મુંબઈમાં હેલ્મેટ વિના બાઇક ચલાવશો તો થશે કાર્યવાહી, લાયસન્સ રદ થશે અને દંડ પણ ભરવો પડશે
નવા નિયમો અનુસાર, જો મુંબઈમાં હેલ્મેટ વગર બાઇક ચલાવતા પકડાય તો ડ્રાઈવિંગ લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી શકાય છે. આ ઉપરાંત સંબંધિત બાઇક સવાર પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે.
આ છે મુંબઈમાં ટ્રાફિક સંબંધિત નવા નિયમો
મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા યુટ્યુબ પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. મુંબઈ ટ્રાફિક પોલીસે આ વીડિયો દ્વારા એક નવી જાહેરાત કરી છે. જેમાં ડીસીપી (ટ્રાફિક) રાજ તિલક રોશને જણાવ્યું છે કે હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવવા પર ચલણ સીધું આરટીઓને મોકલવામાં આવશે અને સંબંધિત બાઇક ચાલકનું લાયસન્સ ત્રણ મહિના માટે રદ કરવામાં આવશે. આ સિવાય નિયમોનો ભંગ કરનારને પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવશે. ત્યાં તેમને ટ્રાફિક નિયમોને લગતો બે કલાકનો વીડિયો બતાવવામાં આવશે.
આ ઉપરાંત જાન્યુઆરી મહિનાથી મુંબઈ પોલીસે ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ હોય ત્યારે હોર્ન વગાડનારાઓ માટે પણ એક અલગ ઝુંબેશ શરૂ કરી છે. કેટલાક લોકો કોઈ કારણ વગર હોર્ન ફૂંકે છે. આવા લોકોને પાઠ ભણાવવા માટે જ આ અભિયાન છે. મુંબઈ પોલીસે ટ્રાફિક સિગ્નલ પર ‘ધ પનીશિંગ સિગ્નલ’ નામનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત બિનજરૂરી રીતે હોર્નનો ઉપયોગ કરનારાઓ સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
પસંદગીના ટ્રાફિક સિગ્નલો પર ડેસિબલ મીટર લગાવવામાં આવ્યા હતા. ડેસિબલ મોનિટર મુંબઈ શહેરની આસપાસના ટ્રાફિક સિગ્નલો સાથે જોડાયેલ છે. જો બિનજરૂરી રીતે હોર્ન વગાડવાને કારણે અવાજ 85 ડેસિબલથી વધી જાય, તો સિગ્નલ ટાઈમર રીસેટ થાય છે. જેના કારણે ગાડીઓનો વેઈટિંગ સમય બમણો થઈ જાય છે.