અમિત શાહ જમ્મુ કાશ્મીરની લેશે મુલાકાત, 23-24 જૂને અમરનાથ યાત્રાની તૈયારીઓની કરશે સમીક્ષા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આગામી 23-24 જૂને જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે જશે. જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાત દરમિયાન અમિત શાહ જમ્મુ અને શ્રીનગરમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આવતીકાલ 23 જૂને જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે જશે. કાશ્મીરની મુલાકાત દરમિયાન અમિત શાહ, જમ્મુ અને શ્રીનગરમાં ઘણા વિકાસલક્ષી કાર્યક્રમોમાં ભાગ લેશે. સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યાનુંસાર ગૃહપ્રધાન અમિત શાહ, શુક્રવારે સવારે જમ્મુમાં ભારતીય જનસંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવાની સાથે, તેમના જમ્મુ-કાશ્મીરના બે દિવસીય પ્રવાસની શરૂઆત કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પછી અમિત શાહ સાંબા ખાતે સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો શિલાન્યાસ કરશે. તેઓ શહેરમાં અન્ય અનેક વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરશે. અમિત શાહ આગામી જૂલાઈ મહિનામાં શરુ થઈ રહેલ અમરનાથની યાત્રા સંદર્ભે તંત્ર દ્વારા કરાયેલ તૈયારીઓની પણ સમીક્ષા કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બપોરે અમિત શાહ શ્રીનગર જવા રવાના થશે, જ્યાં તેઓ રાજભવનમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. સૂત્રોએ જણાવ્યું કે, સાંજે ગૃહમંત્રી શહેરમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત ‘વિતાસ્તા’ ઉત્સવમાં હાજરી આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે રાષ્ટ્રીય રાજધાની પરત ફરતા પહેલા શાહ શ્રીનગરમાં ‘બલિદાન સ્તંભ’નો શિલાન્યાસ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી 24મી જૂનના રોજ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, મણિપુર હિંસાને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં મણિપૂરમાં આશરે બે મહિનાથી ચાલી રહેલ હિંસાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવશે. સરકાર દ્વારા મણિપુરની વાસ્તવિક સ્થિતિનો ચિતાર પણ સર્વપક્ષીય બેઠકમાં રજૂ કરાય તેવી સંભાવના છે.
અમિત શાહે સર્વપક્ષીય બેઠક બોલાવી તે પહેલા જ આસામના મુખ્ય પ્રધાન હિંમતા સરમાએ અમિત શાહની તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. મણિપુરના મેઈતેઈ જ્ઞાતીના કેટલાક ધારાસભ્યો છેલ્લા એક સપ્તાહથી દિલ્લીમાં જ રહ્યાં છે અને મણિપુરની સ્થિતિને થાળે પાડવા માટે સરકારને રજૂઆત કરી રહ્યાં છે.