300 ઉચ્ચ અધિકારીઓને લઈને યોજાઈ વર્કશોપ, કેન્દ્ર સરકારની ઈમેજ સુધારવા પર અપાયું જ્ઞાન!

સરકારની છબીને કેવી રીતે સુધારવી શકાય ટે માટે એક વર્કશોપ MyGov ના સીઈઓ અભિષેક સિંઘની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.

  • tv9 webdesk37
  • Published On - 12:38 PM, 5 May 2021
300 ઉચ્ચ અધિકારીઓને લઈને યોજાઈ વર્કશોપ, કેન્દ્ર સરકારની ઈમેજ સુધારવા પર અપાયું જ્ઞાન!

કેન્દ્ર સરકારના 300 જેટલા ઉચ્ચ અધિકારીઓને એક વર્કશોપ દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકારની છબીને કેવી રીતે સુધારવી શકાય. વર્કશોપ MyGov ના સીઈઓ અભિષેક સિંઘની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. વર્કશોપમાં તમામ અધિકારીઓને કહેવામાં આવ્યું હતું કે સરકારના હકારાત્મક પાસાઓ અને સિદ્ધિઓને રેખાંકિત કરીને, જનતાને સંદેશ આપી શકાય કે કેન્દ્ર સરકાર સંવેદનશીલ છે અને સખત અને ઝડપી નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવે છે અને તેટલી વધુ મહેનતુ પણ છે.

90 મિનિટ સુધી ચાલેલી આ વર્ચ્યુઅલ વર્કશોપમાં માહિતી પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે પણ પોતાના મંતવ્યો આપ્યા હતા. વર્કશોપનું આયોજન એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ફાટી નીકળી છે. આવી સ્થિતિમાં આરોગ્યની નબળી પરિસ્થિતિ માટે કેન્દ્ર સરકારનું નામ ખરાબ થઈ રહ્યું છે. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ સરકારના ઘણા સચિવો આ બેઠકમાં સામેલ રહ્યા હતા. આ દરમિયાન પ્રકાશ જાવડેકરે સકારાત્મક સમાચારો પર ધ્યાન આપવાની વાત કરી હતી.

જો કે ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર કેન્દ્રીય પ્રધાન કાર્યાલય દ્વારા હજી સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જણાવી દઈએ કે આ પ્રકારની વર્કશોપ પ્રથમ વખત યોજવામાં આવી હતી.

અહેવાલમાં જણાવ્યું છે કે વર્કશોપમાં સામેલ એક અધિકારીએ નામ ન આપવાની શરતે બેઠક સાથે જોડાયેલી કેટલીક માહિતી શેર કરી હતી. અધિકારીઓને મીટિંગમાં કહેવામાં આવ્યું હતું કે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની પ્રેસ રીલીઝ જેવા સંદેશાવ્યવહારના જૂના માધ્યમો હવે અસરકારક નથી. અધિકારીઓને વધુને વધુ ફોટો અને વિડિઓઝ શેર કરવાનું કહેવામાં આવ્યું છે કારણ કે તે વધુ અસર કરે છે.

આ ઉપરાંત અહેવાલ અનુસાર બીજા અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે તેઓને એવા પ્રભાવશાળી લોકો શોધવા માટે કહેવામાં આવ્યું છે કે જેઓ લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરે છે.

 

આ પણ વાંચો: ઊંડા કુવામાં પડી ગયું હાથીનું બચ્ચું, જુઓ JCB ની મદદથી કેવી રીતે બચાવવામાં આવ્યો જીવ

આ પણ વાંચો: મુંબઈમાં વેક્સિન આપવાની અનોખી વ્યવસ્થા, જાણો કઈ રીતે કારમાં બેઠા બેઠા જ અપાય છે વેક્સિન