પશ્ચિમ બંગાળના 4 કોર્પોરેશનમાં TMCનો વિજય, 2 કોર્પોરેશનમાં ભાજપ ખાતુ પણ ના ખોલાવી શક્યુ
TMC Won Bengal Municipal Election: તૃણમૂલ કોંગ્રેસે બંગાળમાં ચાર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં જંગી જીત મેળવી છે. પાર્ટીના સુપ્રિમો અને બંગાળના સીએમ મમતા બેનર્જીએ જીત માટે મા, માટી, માનુષને અભિનંદન પાઠવ્યા છે.
પશ્ચિમ બંગાળના બિધાનનગર, સિલિગુડી, ચંદ્રનગર અને આસનસોલ એ ચાર મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં (Bengal Municipal Election Result ) સોમવારે તૃણમૂલ કોંગ્રેસે ભવ્ય જીત મેળવી છે. ચાર મહાનગરપાલિકાની ચૂંટણી પૈકી બે મહાનગરપાલિકામાં તો ભાજપ (BJP) ખાતું પણ ખોલાવી શક્યું નથી. બીજી તરફ સીએમ મમતા બેનર્જીએ (Mamata Banerjee) રાજ્યની જનતા અને મા, માટી, માનુષને જીત માટે અભિનંદન પાઠવ્યા છે.
સિલિગુડી જતા પહેલા સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેઓ જીત માટે આભારી છે અને તેમનો ઉદ્દેશ્ય રાજ્યમાં ઉદ્યોગ અને રોજગાર સર્જન માટે કામ કરવાનો છે. અત્રે ઉલ્લેખનીય કે વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ, પશ્ચિમ બંગાળમાં TMCની જીતનો સિલસિલો યથાવત રહ્યો છે. આગામી 27 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળ રાજ્યની વધુ 108 નગરપાલિકામાં ચૂંટણી યોજાનાર છે. મમતા બેનર્જીએ પાર્ટીના નેતાઓ અને સામાન્ય લોકોને નગરપાલિકાની ચૂંટણી માટે તૈયાર રહેવા સૂચના આપી છે.
TMCએ 41 માંથી 39 બેઠકો જીતીને બિધાનનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પર ફરીથી કબજો જમાવ્યો છે. જ્યારે વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટી અને માર્ક્સવાદી પાર્ટી (CPI-M) અહીં તેમનું ખાતું પણ ખોલી શક્યા નથી. કોંગ્રેસે એક બેઠક અને એક વોર્ડમાં અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો. ચંદનનગર મહાનગરપાલિકામાં ટીએમસીએ 32માંથી 31 બેઠકો જીતી હતી જ્યારે સીપીઆઈ-એમ (CPI-M) એ એક બેઠક જીતી હતી. સીપીઆઈ(એમ)ની આગેવાની હેઠળના ડાબેરી મોરચા પાસેથી સિલીગુડી મ્યુનિસિપલ કોર્પોરેશન (MMC) છીનવીને અહીં 47માંથી 37 બેઠકો જીતીને શાસક પક્ષ માટે આગેકૂચ રહી છે.
ચૂંટણીમાં ભાજપની કારમી હાર
ચૂંટણી પંચના આંકડા મુજબ ભાજપે પાંચ બેઠકો જીતીને વિપક્ષનો દરજ્જો હાંસલ કર્યો છે. જ્યારે ડાબેરી મોરચો ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેને માત્ર ચાર અને કોંગ્રેસને એક બેઠક મળી હતી. સિલીગુડીમાં ટીએમસીને 78.72 ટકા વોટ મળ્યા જ્યારે બીજેપી અને સીપીઆઈ(એમ)ને અનુક્રમે માત્ર 10.64 ટકા અને 8.5 ટકા વોટ મળ્યા. ચારેય મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં જીતથી ઉત્સાહિત, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ જાહેરાત કરી કે પક્ષના નેતા ગૌતમ દેબ SMCના આગામી મેયર હશે. દેબ 3,000 મતોના માર્જિનથી જીત્યા છે. આસનસોલમાં, ટીએમસીએ 106માંથી 66 બેઠકો જીતી છે અને પાંચ વોર્ડમાં આગળ છે, જ્યારે ભાજપે પાંચ બેઠકો અને સીપીઆઈ(એમ) અને કોંગ્રેસે બે-બે બેઠકો જીતી છે. ચાર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે 12 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી જેમાં 953 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું.
જીત બાદ મમતા બેનર્જીએ માન્યો આભાર
મમતા બેનર્જીએ TMC પાર્ટીની “વિશાળ જીત” માટે લોકોનો આભાર માન્યો અને તેને લોકોની જીત ગણાવી. મમતા બેનર્જીએ કહ્યું કે હું લોકોનો આભારી છું. આગામી દિવસોમાં 108 સિવિક બોડીની ચૂંટણી છે. સેવા, સમૃદ્ધિ, માતા-વિદ્યાર્થી-યુવાનોનું સન્માન, તમામ ધર્મો અને સંસ્કૃતિની સમરસતા વચ્ચે તમે જેટલું જીતશો તેટલું જ તમારે નમ્ર બનવું પડશે. લોકોમાં વિશ્વાસ જાળવવો પડશે. મારું લક્ષ્ય ઉદ્યોગ અને રોજગાર સર્જન છે. મહાનગરપાલિકા સામાન્ય લોકોને સેવા આપશે.
આ પણ વાંચોઃ
કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ પર પ્રતિબંધ મુદ્દે સુનાવણી, વકીલે કહ્યું- કેન્દ્રીય વિદ્યાલયમાં મુસ્લિમ મહિલાઓને હિજાબ પહેરવાની છૂટ છે
આ પણ વાંચોઃ