Breaking News : હરિદ્વાર પછી હવે બારાબંકીના ઔસનેશ્વર મંદિરમાં ભાગદોડ,2 ભક્તોના મોત, 29 ઘાયલ
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ઔસનેશ્વર મહાદેવ મંદિરમાં અચાનક કરંટ ફેલાઈ ગયો, ત્યારબાદ નાસભાગ મચી ગઈ. તેનાથી ભક્તોમાં ગભરાટ ફેલાયો. લોકો ચીસો પાડીને અહીં-ત્યાં દોડવા લાગ્યા. અકસ્માતની માહિતી મળતાં જ મંદિર પરિસરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો.

હરિદ્વારની દુર્ઘટનાના પડઘા હજુ તો શાંત નથી થયા, ત્યાં ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં પણ આવી જ એક મોટી હોનારત બની છે. હૈદરગઢ વિસ્તારમાં સ્થિત પૌરાણિક ઔસનેશ્વર મહાદેવ મંદિરમાં રવિવારે રાત્રે ઔસનેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણના ત્રીજા સોમવારે જલાભિષેક માટે ભેગા થયેલા ભક્તોની વિશાળ ભીડ વચ્ચે રાત્રે 12 વાગ્યા પછી જલાભિષેક શરૂ થયો હતો. આ દરમિયાન, લગભગ 2 વાગ્યે, મંદિર પરિસરમાં અચાનક કરંટ ફેલાઈ ગયો હતો.
કરંટ ફેલાવાને કારણે નાસભાગ મચી ગઈ. ઘટના દરમિયાન, ભક્તોમાં ગભરાટ ફેલાઈ ગયો. લોકો ચીસો વચ્ચે આમતેમ દોડવા લાગ્યા. અકસ્માતમાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળે છે, જ્યારે 29 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. મંદિર પરિસરમાં સુરક્ષા માટે પોલીસ ફોર્સ પહેલાથી જ હાજર હતી, પરંતુ અકસ્માતની માહિતી મળતા જ ઘટનાસ્થળે ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી.
વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
તમામ ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હૈદરગઢ અને ત્રિવેદીગંજ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર મોકલવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલોને જિલ્લા હોસ્પિટલ બારાબંકીમાં રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ શશાંક ત્રિપાઠી અને પોલીસ અધિક્ષક અર્પિત વિજયવર્ગીય સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ડીએમએ જણાવ્યું હતું કે કેટલાક વાંદરાઓ ઇલેક્ટ્રિક વાયર પર કૂદી પડ્યા હતા, જેના કારણે વાયર તૂટી ગયો હતો અને મંદિર પરિસરના ટીન શેડ પર પડ્યો હતો.
ઘટના બાદ મંદિરની સ્થિતિ સામાન્ય
આના કારણે કરંટ ફેલાયો અને ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે અકસ્માતમાં 29 લોકો ઘાયલ થયા છે, બે લોકોની હાલત ગંભીર હોવાથી તેમને બારાબંકી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ સંભાળી રહ્યા છે. આ ઘટના પછી, ઔસનેશ્વર મહાદેવ મંદિરની સ્થિતિ સામાન્ય છે. ઘટના પછી, મંદિરમાં આવેલા લોકો નિયમિત રીતે દર્શન-પૂજા કરી રહ્યા છે. આ ઘટના કેવી રીતે બની તે અંગે હજુ તપાસ ચાલુ છે.
મનસા દેવી મંદિરમાં ભાગદોડ વીજળી કરંટની અફવાને કારણે થઈ હતી
નોંધનીય છે કે રવિવારે હરિદ્વારના મનસા દેવી મંદિરમાં ભાગદોડ થઈ હતી. આ ભાગદોડમાં આઠ ભક્તોના મોત થયા હતા. તે જ સમયે, ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મનસા દેવી મંદિરમાં આ ભાગદોડ વીજળી કરંટની અફવાને કારણે થઈ હતી. શ્રાવણ નિમિત્તે મંદિરમાં ભક્તોની ભારે ભીડ હતી. આ દરમિયાન, વીજળી કરંટની અફવા ફેલાઈ ગઈ. આ કારણે લોકો પોતાને બચાવવા માટે એકબીજા પર ચઢવા લાગ્યા.
તમને જણાવી દઈએ કે ઔસનેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ છે. મહાદેવની પૂજા કરવા માટે ભક્તો અહીં મોટી સંખ્યામાં પહોંચે છે. પુરાતત્વ વિભાગના જણાવ્યા અનુસાર, આ ઔસનેશ્વર મહાદેવ મંદિર લગભગ 450 વર્ષ જૂનું છે અને અઢી એકર વિસ્તારમાં ફેલાયેલું છે.
