ભણતરનો ભાર! દિલ્હીથી ઘર છોડીને મહારાષ્ટ્ર પહોચી તરૂણી, ઓટોરિક્ષા ચાલકે પરીવાર સાથે આ રીતે કરાવ્યો મેળાપ
નવી દિલ્હીના પુષ્પ વિહારનો એક કિશોરી અભ્યાસના દબાણમાં મહારાષ્ટ્ર ભાગી ગઈ હતી. ત્યાં તેણે ઓટો રિક્ષા ચાલક રાજુ કરવડેને રૂમ વિશે પૂછ્યું. જે બાદ ડ્રાઈવરે પોલીસને મામલાની જાણ કરી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી કરી અને તેને તેના માતા-પિતા પાસે પહોચાડી.
અભ્યાસને લઈને માતા-પિતા દ્વારા દબાણ કરવાના મામલે ઘર છોડી ગયેલી 14 વર્ષની કિશોરી મહારાષ્ટ્રમાં (Maharashtra) ઓટોરિક્ષા ચાલકની (Autorickshaw driver) મદદથી તેના પરિવારને ફરી મળી શકી છે. એક પોલીસ અધિકારીએ રવિવારે આ જાણકારી આપી છે. માણિકપુર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર ભાઈસાહેબ કે અહિરના જણાવ્યા અનુસાર, ઑટોરિક્ષા ડ્રાઈવર રાજુ કરવડે (35) શનિવારે સવારે અહીં વસઈ સ્ટેશનની બહાર મુસાફરોની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે એક છોકરી તેની પાસે પહોંચી અને પુછ્યું કે, શું તેને આ વિસ્તારમાં રહેવા માટે રૂમ મળી શકે છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શંકા થવા પર ડ્રાઇવરે યુવતીનું ઓળખપત્ર જોયું અને તેની પૂછપરછ કરી. કિશોરીએ ઓટોરિક્ષા ચાલકને કહ્યું કે તે નવી દિલ્હીની છે અને અહીં એકલી આવી છે. ઓટોરિક્ષા ચાલકે તરત જ ટ્રાફિક પોલીસ અધિકારીને જાણ કરી અને પછી છોકરીને માણિકપુર પોલીસ સ્ટેશન લઈ ગયો.
કિશોરી દિલ્હીના પુષ્પ વિહારની રહેવાસી છે
કિશોરીએ પોલીસને જણાવ્યું કે તે નવી દિલ્હીના પુષ્પ વિહારની રહેવાસી છે અને શુક્રવારે ઘરેથી ભાગી ગઈ હતી કારણ કે તેની માતા તેના પર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા દબાણ કરતી હતી. પાલઘર પોલીસે દિલ્હીના સાકેત પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો, જ્યાં બાળકીના માતા-પિતાએ પહેલાથી જ અપહરણનો કેસ નોંધાવ્યો હતો.
બાદમાં પોલીસે બાળકીના માતા-પિતાને તેના ઠેકાણા અંગે જાણ કરી હતી. અધિકારીએ આગળ જણાવ્યું કે, આ પછી, છોકરીના માતા-પિતા વિમાન દ્વારા પહોંચ્યા, જ્યાં તેઓ શનિવારે મોડી સાંજે તેમની પુત્રીને મળી શક્યા. આ સાથે જ ઓટોરિક્ષા ચાલકની સતર્કતા અને સમજણ બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારે 23 જાન્યુઆરીથી શાળા શરૂ કરવાની મંજૂરી આપી
કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે 23 જાન્યુઆરીથી શાળા શરૂ કરવાની મંજૂરી આપી હતી. જો કે રાજ્ય સરકારે સ્થાનિક વહીવટીતંત્રને તેમના જિલ્લા સંબંધિત મામલામાં ત્યાં શાળાઓ ખોલવી કે નહીં તે નક્કી કરવાની સત્તા આપી છે. આ રીતે રાજ્યના ઘણા જિલ્લાઓમાં સોમવારથી શાળાઓ ખુલી ગઈ છે. પરંતુ કોરોના સંક્રમણને કારણે પુણેમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 31 જાન્યુઆરી સુધી શાળા બંધ રાખવાની જાહેરાત કરતા અજિત પવારે કહ્યુ હતુ કે તેઓ કોરોનાની સ્થિતિને (Corona Condition) ધ્યાનમાં રાખીને આગામી સમયમાં શાળા-કોલેજ શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. ત્યારે હાલ સંક્રમણ ઘટતા શાળાઓ ફરીથી ખોલવામાં આવી રહી છે.
આ પણ વાંચો : નવી વાઈન પોલિસી મુદ્દે રાજકારણ: BJP નેતાના આરોપ પર શિવસેના સાંસદ સંજય રાઉતે કર્યો વળતો પ્રહાર