2024 Loksabha Election: લોસકભાની ચૂંટણીને લઈ ભાજપે બદલી રણનીતિ, 1 લાખ જેટલા નબળા બૂથ પર કરશે હવે ફોકસ
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા(J P Nadda)એ સમગ્ર દેશમાં 73 હજાર સંવેદનશીલ બૂથ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક સમિતિની રચના કરી હતી. હવે આ સંખ્યા વધારવા માટે ભાજપ(BJP)ની ટીમે 96,000 બૂથની મુલાકાત લીધી છે.
ભારતીય જનતા પાર્ટી (BJP) 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ આવા એક લાખ બૂથ(Booth)ની ઓળખ કરવાનો નિર્ણય લીધો છે, જે પાર્ટી માટે નબળા સાબિત થઈ રહ્યા હતા. અગાઉ, પાર્ટીએ 73,000 નબળા બૂથની ઓળખ કરી હતી અને તેને મજબૂત કરવા માટે એક પેનલની રચના કરી હતી. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા(J P Nadda)એ પાર્ટીના ઉપાધ્યક્ષ બૈજયંત પાંડાના નેતૃત્વમાં દેશભરના 73 હજાર સંવેદનશીલ બૂથ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક સમિતિની રચના કરી હતી. હવે આ સંખ્યા વધારવા માટે ભાજપની ટીમે 96,000 બૂથની મુલાકાત લીધી છે, જેને વધારીને એક લાખ કરવાનું આયોજન છે.
સાંસદો અને વિધાનસભાના સભ્યો સિવાય 40,000 થી વધુ પાર્ટી કાર્યકર્તાઓ બૂથને મજબૂત કરવા માટે જમીન પર કામ કરી રહ્યા છે. જ્યારે સાંસદો અને ધારાસભ્યો તેમના મતવિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, ત્યારે MLC અને રાજ્યસભાના સભ્યોને પણ બૂથ સ્તરે કામ કરવા માટે મતવિસ્તાર આપવામાં આવ્યા છે. આ આંકડા પાર્ટીના નેતાઓને મોકલવામાં આવશે જેથી પાર્ટી નબળી ગણાતી સીટો પર ઝડપથી કામ કરી શકે.
સતત સંદેશાવ્યવહાર અને રીઅલ-ટાઇમ ફીડબેક માટે એક મોબાઇલ એપ્લિકેશન પણ શરૂ કરવામાં આવી છે, જ્યાં નિર્ધારિત લક્ષ્યો વિશેની માહિતી અપલોડ કરી શકાય છે. આ સિવાય રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે, જેથી લોકોને ગ્રાઉન્ડ લેવલ પર કૉલ કરી શકાય અને એપ પર અપલોડ કરવામાં આવેલા ડેટાની પુષ્ટિ કરી શકાય. સૂત્રોએ એમ પણ કહ્યું કે જે રાજ્યોમાં ભાજપ સત્તામાં છે ત્યાંથી ઘણી પ્રતિક્રિયાઓ આવી છે.
પશ્ચિમ બંગાળમાં પણ પાર્ટીને કેટલીક બેઠકો પર પ્રતિસાદ મળ્યો છે કે સ્થાનિક સાંસદો અથવા ધારાસભ્યો લોકો સાથે પૂરતા પ્રમાણમાં જોડાયેલા નથી. સૂત્રોએ જણાવ્યું કે સ્થાનિક નેતાઓમાં પણ મતભેદો સામે આવ્યા છે, જેના કારણે પાર્ટીને નુકસાન થયું છે. એક પડકાર કેન્દ્ર સરકારની યોજનાઓ અને રાજ્ય સરકારની યોજનાઓના સરખા નામનો છે. આ માહિતી પાર્ટીના ટોચના નેતાઓને આપવામાં આવી છે, જેઓ તેના પર કામ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે જે રાજ્યોમાં ભાજપની સરકાર છે, યોજનાઓના નામે ત્યાં પણ ભ્રમની સ્થિતિ બનેલી છે.
જ્યારે નબળા બૂથની પેનલ પાંડાના નેતૃત્વમાં છે, ત્યારે 144 નબળી લોકસભા બેઠકોને ઓળખવા માટેની બીજી સમિતિ ગૃહ પ્રધાન અમિત શાહના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે. સમિતિએ કેન્દ્રીય મંત્રીઓને 2024ની લોકસભા ચૂંટણી સુધી તેમને સોંપવામાં આવેલા મતવિસ્તારમાં એક મહિનામાં ઓછામાં ઓછી ત્રણ રાત વિતાવવાનો અને સતત જમીન પરથી પ્રતિસાદ લેવા અને પક્ષના ટોચના અધિકારીઓ સાથે શેર કરવાનો નિર્દેશ આપ્યો છે.
પાર્ટી દ્વારા 2014 અને 2019ની ચૂંટણીમાં તેના પ્રદર્શનના આધારે આ નબળા બૂથ તેમજ નબળા લોકસભા બેઠકોની ઓળખ કરવામાં આવી છે. આમાંથી મોટાભાગની બેઠકો દેશના દક્ષિણ અને પૂર્વીય રાજ્યોમાં છે જ્યાં ભાજપ પોતાના પગ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં 18 બેઠકો જીતીને પશ્ચિમ બંગાળમાં સફળતા હાંસલ કરી હતી અને તે અગાઉની ચૂંટણીઓમાં હારી ગયેલી 144 લોકસભા બેઠકોમાંથી બહુમતી મેળવવા આતુર છે. ભાજપ પાસે તમિલનાડુ, કેરળ અને આંધ્ર પ્રદેશમાંથી લોકસભામાં સાંસદો નથી.