પહેલો ડોઝ લીધેલા 11 કરોડ લોકોએ નથી લીધો બીજો ડોઝ, આરોગ્યપ્રધાન માંડવીયાએ ડોર-ટુ-ડોર અભિયાનના નિર્દેશ આપ્યા
Corona Vaccination : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને એવા લાભાર્થીઓને બીજા ડોઝને પ્રાથમિકતા આપવા જણાવ્યું છે જેમણે નિર્ધારિત અંતર સમાપ્ત થયા પછી પણ બીજો ડોઝ લીધો નથી.
DELHI : દેશભરમાં કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ લેનાર 11 કરોડથી વધુ લોકોએ બે ડોઝ વચ્ચેના નિર્ધારિત અંતર પૂરું થયા બાદ પણ બીજો ડોઝ લીધો નથી. સરકારે જાહેર કરેલા આંકડાઓમાં આ વાત સામે આવી છે.આંકડા દર્શાવે છે કે છ અઠવાડિયાથી વધુ સમય થયો હોવા છતાં 3.92 કરોડથી વધુ લાભાર્થીઓએ બીજો ડોઝ લીધો નથી. એ જ રીતે, લગભગ 1.57 કરોડ લોકોએ કોવિશિલ્ડ અથવા કોવેક્સિનનો બીજો ડોઝ ચારથી છ અઠવાડિયામાં લીધો છે અને 15 કરોડથી વધુ લોકોએ બેથી ચાર અઠવાડિયા સુધી મોડેથી ડોઝ લીધા છે. 3.38 કરોડથી વધુ લોકો એવા છે કે જેઓ બીજો ડોઝ લેવામાં બે અઠવાડિયા મોડા છે.
રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્યપ્રધાનો અને પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, બુધવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) ની અધ્યક્ષતામાં આરોગ્ય પ્રધાનો અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યોને એવા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવા કહેવામાં આવ્યું હતું જેમણે નિર્ધારિત સમય પછી પણ બીજો ડોઝ મળ્યો નથી.
કોવિશિલ્ડના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે 12 અઠવાડિયાનું અંતર છે, જ્યારે કોવેક્સિનના બે ડોઝ વચ્ચે ચાર અઠવાડિયાનું અંતર જાળવવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને એવા લાભાર્થીઓને બીજા ડોઝને પ્રાથમિકતા આપવા જણાવ્યું છે જેમણે નિર્ધારિત અંતર સમાપ્ત થયા પછી પણ બીજો ડોઝ લીધો નથી.
મળતી માહિતી અનુસાર, મનસુખ માંડવિયાએ બેઠક દરમિયાન કોવિડ રસીકરણ, વડાપ્રધાનના આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અને ઈમરજન્સી કોવિડ-19 રિસ્પોન્સ પેકેજ અંગે ચર્ચા કરી હતી.
કોઈપણ જિલ્લો સંપૂર્ણ રસીકરણ વિનાનો ન હોવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું. “હર ઘર દસ્તક” રસીકરણ ઝુંબેશ આગામી એક મહિનામાં ઘરે-ઘરે જઈ રસીકરણ માટે નબળું પ્રદર્શન કરતા જિલ્લાઓમાં સંપૂર્ણ રસીકરણ માટે હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : 5000 કિમી રેંજની મારક ક્ષમતાવાળી Agni-5 મિસાઈલનું સફળ પરિક્ષણ, જાણો મિસાઈલની વિશેષતાઓ
આ પણ વાંચો : જળ, જમીન અને પર્યાવરણની રક્ષા સાથે રાસાયણિક ખેતીનો મજબૂત વિકલ્પ છે પ્રાકૃતિક કૃષિ