસ્તારમાં તેનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. આ એક પરંપરાગત બ્રાહ્મણ અટક છે અને પશ્ચિમ બંગાળમાં તે ખૂબ જ પ્રચલિત છે.
પિનરાઈ વિજયન નામમાં આવેલું વિજયન (Vijayan) સંસ્કૃતના વિજય શબ્દ પરથી આવ્યું છે. જેનો અર્થ જીત, સફળતા અથવા વિજય મેળવવો થાય છે. વિજયનનો અર્થ થાય છે વિજયી વ્યક્તિ અથવા જે હંમેશા જીતે છે. આ નામ ખાસ કરીને દક્ષિણ ભારતમાં કેરળ અને તમિલનાડુ જેવા વિસ્તારોમાં પ્રચલિત છે અને ત્યાંની ભાષા પ્રમાણે વિજય થી વિજયન બન્યું છે. પિનરાઈ વિજયન લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે. તેઓ Communist Party of India (Marxist) સાથે જોડાયેલા છે.
એમ. કે. સ્ટાલિનના નામમાં આવેલું સ્ટાલિન (Stalin) સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિની ભારતીય અટક નથી. પરંતુ તે એક વ્યક્તિગત નામ છે. તેમનું નામ સોવિયત નેતા જોસેફ સ્ટાલિન (Joseph Stalin) પરથી રાખવામાં આવ્યું હતું. એમ. કે. સ્ટાલિનનો જન્મ 1953માં થયો હતો. એ જ સમયમાં જોસેફ સ્ટાલિનનું અવસાન થયું હતું. દક્ષિણ ભારતમાં નામ રાખવાની પદ્ધતિ અલગ હોય છે. જ્યાં પિતાનું નામ અને વ્યક્તિનું નામ જ વપરાય છે ત્યા અટક જરૂરી નથી. સ્ટાલિન દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) પાર્ટીના નેતા છે. તેઓ લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે.
એન. રંગસ્વામીના નામમાં આવેલું રંગસ્વામી (Rangaswamy) સામાન્ય રીતે વ્યક્તિનું ફર્સ્ટ નામ હોય છે. રંગસ્વામી અટક નથી. દક્ષિણ ભારતમાં ઘણીવાર લોકો પોતાનું નામ અને પિતાના નામનો જ ઉપયોગ કરે છે. રંગસ્વામી શબ્દ રંગનાથ સ્વામી પરથી આવ્યો છે. જે ભગવાન રંગનાથ સાથે જોડાયેલું છે. તેથી તેનો અર્થ થાય છે ભગવાન રંગનાથના ભક્ત અથવા તેમના આશીર્વાદથી જોડાયેલ વ્યક્તિ.
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
Published On - 2:56 pm, Sun, 3 May 26