આસામના CM હેમંત બિસ્વા સરમાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, કહ્યું દેશ અત્યારે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, તેના માટે એક જ પરિવાર જવાબદાર
સરમાએ કહ્યું કે ભારત હિન્દુઓનું છે અને આ તેમનું પોતાનું ઘર છે. તેમણે કહ્યું, આ સનાતન અને હિન્દુ સંસ્કૃતિની ભૂમિ છે.
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ (Assam CM Himanta Biswa Sarma) બુધવારે કહ્યું હતું કે વિશ્વમાં ક્યાંય પણ રહેતા હિંદુઓને જો ત્યાં કોઈ સમસ્યા હોય તો તેમને ભારતમાં આવવાનો અધિકાર છે. કોંગ્રેસ (Congress) પર પ્રહાર કરતા સરમાએ કહ્યું કે દેશ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તેમાં મોટાભાગની સમસ્યાઓ માટે માત્ર એક જ પરિવાર જવાબદાર છે. તેમણે કહ્યું, “દુનિયામાં ક્યાંય પણ રહેતા દરેક હિન્દુને જો ત્યાં કોઈ સમસ્યા હોય તો ભારતમાં આવવાનો અધિકાર છે.” સરમાએ કહ્યું કે ભારત હિન્દુઓનું છે અને આ તેમનું પોતાનું ઘર છે. તેમણે કહ્યું, “આ સનાતન અને હિન્દુ સંસ્કૃતિની ભૂમિ છે.”
મુખ્યમંત્રી મમતા બેનર્જી પર શું બોલ્યા સીએમ હેમંત બિસ્વા સરમા
ભારતીય જનતા પાર્ટીનો મુકાબલો કરવા માટે વિપક્ષી દળો વચ્ચે એક્તા સાધવાના પ્રયત્નો અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના વિપક્ષના એક સંભવિત નેતા હોય શકે છે તે વિશે સવાલ પુછવામાં આવતા સરમાએ કહ્યું કે તેઓ માને છે કે જ્યારે કોઈ નેતા પોતાની ચૂંટણી હારે છે, તો તેમની પાર્ટી પણ તે ચુંટણી હારી જાય છે. તેમણે કહ્યું, “મમતા બેનર્જીએ તેમની વિધાનસભા બેઠક ગુમાવ્યા પછી, મારા મતે તેમનું રાજકીય અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું છે.”
તેમણે કહ્યું કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી હારી ગયા હોત તો કોઈ ભાજપની જીતની વાત ન કરતુ હોત. તેમણે એમ પણ કહ્યું કે ભારતને બીજા 20 વર્ષ માટે વડાપ્રધાન તરીકે મોદીની જરૂર છે. સરમાએ કહ્યું, “પૂર્વોત્તરના લોકો હવે પહેલા કરતા બાકીના ભારત સાથે વધુ સહજ અનુભવે છે.”
આ પહેલા આસામમાં વિધાનસભાની પાંચ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને તેના સહયોગીઓએ તમામ બેઠકો પર જીત મેળવી હતી. તેમાંથી ભાજપે ત્રણ જ્યારે તેના સહયોગી યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (UPPL)ના ઉમેદવારોએ બે બેઠકો જીતી હતી. સીએમ હેમંત બિસ્વા સરમાએ આ જીત બાદ કહ્યું હતું કે પૂર્વોત્તરના લોકોએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ દર્શાવ્યો છે. રાજ્યની ભવાનીપુર, મરિયાની, થોવરા, ગોસાઈગાંવ અને તામુલપુર વિધાનસભા બેઠકો પર 30 ઓક્ટોબરે મતદાન થયું હતું.