Bihar: નીતિશ કુમાર પર ભાજપના MLA નો કટાક્ષ, કહ્યું- બિહારના લોકોએ તેમને પક્ષ બદલતા જોયા છે
જીવેશ મિશ્રાએ સમસ્તીપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે, બિહારના લોકોએ તેમને ઘણી વખત પક્ષ બદલતા જોયા છે. બિહારના લોકો 2024માં તેનો નિર્ણય કરશે. તેમણે કહ્યું કે 2025માં બિહારમાં તેમની સાથે એક પણ ધારાસભ્ય નહીં હોય.
Patna: બિહારમાં યોજાયેલી વિપક્ષની બેઠક બાદ દેશના રાજકારણમાં હલચલ ચાલી રહી છે. દરરોજ જુદા-જુદા પક્ષના નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. આ ક્રમમાં નીતિશ કુમાર (Nitish Kumar) પર બીજેપી (BJP) ધારાસભ્ય જીવેશ મિશ્રાએ પણ કટાક્ષ કર્યો છે. જીવેશ મિશ્રા કહ્યું કે, નીતિશ કુમારનો કોઈ સ્પષ્ટ ચહેરો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જીવેશ મિશ્રાએ કહ્યું કે તે એવા વ્યક્તિ છે જે સગાઈ ક્યાંક કરે છે અને લગ્ન કોઈ બીજે ક્યાંક કરે છે.
2025માં બિહારમાં તેમની સાથે એક પણ ધારાસભ્ય નહીં હોય
જીવેશ મિશ્રાએ સમસ્તીપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે, બિહારના લોકોએ તેમને ઘણી વખત પક્ષ બદલતા જોયા છે. ફરી એકવાર તેઓ બદલી અને લટકીને સરકાર ચલાવી રહ્યા છે. બિહારના લોકો 2024માં તેનો નિર્ણય કરશે. તેમણે કહ્યું કે 2025માં બિહારમાં તેમની સાથે એક પણ ધારાસભ્ય નહીં હોય.
બિહારમાં પહેલાથી જ 5-6 પાર્ટીઓ એકસાથે હતી
વિપક્ષી એકતાના સવાલ પર નીતીશ સરકારમાં મંત્રી રહી ચુકેલા જીવેશ મિશ્રાએ કહ્યું કે, આ લોકો એક મૂળો તો ઉખાડી શકતા નથી, તેઓ નરેન્દ્ર મોદી જેવા વડને ઉખેડવા નીકળ્યા છે. તેમણે કહ્યું કે કઈ એકતા? બિહારમાં પહેલાથી જ 5-6 પાર્ટીઓ એકસાથે હતી, કેટલાક 5-6 લોકો બહારથી આવ્યા હતા. તેમાં પણ અરવિંદ કેજરીવાલ પહેલા ઉભા થયા અને બાદમાં ચાલ્યા ગયા હતા.
આ પણ વાંચો : મમતા બેનર્જીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, કમર અને પગમાં ઈજા, કોલકત્તામાં કરાશે સારવાર
જીવેશ મિશ્રાએ વધુમા કહ્યું કે મીટિંગ પૂરી થયાના થોડા સમય બાદ કહેવામાં આવ્યું કે અમે અરવિંદ કેજરીવાલને ધ્યાને લેતા નથી. થોડા દિવસો પછી તેઓ કહેશે કે અમે મમતાની નોંધ લેતા નથી. થોડા દિવસ પછી તેઓ કહેશે કે અમે શરદ પવારને પણ ધ્યાને લેતા નથી. ત્યારબાદ છેલ્લે નીતીશ કુમાર એકલા રહી જશે.
ભાજપના વિપક્ષી દળોની એકતા પર પ્રહાર
બિહારમાં યોજાયેલી વિપક્ષી એકતાની બેઠકમાં રાહુલ ગાંધી, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, અખિલી યાદવ, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, ઝારખંડના CM હેમંત સોરેન અને અનેક ભાજપ વિરોધી પાર્ટીઓના નેતાઓ પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલ અને એમકે સ્ટાલિને બેઠક બાદ યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી ન હતી, જે બાદ ભાજપ ગઠબંધન અને વિપક્ષી દળોની એકતા પર કટાક્ષ કરી રહ્યું છે.