Maharashtra: ‘હિટલરની નાઝી સેનાની જેમ કામ કરી રહી છે કેન્દ્રીય એજન્સીઓ’, સામનાના તંત્રીલેખમાં ભાજપ પર પ્રહાર
સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું હતું કે, "આશ્ચર્ય છે કે શા માટે વર્તમાન શાસકો નાઝીઓના ઉદય અને પતનમાંથી કંઈ શીખ્યા નથી. કેન્દ્રીય તપાસ એજન્સીઓ હવે નાઝી દળોની જેમ કામ કરી રહી છે."
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકની (Nawab Malik) અટકાયત કર્યાના બે દિવસ પછી, શિવસેનાએ (Shivsena) સામનાના તંત્રી લેખમાં કેન્દ્રીય એજન્સીઓની હિટલરની નાઝી સેના સાથે સરખામણી કરી છે. તંત્રી લેખમાં લખવામાં આવ્યું હતું કે, “ભગવાનની ઈચ્છા હતી કે ભાજપ મહારાષ્ટ્રમાં ફરી સત્તામાં ન આવે. એવું લાગે છે કે ભગવાન રામ ઈચ્છે છે કે મોદી, શાહ અને તેમની નાઝી સેના 2024માં ફરી સત્તામાં ન આવે. કેબિનેટ મંત્રીને ફસાવવા માટે જે છેતરપિંડીનો ઉપયોગ કરવામાં આવે છે તે લોકશાહીની હત્યા છે. તંત્રીલેખમાં કહેવાયું છે કે મલિક ચહેરા પર સ્મિત સાથે નિર્ભયપણે ED ઓફિસમાંથી બહાર નીકળ્યા અને જુઠ્ઠું નહીં બોલવાની અને જૂઠાણા સામેની લડાઈ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી. તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે, “હિટલરની નાઝી સેનાની હાર અનિવાર્ય છે.”
‘કેન્દ્રીય એજન્સીઓ નાઝી સેનાની જેમ કામ કરી રહી છે’
ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, તંત્રીલેખમાં જણાવ્યું હતું કે, “આશ્ચર્ય છે કે શા માટે વર્તમાન શાસકો નાઝીઓના ઉદય અને પતનમાંથી કંઈ શીખ્યા નથી. કેન્દ્રીય તપાસ એજન્સીઓ હવે નાઝી દળોની જેમ કામ કરી રહી છે અને તેમના રાજકીય આકાઓના ગેરકાયદેસર આદેશોનું પાલન કરી રહી છે. તેમનો ઉપયોગ રાજકીય વિરોધીઓને ખતમ કરવા માટે કરવામાં આવી રહ્યો છે.”
પાર્ટીએ પૂછ્યું, “મહારાષ્ટ્રમાં શરદ પવાર અને તેમનો પરિવાર, ઉદ્ધવ ઠાકરે અને તેમનો પરિવાર, સંજય રાઉત અને તેમનો પરિવાર, અનિલ પરબ, અનિલ દેશમુખ અને અન્યને ખોટા કેસ દ્વારા બદનામ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભાજપ તેની ઉજવણી કરી રહી છે. આ કેવું રાજકારણ છે?”
નવાબ મલિક હોસ્પિટલમાં દાખલ
એનસીપી નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈડીના અધિકારીઓ તેમને મેડિકલ તપાસ માટે જે જે હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે નવાબ મલિકને દાઉદ ઈબ્રાહિમની મની લોન્ડરિંગ સબંધિત મામલામાં 3 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. લગભગ આઠ કલાકની પૂછપરછ બાદ બુધવારે નવાબ મલિકની ધરપકડ કરવામાં આવી હતી. ગુરુવારે નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિકને પણ આ મામલામાં પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર : નવાબ મલિકની કરવામાં આવશે મેડિકલ તપાસ, આટલા દિવસ સુધી મંત્રી રહેશે કસ્ટડીમાં