બેંક કર્મચારીએ ગ્રાહકોને રાખ્યા અંધારામાં, FDમાંથી ઉઠાવ્યા કરોડો રૂપિયા!
હાલમાં બેંકિંગ ક્ષેત્રમાંથી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. આ છેતરપિંડીમાં બેંકની ઇન્ટરનલ 'યુઝર એફડી' સિસ્ટમનો દુરુપયોગ કરવામાં આવ્યો અને 41 ગ્રાહકોના ખાતાઓમાં 110 ફિક્સ્ડ ડિપોઝિટમાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા.

હાલમાં બેંકિંગ ક્ષેત્રમાંથી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. NDTVના અહેવાલ મુજબ, ICICI બેંકની કોટા શાખાની ભૂતપૂર્વ રિલેશનશિપ મેનેજર સાક્ષી ગુપ્તાની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી છે.
સિસ્ટમનો દુરૂપયોગ કર્યો
સાક્ષી ગુપ્તાએ 2020 થી 2023 વચ્ચે ICICI બેંકની આંતરિક ‘યૂઝર FD’ સિસ્ટમનો દુરૂપયોગ કર્યો હોવાનો આરોપ છે. આ સમયગાળામાં તેણે આશરે 41 ગ્રાહકોના ખાતામાંથી કુલ 110 ફિક્સ્ડ ડિપોઝિટમાંથી 4 કરોડ રૂપિયા ઉપાડ્યા અને તે રકમ શેરબજારમાં રોકાણ કરી.
સાક્ષીએ ખાતાધારકોને OTP અને ટ્રાન્ઝેક્શન એલર્ટથી દૂર રાખવા માટે તેમના એકાઉન્ટ સાથે જોડાયેલા મોબાઇલ નંબરોને પોતાના પરિવારના સભ્યોના નંબરથી બદલ્યા હતા. ઇન્વેસ્ટિંગ ઓફિસર ઇબ્રાહિમ ખાને NDTV સાથે વાતચીતમાં જણાવ્યું કે, સાક્ષીએ OTP મેળવવા માટે એક અલગ સિસ્ટમ પણ તૈયાર કરી હતી જેથી ખાતાધારકોને કોઈ માહિતી ન મળે.
છેતરપિંડીનો ખુલાસો
રસપ્રદ વાત એ છે કે, ઘણા વર્ષો સુધી આ છેતરપિંડીનો ખુલાસો થયો ન હતો પરંતુ ફેબ્રુઆરી 2024માં જ્યારે એક ગ્રાહક પોતાની FD વિશે પૂછપરછ કરવા માટે શાખામાં ગયો ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો. આ પછી ICICI બેંકે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને સાક્ષી ગુપ્તાને સસ્પેન્ડ કરી હતી. NDTVના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સાક્ષીની ધરપકડ કરવામાં આવી હતી અને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. જણાવી દઈએ કે, આ ધરપકડ તેની બહેનના લગ્ન દરમિયાન થઈ હતી.
ICICI બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફ્રોડ એક્ટિવિટી માટે તેમની પાસે ઝીરો ટોલરન્સ પોલિસી છે. ICICI બેંકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ફ્રોડ એક્ટિવિટીની જાણ થતાં અમે તાત્કાલિક પોલીસમાં FIR નોંધાવી હતી અને સંડોવાયેલ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધી છે. અમે અસરગ્રસ્ત ગ્રાહકોના ક્લેમ્સને પણ સેટલ કરી દેવાયા છે.