સંબંધમાં થશે સુધારો? જી20 બેઠક માટે ભારત આવશે ચીનના વિદેશ પ્રધાન કિન ગાંગ
વિદેશ મંત્રાલયે મંગળવારે જાહેરાત કરીને બેઠકમાં ભાગ લેવા માટે કિન ગાંગ આ અઠવાડિયે ભારતનો પ્રવાસ કરશે. કિન ગાંગને તેમના ભારતીય સમકક્ષ એસ. જયશંકરે નિમંત્રણ મોકલ્યુ હતુ.
દિલ્હીમાં 2 માર્ચે યોજાનારી જી20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ચીનના વિદેશ મંત્રી કિન ગાંગ સામેલ થવાના છે. કિન ગાંગની હાજરી વિશે પૂછવા પર પ્રવક્તા માઓ નિંગે કહ્યું ‘જી20ને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મુખ્ય પડકારો પર ધ્યાન કેન્દ્રીત કરવુ જોઈએ. જી20 વિદેશ મંત્રીઓની બેઠક સકારાત્મક સંકેત મોકલે છે, તે સુનિશ્ચિત કરવા માટે ચીન તમામ પક્ષોની સાથે કામ કરવા માટે તૈયાર છે.’
વિદેશ મંત્રાલયે મંગળવારે જાહેરાત કરીને બેઠકમાં ભાગ લેવા માટે કિન ગાંગ આ અઠવાડિયે ભારતનો પ્રવાસ કરશે. કિન ગાંગને તેમના ભારતીય સમકક્ષ એસ. જયશંકરે નિમંત્રણ મોકલ્યુ હતુ. જણાવી દઈએ કે યૂક્રેન સંઘર્ષને લઈ રશિયા અને પશ્ચિમી દેશોની વચ્ચે વધતા ટકરાવની વચ્ચે વૈશ્વિક પડકારો પર ચર્ચા કરવા માટે જી20 દેશોના વિદેશ મંત્રી 1 અને 2 માર્ચે રાષ્ટ્રીય રાજધાનીમાં બેઠક કરશે.
આ દેશોના નેતા પણ થશે બેઠકમાં સામેલ
અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ, ફ્રાન્સથી કેથરીન કોલોના, ચીની વિદેશ મંત્રી કિન ગાંગ, જર્મનીના અન્નાલેના બેયરબોક અને બ્રિટિશ વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલી તે લોકોમાં સામેલ છે, જે ભારતની મેજબાનીવાળી બેઠકમાં ભાગ લેવાના છે.
બેઠકના એજન્ડાની જાણકારી રાખનારા લોકોએ જણાવ્યું કે મહેમાનોનું 1 માર્ચે ભવ્ય સમારોહમાં સ્વાગત કરવામાં આવશે, જ્યારે વિવિધ પડકારો પર મહત્વપૂર્ણ વિચાર-વિમર્શ 2 માર્ચે રાયસીના હિલ્સ સ્થિત રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્રમાં થશે. જી20 દેશના નાણા મંત્રીઓ અને જી20 સભ્ય દેશોના કેન્દ્રીય બેન્કના ગર્વનરોની બેંગ્લોરમાં થયેલી બેઠકના થોડા દિવસ બાદ આ બેઠક થઈ રહી છે. બેંગ્લોરની બેઠકમાં યુક્રેન વિવાદને લઈ પશ્ચિમી શક્તિઓ અને રશિયા-ચીન જોડાણ વચ્ચેના તીવ્ર મતભેદોને કારણે સંયુક્ત નિવેદન જાહેર કરી શકાયું નથી.
બેઠકમાં બહુપક્ષીયવાદ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા અને વિકાસ સહયોગ, આતંકવાદ વિરોધી, નવા અને ઉભરતા જોખમો, વૈશ્વિક કૌશલ્ય મેપિંગ અને માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત પર ચર્ચા થવાની અપેક્ષા છે.
ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ કાર્યક્રમ યોજાશે
ભારતના જી20 હેઠળ વધુ એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે, જેમાં એક ખાસ વિષય પર ચર્ચા થવાની છે. ભારતની G20ના શેરપા અમિતાભ કાંતે આમંત્રણ મોકલ્યુ છે, જેમાં લચીલી અને સમાવેશી અર્થવ્યવસ્થાઓના નિર્માણ પર એક સેશન થશે. સેશનનું નામ ‘ધ પ્રોમિસ ઓફ ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ છે. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને બોલાવવામાં આવ્યા છે. જે કીનોટ સ્પીકર પણ હશે.