મહારાષ્ટ્રમાં પ્રિયા સિંહ કેસમાં બોયફ્રેન્ડ અશ્વજીતની ધરપકડ, લેન્ડ રોવર ડિફેન્ડર પણ રિકવર
પોલીસે પ્રિયા સિંહને કારથી ટક્કર મારવાના કેસમાં તેના બોયફ્રેન્ડ અશ્વજીત ગાયકવાડ અને તેના બે સહયોગીની ધરપકડ કરી છે. પોલીસ હાલ આ ત્રણેયની ગંભીરતાથી પૂછપરછ કરી રહી છે. પ્રિયાએ આ દરમિયાન પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

મહારાષ્ટ્રના થાણેમાં પ્રિયા સિંહને કાર વડે ટક્કર મારવાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મહારાષ્ટ્ર પોલીસે આ મામલાની તપાસ માટે SITની રચના કરી હતી, જેણે કાર્યવાહી કરીને PWD MDના પુત્ર અશ્વજીત ગાયકવાડની ધરપકડ કરી હતી. અશ્વજીતની સાથે પોલીસે તેના બે સાથીઓની પણ ધરપકડ કરી છે. ત્રણેયની પોલીસે રવિવારે રાત્રે ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ, પ્રિયા સિંહે એક દિવસ પહેલા જ પોલીસની કાર્યવાહી પર ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. પ્રિયાએ કહ્યું હતું કે પોલીસ અશ્વજીત સામે જે પણ કાર્યવાહી કરી રહી છે તેનાથી તે ખુશ નથી. આ પછી મહારાષ્ટ્ર પોલીસે સમગ્ર મામલાની તપાસ માટે SITની રચના કરી હતી. શનિવારે ચર્ચામાં આવેલા આ કેસમાં SITએ રવિવારે કાર્યવાહી કરી અને સરકારી અધિકારીના પુત્ર અશ્વજીત, તેના ભાગીદાર રોમિલ અને અન્ય એકની ધરપકડ કરી.
SIT ટીમે આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી
ધરપકડ દરમિયાન, પોલીસે આરોપીઓના બંને વાહનો કબજે કર્યા હતા. પોલીસે લેન્ડ રોવર ડિફેન્ડર અને મહિન્દ્રા સ્કોર્પિયો કબજે કરી છે. SIT ટીમે આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 323, 279, 338, 504, 34 હેઠળ કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આગળની કાર્યવાહી કાસારવડાવલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.
એક દિવસ પહેલા જ પ્રિયાનું નિવેદન સામે આવ્યું
પોલીસે રવિવારે સાંજે લગભગ 8.53 કલાકે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ પ્રિયાનું નિવેદન સામે આવ્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે તેના બોયફ્રેન્ડ અશ્વજીતે તેને કારથી ટક્કર મારી હતી. પ્રિયાએ અશ્વજીત પર તેની હત્યા કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો : ચંદ્રથી પૃથ્વી પર આવીએ તો રસ્તામાં કેવો હોય નજારો? જુઓ નાસાએ શેર કર્યો અદ્ભુત વીડિયો
પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠ્યા હતા
પ્રિયાએ આ દરમિયાન પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. પ્રિયાએ કહ્યું હતું કે પોલીસે મરાઠી ભાષામાં એફઆઈઆર નોંધી છે અને તેણીને ખબર નથી કે તેમાં શું લખ્યું છે. આટલું જ નહીં, પ્રિયાએ રવિવારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે પોલીસ તેના બોયફ્રેન્ડ અશ્વજીતને બચાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેના પર પત્ર પર સહી કરવાનું દબાણ કરી રહી છે.
